અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓની અવરજવર વધી રહી છે. આવામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત પ્રવાસે આવ્યા છે. અશોક ગેહલોત પ્રદેશ કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. જ્યાં તેમણે ધારાસભ્યો, હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક કરી છે. સાથે જ ચૂંટણીની સમીક્ષા માટે પણ ચર્ચા કરી છે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, સી.જે.ચાવડા, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ, તુષાર ચૌધરી, પરેશ ધાનાણી હાજર રહ્યા હતા. બે દિવસના પ્રવાસે આવેલા ગેહલોતનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગેહલોતે કાર્યકરો સાથે મુલાકાત પહેલા કહ્યુ હતુ કે, ચૂંટણી સમયે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવશે.
પત્રકારો સાથેની વાતચીતમાં અશોક ગેહલોતને પૂછવામાં આવ્યું કે હતું કે શું તમે માનો છો કે આ વખતે કોંગ્રેસ યોગ્ય રીતે મેદાનમાં ઉતરી નથી? જેના જવાબમાં ગેહલોતે કહ્યુ કે, જ્યારે પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે કોંગ્રેસ ચૂપચાપ કામ કરી રહી છે, તો એવું નથી કે કોંગ્રેસ કંઇ કરી રહી નથી. ગામડાઓમાં ભયંકર માહોલ છે અને કેમ્પેઇન ચાલી રહ્યું છે. કોંગ્રેસ પોતાના રસ્તે ચાલી રહી છે.
ગુજરાત આવેલા અશોક ગેહલોતે ભાજપ અને આપ પાર્ટી પર પણ પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે, પ્રધાનમંત્રી કહે છે કે કોંગ્રેસ ચૂપચાપ કામ કરે છે. ગામડાઓમાં કોંગ્રેસ મજબુત કામ કરે છે. અમે ભાજપને ચેલેન્જ કરીએ છીએ કે તેઓ અધ્યક્ષની ચૂંટણી કરી બતાવે. અમારી પાર્ટી કોંગ્રેસ ગુજરાતમાં મજબુત છે. સાથે જ તેમણે કોંગ્રેસ પ્રચાર અંગે જણાવ્યું કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે. ગેહલોતે ભાજપ ઉપરાંત આપ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આપ પાર્ટીના નેતાઓ અસત્ય બોલે છે. દિલ્હીના પ્રયોગ પોલ ખોલી રહ્યા છે. ગેહલોતનું કહેવું છે કે, હું રાજસ્થાનનો સીએમ છું. કામ કરી રહ્યો છુ અને કરતો રહીશ. એક દિવસનો સમય પણ બગાડવા માંગતો નથી.
બેઠકમાં ગઠબંધનથી લઇને ઉમેદવારો અંગે ચર્ચા
ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગેહલોત ચૂંટણી રણનીતિ અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. જ્યાં પાર્ટીના તમામ સિનિયર નેતાઓ અને ધારાસભ્યો હાજર રહ્યા છે. અહીં તેમની વચ્ચે બંધબારણે બેઠકનો દોર શરૂ થયો છે. ચોક્કસથી આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની રણનીતિ અંગે ચર્ચા થશે. સાથે જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને તેમના નામો અંગે પણ ચર્ચા થઇ શકે છે. ખાસ કરીને આવાનાર સમયમાં દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની યાદી સામે આવે તેવી સંભાવના છે, ત્યારે અશોક ગેહલોતની ગુજરાત મુલાકાત અને બેઠકો ઘણું મહત્વ ધરાવે છે. બીજી બાજુ, બેઠકમમાં એનસીપી ગઠબંધન અંગે પણ ચર્ચા કરાશે. ગઇકાલે જ એનસીપીના નેતાએ કોંગ્રેસ સાથેના ગઠબંધનની વાત કરી હતી. આ અંગે અશોક ગેહલોત સાથે બેઠક મળવાની પણ વાત તેમણે કહી હતી. હવે જોવાનું રહેશે કે, બેઠક બાદ ગઠબંધન અંગે શું જાહેરાત કરવામાં આવે છે.