અમદાવાદ : વાહન ચાલકો માટે લાયસન્સ (license) ખૂબ જરૂરી ડોક્યુમેન્ટ છે. લાયસન્સ વગર વાહન ચલાવું તે ગુન્હો છે. વાહન ચાલકોએ આરટીઓ (RTO) અને ટ્રાફિકના નિયમોનું (Traffic rules) પાલન કરવું ફરજિયાત છે. પરંતુ વાહન ચાલકોએ પોતાના લાયસન્સ માટે અરજી કરી દીધી છે. ટેસ્ટ પણ આપી દીધો છે. છતાં પણ લાયસન્સનું કાર્ડ મળ્યું નથી. ટ્રાફિક પોલીસ ચેકિંગ દરમિયાન વાહન ચાલક પાસે લાયસન્સ માંગે તો મુશ્કેલીમાં મુકાય જાય છે. જોકે, અરજદારો એપ્લિકેશન કર્યા બાદ એપૃવલ થાય છે અને ત્યાર બાદ 7થી 10 દિવસમાં લાયસન્સ મળી જતુ હોય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સ્માર્ટ કાર્ડમાં આવતી ચીપને લઈ મુશ્કેલી પડી રહી છે. ચિપની ઘટ છે. જેના કારણે અરજદારોને સમયસર લાયસન્સ મળતા નથી. ગુજરાતમાં અંદાજે 1 લાખથી વધુ લાયસન્સ પેન્ડિંગ છે.
ગુજરાત મોટર ડ્રાઇવિંગ એસોસિએશન પ્રમુખ હરીશ પટેલે જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનાથી લાયસન્સ સ્માર્ટ કાર્ડનો ઇશ્યુ ચાલી રહ્યો છે. ચીપ નથી જેના કારણે કાર્ડ મળવામાં વિલંબ થઈ રહ્યો છે. સમય મર્યાદામાં અરજદારો કાર્ડ મળી જવા જોઈએ જે મળતા નથી.
અમદાવાદ આરટીઓ આર. એસ. દેસાઈએ જણાવ્યું છે કે, અરજદારોએ પાકા લાયસન્સ અથવા ડુપ્લિકેટ લાયસન્સ માટે અરજી કરી દીધી છે. એપૃવલ પણ થઈ ગયું છે અને લાયસન્સનું સ્માર્ટ કાર્ડ મળ્યું નથી. ડ્રાઇવિંગ કરી રહ્યા છે, ટ્રાફિક પોલીસ ચેકીંગ દરમિયાન તમારી પાસે લાયસન્સ માંગે છે તો તમે ડીજીલોકર અથવા તો એમ પરિવહનમાં ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરીને રાખી શકો છે. તે મેન્યુઅલી જેટલું જ વેલિડ પણ છે.
DIGI_LOCKER અથવા M PARIVAHAN આ બંનેમાં પોતાના ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરીને રાખી શકાય છે. લાયસન્સ, પીયૂસી, આરસી બુક રાખી શકો છો અને ચેકિંગ દરમિયાન ડોક્યુમેન્ટ રજૂ પણ કરી શકાય છે. જોકે, ચિપ ન હોવાથી અરજદારોને સમયસર લાયસન્સના સ્માર્ટ કાર્ડ મળતા નથી. એટલે હવે મેન્યુઅલી ન મળે તો પછી ડિજિટલનો ઉપયોગ કરવો પડશે. મોબાઈલમાં રાખેલા ડોક્યુમેન્ટ ચેકિંગ દરમિયાન બતાવી શકો છો. પરંતુ લોકો એવા પણ સવાલ છે કે, મોબાઈલ ચાર્જ પણ હોવો જોઈએ. તેમજ જે લોકો પાસે સ્માર્ટ મોબાઈલ નથી તેમને શું કરવું?