અમદાવાદઃ વટવામાં આયોજિત દેવકીનંદન મહારાજની બાબાની કથાના મંચ પરથી બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને સંબોધન કર્યું હતું. તેમણે સનાતન વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને હિન્દુઓને જાગૃત થવાની અપીલ કરી હતી.
હવે મથુરાનો વારોઃ બાગેશ્વર બાબા
તેમણે લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘અયોધ્યામાં રામલ્લા બિરાજમાન થઈ ગયા છે અને હવે મથુરાનો વારો છે. હવે ભાગવાનો સમય નથી. હવે હિન્દુ અને સનાતનીઓને એક થઈને કામ કરવાનો સમય છે. અત્યારે નહીં જાગ્યા તો આગામી સમયમાં રામકથા નહીં થાય, શિવમહાપુરાણની કથા નહીં થાય, ભાગવત સપ્તાહ નહીં થાય.’
તેમણે કહ્યુ હતુ કે, પહેલીવાર ગુજરાત આવ્યો છું. દસ દિવસ રહેવાનો છું. 29 તારીખે ચાણક્યપુરીમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખે પ્રવચન છે. તમામ સનાતની હિન્દુઓ એક થઈ જાવ. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે.
બાગેશ્વર બાબાને વાય કેટેગરીની સુરક્ષા
બાગેશ્વર ધામના પૂજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપાવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી ધીરેન્દ્ર શાસ્ત્રીને સતત ધમકી મળી રહી હતી અને તેમના નિવેદન પર વિવાદ ઊભા થઈ રહ્યા હતા. સરકારના આ નિર્ણય પાછળ આ કારણ માનવામાં આવી રહ્યું છે.
સતત વિવાદિત નિવેદનોથી ચર્ચામાં
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જ્યારથી હિન્દુ રાષ્ટ્રની વાત કહી છે, ત્યારથી સતત તેમના પર વાક્પ્રહારો થઈ રહ્યા છે. કેટલાય સંગઠનોએ તેમની હિન્દુ રાષ્ટ્ર નિર્માણના નિવેદન પર સવાલ ઊભા કર્યા છે અને કેટલાય રાજકીય દળ તરફથી સતત શાસ્ત્રી પર પ્રહારો થઈ રહ્યા છે. આ જ કારણ છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થકો દ્વારા સતત કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારવાની માગ કરવામાં આવી રહી હતી.