અમદાવાદ : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી પાંચ દિવસ ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. ત્યારે અમદાવાદના એક કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીને જાહેર કર્યા છે. નોંધનીય છે કે, રેસમાં ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સૌથી આગળ માનવમાં આવે છે.
73% લોકોએ ઇસુદાનને કર્યા પસંદ
અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીના નામની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, અમે એક રૂમમાં બેસીને મુખ્યમંત્રીની પસંદગી નથી કરતા. અમે CM પદના ચહેરા માટે લોકો પાસે ગયા હતા. જેમાં 16 લાખથી વધુ લોકોએ વોટિંગ કર્યુ હતુ. જેમા 73 ટકા લોકોએ ઈસુદાન ગઢવીને પસંદ કર્યા છે.
ખેડૂત નેતા અને 'આપ' નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી @isudan_gadhvi ને આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનવા બદલ અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
ઇસુદાન ગઢવી રાજનીતિમાં આવતા પહેલા પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. 1 જુલાઈ 2021ના રોજ ઇસુદાન ગઢવી ન્યુઝ ચેનલના એડિટર પદેથી રાજીનામું આપ્યા બાદ 14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા. ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેઓને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે કેજરીવાલે કહ્યું હતું કે, 'ઈસુદાન ગુજરાતના કેજરીવાલ છે.'
મહત્ત્વનું છે કે, અરવિંદ કેજરીવાલ 4 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી ગુજરાતનો પ્રવાસ કરશે. ચાર દિવસમાં 11 રોડ શો કરશે. 5 તારીખે ગાંધીધામ અને અંજારમાં રોડ શો, છઠ્ઠી તારીખે વાંકાનેર, ચોટીલા અને રાજકોટ પૂર્વમાં રોડ શો છે. આ સાથે સાતમીએ રાજકોટ ગ્રામ્ય, કાલાવડ અને જેતપુરમાં રોડ શો અને આઠમીએ જૂનાગઢ, કેશોદ અને માંગરોળમાં રોડ શો કરશે.