અમદાવાદ: અત્યારે જો કોઈ અમને પૂછે કે, બેવફા કોણ છે તો ચોક્કસથી કહીશ કે બિન સચિવાલય (GSSSB Bin Sachivalay Exam) જ બેવફા છે. આ વ્યથા છે એ 10 લાખથી વધુ ઉમેદવારઓની (candidates in Bin Sachivalay Exam) જેઓ બિનસચિવલયની ભરતી માટે તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ પરીક્ષા છે કે, વારંવાર રદ થઈ રહી છે. જેને લઈને ઉમેદવારો નિરાશ થઈ ગયા છે. ગૌણ સેવા પસંદગી દ્વારા આગામી 13 ફેબ્રુઆરીએ લેવાનાર બિનસચિવલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાના સમાચાર સાંભળતા સરકાર ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારઓને આશા ફરી ઠગારી નીવડી છે.
ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્કની અને ઓફિસ આસિસ્ટન્ટની 3 હજાર 900 જગ્યાઓ પર ભરતી માટે 10 લાખથી વધુ યુવાનો પરીક્ષા આપવાના હતા. બે મહિના અગાઉ 13 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. પણ અચાનક આ પરીક્ષા રદ થતા ઉમેદવારનું મનોબળ ભાંગી પડ્યું છે.
ઉમેદવારોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ત્રણ ચાર મહિનાથી વતનથી અહીંયા અમદાવાદમાં તૈયારીઓ માટે આવી ગયા છીએ. ભાડે 10 હજાર રૂપિયા ખર્ચીને રહી રહ્યા છીએ. અચાનક ખબર પડે કે, પરીક્ષા રદ છે એટલે અમારે શુ કરવું તે સમજાતું નથી. અને આ પહેલીવાર નહી અગાઉ અનકેવાર બની ચૂક્યું છે. હવે તો અમને લાગે છે કે, અત્યારે જો કોઈ અમને પૂછે કે, બેવફા કોણ છે, તો ચોક્કસથી કહીશ કે બિન સચિવાલય જ બેવફા છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમારી તો મજાક પણ જોક્સ રૂપે બની ગઈ છે કે, એકવાર ભગવાન ઉમેદવારને પૂછ્યું કે, તારે ક્યાં સુધી જીવવું છે ત્યારે ઉમેદવાર કહે કે મારે બિનસચિવાલયની પરીક્ષા લેવાય જાય ત્યાં સુધી જીવવું છે. ત્યારે ભગવાન તેને કહે છે કે, એટલે તારે અમર થઈ જવું છે એમ ને.
વિધાર્થીઓ એમ પણ કહી રહ્યા છે કે, આ અગાઉ હેડકલાર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યું અને પછી હવે આ પરીક્ષા રદ થઈ એટલે એવું લાગે છે કે આ સરકારમાં મેનેજમેન્ટ જેવું કશું રહ્યું નથી.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી આગામી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે,વારંવાર પરિક્ષા મોકૂફ રખવામાં આવતા વિદ્યાર્થીઓ ભવિષ્યનું શું તે એક મોટો સવાલ છે pic.twitter.com/k9vjNJlGna
કેટલાય એવા ઉમેદવારઓ છે જેઓએ સરકારી ભરતી માટે તૈયારીઓ છોડીને પ્રાઈવેટ નોકરીએ વળગી ગયા છે. અને અમુક સમય પછી પરિવારમાંથી પણ અન્ય કોઈ કામધંધો કરી લેવા દબાણ થાય છે. તો કેટલાક ઉમેદવાર આ પરીક્ષા રદ થવા પાછળ પણ કોઈ કૌભાંડને જવાબદાર માની રહ્યા છે.