ગઈકાલે પંચાયતની પરીક્ષાઓ રદ્દ કરવાની ફરજ પડતા નારાજ ઉમેદવારો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પર ઉમટી પડશે તેવા આઇબીના અહેવાલને પગલે આજે ગાંધીનગરની સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગાંધીનગર પાટનગરમાં સત્યાગ્રહ છાવણી આંદોલનોનું એપી સેન્ટર સાબિત થયું હતું. ત્યારે આ તમામ આંદોલનને સમેટવા માટે રાજ્ય સરકારે 7 સભ્યોની વિશેષ કમિટી બનાવી પડી હતી.
ગાંધીનગરમાં ફરી એકવાર આવા જ આંદોલનો થાય તેવો માહોલ છે. ગઈકાલે પંચાયતની પરીક્ષાઓ રદ્દ કરવાની ફરજ પડતા નારાજ ઉમેદવારો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પર ઉમટી પડશે તેવા આઇબીના અહેવાલને પગલે આજે ગાંધીનગરની સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગાંધીનગરના તમામ એન્ટ્રી પોઇન્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને સત્યાગ્રહ છાવણીને પોલીસ છાવણીમાં ફેરવી નાંખવામાં આવી હતી.
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે, આ મામલે 16 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમને અમદાવાદની ઘી કાંટા સ્થિત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કે, પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાની લગાતાર ઘટનાઓમાં રાજ્ય સરકારની લાલિયાવાડી સ્પષ્ટ થતાં આ વખતે ઉમેદવારોનો રોષ ચરમસીમાએ છે. એટલે આજે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી મેદાને પરીક્ષાર્થીઓ વિરોધ પ્રદર્શન કરવા આવે તેવી શક્યતાઓને જોતા અહીં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સરકારે કાર્યવાહી હાથ ધરી
પરીક્ષાર્થીઓ અહીં પહોંચે તે પહેલાં જ તેમની સામે કાર્યવાહી થાય તે પ્રમાણેની તજવીજ પણ શરૂ કરી દેવાઈ છે. નવા આંદોલનના મંડાણથી સરકાર એલર્ટ મોડ પર આવીને શક્ય તેટલા પ્રાયોર પગલાં શરુ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ સહિત તેમના માતાપિતા પરીક્ષા કેન્દ્રો પર વિરોધ કરતા જોવા મળ્યા હતા. ત્યારે તમામના મોઢે એક જ સવાલ હતો કે, ‘મામૂલી રકમ માટે લાખ્ખો વિદ્યાર્થીઓનું ભાવિ વચેટિયાઓ શું કામ રોળતા હશે?’