Home /News /ahmedabad /Paper Leak Scam: પેપર લીક કાંડ મામલે 16 આરોપીની ધરપકડ, બિહાર-ઓરિસ્સા સુધી કનેક્શન; જાણો સમગ્ર કાંડ

Paper Leak Scam: પેપર લીક કાંડ મામલે 16 આરોપીની ધરપકડ, બિહાર-ઓરિસ્સા સુધી કનેક્શન; જાણો સમગ્ર કાંડ

આરોપીઓની તસવીર

Paper Leak Scam: ગુજરાતમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે. ત્યારે ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ત્યારે આ મામલે ગુજરાત ATSએ તાત્કાલિક કાર્યવાહી કરી 16 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટયું અને ઉમેદવારોની આશા પર પાણી ફેરવાઈ ગયું છે. વડોદરાથી ગુજરાત ATSની ટીમે પેપર લીક મામલે સંડોવાયેલા 16 આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત, બિહાર અને ઓરિસ્સામાં પેપર લીક થવાનું કનેક્શન સામે આવ્યું છે.

ગુજરાતમાં સ્પર્ધાત્મક પેપર ફૂટવાનો સિલસિલો હજી યથાવત છે. ગુજરાતમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટતા આખરે રદ્દ કરવાની ફરજ પડી છે. પરંતુ ઉમેદવારોમાં પેપર લીક થાય તે પહેલાં ગુજરાત એટીએસએ પેપર લીક કાંડના આરોપીને ઝડપીને મોટી સફળતા મેળવી છે. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે, જુનિયર ક્લાર્કનું પેપર બરોડાથી કેટલાક શખ્સો લીક કરવાના ઇરાદે સોલ્વ કરી રહ્યા છે. તેને લઈને બરોડામાં આવેલી સ્ટેક વાઇસ ટેકનોલોજી કોચિંગ કલાસમાં ATSની ટીમ પહોંચી હતી અને ત્યાં હાજર 15 જેટલા શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં હૈદરાબાદના સાઇદરાબાદમાં આવેલા કે.એલ પ્રેસ પ્રિન્ટિંગમાંથી પેપર લીક થયું હોવાનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચોઃ વડોદરામાંથી 15 લોકોને રાતે બે વાગે જ ઉઠાવી ગઇ હતી એટીએસ

ATSએ 16ની ધરપકડ કરી


પેપર લીક કાંડ મામલે ATSની તપાસમાં ગુજરાત, બિહાર અને ઓરિસ્સાનું કનેક્શન સામે આવ્યું હતું. ATSની ટીમે બરોડામાંથી પેપર લીક કરનારા કેતન બારોટ, ભાસ્કર ચૌધરી, પ્રદીપ નાયક, અનિકેત ભટ્ટ, રાજ બારોટ અને બિહારના મોરારી પાસવાન સહિત 15 લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરિસ્સાનો પ્રદીપ નાયક પોતાના સંબંધી જીત નાયક પાસેથી પેપર હૈદરાબાદથી લઈને ગુજરાત આવ્યો હતો. હાલ હૈદરાબાદથી એટીએસને ટીમે જીત નાયકની પણ અટકાયત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, જીત નાયક પેપર લીકનો મુખ્ય સૂત્રધાર છે.

આ પણ વાંચોઃ જુનિયર ક્લાર્કની રદ્દ કરાયેલી પરીક્ષા આગામી 100 દિવસમાં યોજાશે

કેવી રીતે ફૂટ્યું પેપર?


આરોપી જીત કે.એલ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો અને જીતે પેપર ચોરી કરીને પ્રદીપ નાયકને 30 હજાર રૂપિયામાં આપ્યું હતું. પ્રદીપ નાયકે પોતાના એક મિત્ર મારફતે બિહારના મોરારી પાસવાન સાથે સંપર્ક કર્યો અને મોરારી પાસવાને પોતાના મિત્ર મિન્ટુ અને અન્ય સાગરીતો દ્વારા બરોડાના ભાસ્કર ચૌધરી સાથે લિંક કરી ત્યારબાદ આરોપી ભાસ્કરે કેતન બારોટ અને પ્રદીપે સંપર્ક કરી પેપર લીક કરવાનું ષડયંત્ર રચ્યું હતું. જો કે, પેપર લીક કરતાં પહેલાં તમામ આરોપીઓ બરોડાની કોચિંગ ક્લાસમાં પેપર સોલ્વ કરવાના હતા. જેનો મોડી રાત્રે બેથી ચાર વાગ્યાનો સમય નક્કી કર્યો હતો અને તેઓ ઉમેદવારોને પેપર સોલ્વ કરાવે તે પહેલાં જ ગુજરાત ATS પકડી લીધા હતાં.


આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે


પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અને ગુનાહિત ઇતિહાસ તપાસતા ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ વિરુદ્ધ CBIમાં વર્ષ 2019માં પણ ગુનો નોંધાયેલો હતો. આરોપી કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી દિલ્હીના તિહાડ જેલમાં જઈ આવ્યાં છે. જો કે, અન્ય પકડાયેલા આરોપીઓમાંથી કોણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે અંગે અલગ અલગ રાજ્યમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, પકડાયેલા કેટલાક આરોપીઓ પૈકી અમુક આરોપીઓ પોતાની જ એડમિશન કન્સલ્ટન્સી ચલાવી અને સરકારી પરીક્ષાઓના તૈયારી કરવા માટેના વ્યવસાયથી સંકળાયેલા છે. જેને કારણે આ પેપર લીક કરવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે હાલ IPC કલમ 406 ,409, 420 અને 120 બી મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતમાં ક્યારે કયું પેપર લીક થયું?


2014: GPSC ચીફ ઓફિસરનું પેપર
2015: તલાટીનું પેપર
2016: જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષા નું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું
2018: TAT-શિક્ષક પેપર
2018: મુખ્ય-સેવિકા પેપર
2018: નાયબ ચિટનિસ પેપર
2018: LRD-લોકરક્ષક દળ
2019: બિનસચિવલય કારકુન
2021: હેડ ક્લાર્ક
2021: DGVCL વિદ્યુત સહાયક
2021: સબ ઓડીટર
2022: વનરક્ષક
2023: જુનિયર ક્લાર્ક
First published:

Tags: Gujarat ATS, Paper leak

विज्ञापन