Home /News /ahmedabad /Swami Vivekanand: ગુજરાત સરકાર ‘સ્વામી વિવેકાનંદ સર્કિટ’ બનાવશે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અન્ય 8 જગ્યા નક્કી
Swami Vivekanand: ગુજરાત સરકાર ‘સ્વામી વિવેકાનંદ સર્કિટ’ બનાવશે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અન્ય 8 જગ્યા નક્કી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી
રાજ્ય સરકાર આગામી દિવસોમાં સ્વામી વિવેકાનંદ સર્કિટ બનાવવા જઈ રહ્યું છે, જેની જવાબદારી પ્રવાસન વિભાગને સોંપવામાં આવી છે. તેમાં ગુજરાતના 8 સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે.
ગાંધીનગરઃ યુવાનોના આદર્શ અને પ્રેરણાસ્ત્રોત ગણાતા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ એટલે કે 'રાષ્ટ્રીય યુવા દિવસ' નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમમાં સ્વામી વિવેકાનંદજીને ભાવપુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. આ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, બળવંતસિંહ રાજપુત, કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનશેરીયા, ભિખુસિંહ પરમાર, ધારાસભ્યો સહિતના અગ્રણીઓએ પણ સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સરકારે 8 સ્થળો પસંદ કર્યા
રાજ્ય સરકાર આગામી દિવસોમાં સ્વામી વિવેકાનંદ સર્કિટ બનાવવા જઈ રહ્યું છે, જેની જવાબદારી પ્રવાસન વિભાગને સોંપવામાં આવી છે. પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતના 8 સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિતની એવી જગ્યાો પસંદ કરવામાં આવી છે કે જ્યાં સ્વામી વિવેકાનંદે પ્રવાસ કર્યો હતો. આ આઠેય જગ્યાએ સરકારે સ્વામી વિવેકાનંદ મઠ બનાવવાનું નક્કી કર્યું છે.
સ્વામી વિવેકાનંદના વિચારો ફેલાવવાનો હેતુ
ભુપેન્દ્ર પટેલ સરકારે પહેલીવાર આ સ્વામી વિવેકાનંદ સર્કિટ બનાવવાનો વિચાર કરી પ્રોજેક્ટ હાથમાં લીધો છે. આ પ્રોજેક્ટ માટે પ્રવાસન વિભાગે કવાયત હાથ ધરી દીધી છે. પ્રવાસન વિભાગે પ્રેઝેન્ટેશન પણ તૈયાર કરી દીધું છે. કચ્છ-સૌરાષ્ટ્રના જુદા-જુદા આઠ સ્થળોએ વિવેકાનંદ સર્કિટ અંતર્ગત વિકાસ કાર્યો કરવામાં આવશે. પરિણામે સ્વામી વિવેકાનંદના વિચારોનો ફેલાવો થશે અને પ્રવાસનનો પણ વિકાસ થશે.