શિક્ષકો-અધ્યાપકો દ્વારા થતું જાતીય શોષણ : અહીં તો જે છીંડે ચઢે તે ચોર !

News18 Gujarati
Updated: September 14, 2018, 4:50 PM IST
શિક્ષકો-અધ્યાપકો દ્વારા થતું જાતીય શોષણ : અહીં તો જે છીંડે ચઢે તે ચોર !
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 14, 2018, 4:50 PM IST
કૌશલ પંચોલી, ન્યૂઝ18 ગુજરાતી : પાસ કરાવી આપવાની લાલચ, વધારે માર્ક્સ આપી દેવાની લોલીપોપ, ઇન્ટરનલ ફેલ અને પાસની મથામણ અને મહાવિદ્યાલયોમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તેમના પીએચડીના ગાઈડ દ્વારા થતા જાતીય શોષણની ઘટનાઓ કઈ આજની નથી. તો બીજી તરફ કોઈ નોકરીની લાલચમાં, કોઈ નોકરી ટકાવી રાખવાની લાહ્યમાં, કોઈ આર્થિક મજબુરીની સ્થિતિમાં તો કોઈ ચાપલુસી કરી નબળા હોવા છતાં જલ્દીથી હોદ્દો, ઇજાફો અને પૈસા મેળવી લેવાની જાણીબુજીને કે મજબૂરીથી શોષાતાં રહે છે. આ પ્રજાતિ શિક્ષકો અને અધ્યાપકોની છે; જેમના શિરે એક નવી પેઢીને નીતિમત્તાના ઉચ્ચતમ મૂલ્યો, સત્ય, સંસ્કારો અને સામર્થ્યના આરોપણની જવાબદારી છે.
પરંતુ શું શિક્ષકો અને અધ્યાપકો તેમની જવાબદારી નિભાવવામાં સફળ રહ્યા છે ખરા ?

ના, કદાચ નહિ. શિક્ષણજગતને શર્મસાર કરતી જાતીય શોષણ અને સતામણીની સંખ્યાબંધ ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે. આ મામલે થોડો સમય શોરોગુલ થાય છે, કેટલાક વિરલાઓ તેની ચર્ચા કરે છે અને થોડા દિવસમાં પાછું બધું ભુલાઈ જાય છે ! આપણે ત્યાં સરસ કહેવત છે : 'જે છીંડે ચડ્યો તે ચોર'. પરંતુ જે છીંડે નથી ચડ્યા અને આ પ્રવૃત્તિમાં સતત રચ્યાપચ્યા છે તેને શું વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત નથી જાણતું ? આ એવા પ્રતિભાવંત મહાનુભાવો છે જે રાજકીય પીઠબળ ધરાવે છે અથવા તો સરકાર, સંસ્થાઓ અને અધિકારીઓના ચમચાઓ છે !

આજે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠ કે કાલે ગુજરાત, સરદાર પટેલ કે અન્ય કોઈ દિવસે એમ.એસ.યુનિવર્સિટીનો કોઈ કિસ્સો સામે આવ્યો એટલે થોડા સમય તેની ચર્ચા જરૂર થશે, પરંતુ આ વર્ષ દરમિયાનનો અને તે પૂર્વનો ઘટનાક્રમ જોશો તો ખબર પડશે કે જાતીય સતામણી અને શોષણની ઘટનાઓ સતત-સમયાંતરે બનતી જ રહી છે. થોડો સમય માટે કોઈ સસ્પેન્ડ થશે અને ફરી પાછું બધું યથાતથ !

છેલ્લા કેટલાક સમયથી શિક્ષણજગત અને શિક્ષકોને લજવતા કિસ્સાઓ વધી રહ્યાં છે. આ સ્થિતિએ એક ઉમદા વ્યવસાયની શિક્ષકની શ્રેણીમાંથી તેમને લગભગ પદચ્યુત કરી નાખ્યા છે ! તાજેતરમાં રાજકોટ, વડોદરા, મોરબીની વિવિધ યુનિવર્સિટીના પ્રોફેસરો પર વિદ્યાર્થીનીઓની જાતીય સતામણીની ફરિયાદ નોંધાઇ છે. આજે પણ અમદાવાદની પ્રતિષ્ઠિત ગૂજરાત વિદ્યાપીઠના શિક્ષક સામે વિદ્યાર્થીનીની જાતિય સતામણીની ફરિયાદ નોંધાઇ છે. અહીં છેલ્લા સમયમાં ઘટેલી ઘટનાઓનો સિલસિલાબંધ ચિતાર News18 Gujarati.Com આપી રહ્યું છે. આ છીંડે ચડેલા ચોર છે, બાકીના આત્મમંથન કરી શકે છે !

અમદાવાદના ગૂજરાત વિદ્યાપીઠના ઉદ્યોગ શિક્ષક ભુપત સરવૈયાની સામે જાતીય સતામણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Loading...

ગાંધી સંસ્થા ગુજરાત વિદ્યાપીઠની ઘટના :

ગૂજરાત વિદ્યાપીઠને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ગૂજરાત વિદ્યાપીઠના ઉદ્યોગ શિક્ષક ભુપત સરવૈયાની સામે જાતીય સતામણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીએ વિદ્યાપીઠની મહિલા સેલને ફરિયાદ કરી હતી. આ મામલા પછી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ઉશ્કેરતા શિક્ષક ભુપત સરવૈયા કેમ્પસ છોડી અન્ય સ્થળે રહેવા ચાલ્યા ગયા છે. વિદ્યાપીઠના મહિલા સેલને 4 દિવસ પહેલા વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી છે. ફરિયાદના 4 દિવસમાં કમિટીની રચના કરી કમિટીએ રિપોર્ટ વિદ્યાપીઠને સબમીટ કરાવ્યો છે. વિદ્યાપીઠ આજ સાંજ સુધીમાં કડક શિક્ષાત્મક પગલા લેશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે.

ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જ્યારે ગૂજરાત વિદ્યાપીઠના રજીસ્ટ્રાર ડો. રાજેન્દ્ર ખીમાણીએ આ મુદ્દે કહ્યું છે કે, ઉદ્યોગ શિક્ષક ભુપત સરવૈયાને ફરજ મુક્ત કરવામાં આવ્યાં છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રૉ.નિલેશ પંચાલ સસ્પેન્ડ 

સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની જાતીય સતામણી મામલામાં પ્રેમના પાઠ ભણાવનાર બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ નિર્ણય સિન્ડિકેટમાં નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યારે પ્રોફેસર નિલેશ પંચાલને સસ્પેન્ડ કરીને ગાઇડશિપ પણ રદ કરવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીનીને બીજા ગાઇડ આપવા માટે કહેવામાં આવ્યું છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનમાં પીએચડીના ગાઇડે વિદ્યાર્થિનીનો એકલતાનો લાભ લઇ સેક્સુઅલ હેરેસમેન્ટ કર્યું હોવાની ફરિયાદ એક યુવતીએ કરી હતી. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીને ગાઇડે કહ્યું કે, તારે પીએચડી પૂરૂ કરવું હોય તો મારી ઇચ્છાઓ પૂરી કર. સમગ્ર ઘટના વીસી સુધી પહોંચી છે. વીસીએ તાત્કાલિક તપાસના આદેશ કર્યા હતાં જેમાં અધ્યાપકને સસ્પેન્ડ કરવાની સિન્ડિકેટ ભલામણ કરી છે.

બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને સસ્પેન્ડ કરી દેવાયા છે.


મોરબી જિલ્લાના શિક્ષણસંઘના પૂર્વ પ્રમુખ વિજય સરડવા ભૂગર્ભમાં 

મોરબી જિલ્લાના શિક્ષણ સંઘના પૂર્વ પ્રમુખ વિજય સરડવા પર પણ દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. રાજકોટની એક શિક્ષિકાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. શિક્ષિકાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. વિજય સરડવા ફરિયાદ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. વિજય સરડવા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રવકતા પણ છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટની એક શિક્ષિકાને વિવિધ લાલચ આપીને વિજય સરડવાએ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ જુદા-જુદા સ્થળોએ લઈ જઈને તેના પર દુષ્કર્મ ગુજરાવામાં આવ્યું હતું. દુષ્કર્મ ગુજાર્યા બાદ શિક્ષિકાને તરછોડી દેતાં શિક્ષિકાએ વિજય સરડવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

એમ.એસ. યુનિવર્સિટીના હંગામી ડો. મહોમ્મદ ઝુબેરની યુનિવર્સિટીમાં પ્રવેશ પર રોક 

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પણ આવો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. એમ.એસ. યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ઉર્દુ ડિપાર્ટમેન્ટમાં હંગામી પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીની છેડતી અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. સત્તાધીશો દ્વારા હંગામી પ્રોફેસર સામે તાત્કાલિક પગલા લેવામાં આવ્યાં હતાં.
એમ. એસ. યુનિવર્સિટીના ઉર્દુ ડિપાર્ટમેન્ટની એક વિદ્યાર્થીનીએ લેખિતમાં છેડતીની ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીનીએ વિઝીટર પ્રોફેસર ડો. મહોમ્મદ ઝુબેર પર આ ફરિયાદ નોંધાવી છે. જે પછી યુનિવર્સિટીના સત્તાધીશોએ તપાસના આદેશ આપ્યા હતાં. આ મામલાની તપાસ વિમેન્સ ગ્રીવન્સ કમિટી કરી રહી છે. જ્યાં સુધી આ તપાસનું કોઇ પરિણામ નહીં આવે ત્યાં સુધી ઉર્દુ વિભાગને તાળા મારી દેવામાં આવ્યાં છે. આ આખી ખબરથી યુનિવર્સિટીમાં ઘણી ચકચાર મચી ગઇ હતી. જે પછી યુનિવર્સિટીના સત્તાધીશોએ તપાસના આદેશ આપ્યા હતાં. તપાસ કમિટિની બેઠકમાં ગ્રીવન્સ કમિટિએ તપાસના અંતે વિઝીટર પ્રોફેસર ડો. મહોમ્મદ ઝુબેરની યુનિવર્સિટીમાં પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનના મહિલા પ્રોફેસર સામે ફરિયાદ

અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી છાસવારે કોઇના કોઇ વિવાદોમાં ફસાતી જ હોય છે. 21 જુલાઈ, 2018 શનિવારે ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનના મહિલા પ્રોફેસર સામે M.Philની વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી. વિદ્યાર્થીની પાસે ઘરકામ કરાવવામાં આવતું હતું. ઘરના કચરા-પોતા, રસોઈ અને બાળકોને શાળાએ મુકવા જવા સહિતના કામો કરાવવામાં આવતા હોવાનો ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા સમાજવિદ્યા ભવનમાં વિજ્યા યાદવ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમના માર્ગદર્શન હેઠળ એક વિદ્યાર્થિની એમફીલનો અભ્યાસ કરી રહી છે. આ વિદ્યાર્થિનીએ તેમની સામે ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ મહિલા પ્રોફેસર તેની સામે ઉદ્ધતાઇથી વર્તન કરે છે અને દરેક નાના મોટા કામ કરાવે છે. વિજયા યાદવ એમ.ફીલ પાસ કરાવવા માટે રૂ.50,000 માગ્યા હોવાનો આરોપ પણ વિદ્યાર્થિનીએ લગાવ્યો છે. બીજી તરફ એકેડમિક કાઉન્સિલની બેઠકમાં આ વિદ્યાર્થિનીની ફરિયાદ અંગે ચર્ચા થઇ હતી. બેઠકમાં મહિલા પ્રોફેસર સામે થયેલી ફરિયાદ અંગે તપાસ કમિટીની રચના કરવાનો નિર્ણય કરાયો હતો.

કનોરિયા આર્ટ સેન્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે આધેડ વયના પ્રોફેસરની છેડતી

અમદાવાદના પ્રતિષ્ઠિત કનોરિયા આર્ટ સેન્ટરમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે કોલેજના જ એક આધેડ વયના પ્રોફેસરે છેડતી કરતા યુવતીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.. 17મી એપ્રિલ, 2018એ બનેલા બનાવમાં શરૂઆતમાં વિદ્યાર્થિનીએ કોલેજ સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી પરંતું કોઈ પરિણામ નહીં આવતા યુવતિએ પોલીસનો સંપર્ક કર્યો હતો, અંતે ફરિયાદને પગલે પોલીસે છેડતી બદલ પ્રોફેસરની ધરપકડ કરી છે. ઓગસ્ટ 3, 2018 શહેરની પ્રતિષ્ઠિત કનોરિયા આર્ટ સેન્ટરમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે કોલેજના જ એક આધેડ વયના પ્રોફેસરે છેડતી કરતા યુવતીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...