Parth Patel, Ahmedabad : ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ચંચળબેન મફતલાલ પટેલ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજ, વેસ્ટ યુનિવર્સિટી ઓફ મિશિગન, કેલિફોનિયા, અમેરિકાના સહયોગથી તા. 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2023 સુધી ત્રિ-દિવસીય કાયરોપ્રેક્ટર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કર ભલા, હોગા ભલાના ધ્યેય સાથે ચાલી રહ્યો છે કેમ્પ
આ કાયરોપ્રેક્ટર કેમ્પમાં સાંધાઓ, સ્નાયુપેશીઓની ઈજા જેવી થતી પીડા માટે સારવાર કરવામાં આવી રહી છે. આ આયોજિત ફ્રી સારવાર કેમ્પમાં લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજના પ્રેસિડેન્ટ ડો. રોન ઓબરસ્ટાઇન, LCCW ના બોર્ડ મેમ્બર ડો. એન્જલ, ડો. નિરજ પટેલ તથા 9 જેટલા કાયરોપ્રેક્ટર્સ ટીમના તજજ્ઞ તરીકે સારવાર કરી રહ્યા છે.
કર ભલા, હોગા ભલાના ધ્યેય સાથે 1919માં શરૂ થયેલ આ સંસ્થાએ એક શતાબ્દી પસાર કરી એક નવા ચરણમાં પ્રવેશ કર્યો છે. આ સારવાર કેમ્પનું ઉદ્ઘાટન કડી સર્વ વિશ્વ વિદ્યાલયના ચેરમેન વલ્લભભાઇ પટેલ તથા લાઇફ કાયરોપ્રેક્ટિક કોલેજના પ્રેસિડેન્ટ ડો. રોન ઓબરસ્ટાઇન, સંસ્થાના મંત્રી તથા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેક્ટર ડો. જીનલ જોષીના હસ્તે કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં 8000 થી વધુએ આ થેરાપીનો લાભ લીધો
ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે યુ.એસ.એ. થી પધારેલા તમામ નિષ્ણાંત ડોકટરઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ તમામ ડોકટરઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કડી સર્વ વિશ્વવિધાલય દ્વારા આ ત્રીજો કાયરોપ્રેક્ટિક સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 8000થી પણ વધુ લોકો આ થેરાપીનો લાભ લઈ ચૂક્યા છે. અત્યારે હાલમાં આ સારવાર લેવા માટે લગભગ 2000 થી પણ વધુ લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.
આ સારવાર આપવા માટે અમેરિકાથી 9 જેટલા નિષ્ણાંત ડોકટરઓ ઉપસ્થિત રહીને ગાંધીનગર તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ દર્દીઓને સારવાર આપશે.જેમાં ગરદનનો દુખાવો, પીઠનો દુખાવો, કમરનો દુખાવો, હાથ કે પગમાં ઝણઝણાટી આવવી વગેરે જેવી તકલીફમાં સારવાર કરી આપવામાં આવશે. જો કે જાગૃત નાગરિકો ફિઝિયોથેરાપી, યોગ વગેરેનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ જો કાયરોપ્રેક્ટર થેરાપીનો ઉપયોગ કરીએ તો ઘણી તકલીફોમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ.
કાયરોપ્રેક્ટર થેરાપીના ફાયદા અને શિક્ષણની લોકોમાં જાગૃતિ ફેલાય તે ઉદ્દેશ્ય
કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઇ એમ. પટેલે જણાવ્યું હતું કે, અમેરિકાના પ્રવાસ દરમિયાન કાયરોપ્રેક્ટર થેરાપી વિશે ત્યાંના લોકોમાં જાગૃતિ જોઈ. આ થેરાપીના ફાયદા નિહાળ્યા અને કાયરોપ્રેક્ટર થેરાપીની શિક્ષણ આપતી સંસ્થાઓ પણ જોવા મળી. જેમને તબીબી ડોકટરો અને ફિઝિયોથેરા પિસ્ટ સમાન શિક્ષણ આપવામાં આવે છે. આ પદ્ધતિનો આપણા ત્યાં લોકોમાં જાગૃતિ ફેલાય તે ઉદ્દેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સરનામું : ચંચળબેન મફતલાલ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, સેક્ટર 12 બી, ગાંધીનગર, ગુજરાત
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.