અમદાવાદ: શહેરની પોલીસે એક બાઇક ચોરતી ગેંગને ઝડપી પાડી હતી. આ ગેંગના ત્રણ સભ્યો બાઇક ચોરી કરતા અને ત્યારબાદ તેને વેચતા હતા. આ ગેંગ પાસેથી હથિયારો પણ મળી આવ્યાં છે.
અમદાવાદ: શહેરની પોલીસે એક બાઇક ચોરતી ગેંગને ઝડપી પાડી હતી. આ ગેંગના ત્રણ સભ્યો બાઇક ચોરી કરતા અને ત્યારબાદ તેને વેચતા હતા. ગેંગની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ ગેંગ બાઇકના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ બનાવીને વાહનોને વેચી દેતી હતી. માત્ર વાહનો જ નહીં આ ગેંગ પાસેથી હથિયારો પણ ઝડપી પાડવામાં આવ્યાં છે.
બાતમીને આધારે પોલીસે કાર્યવાહી કરી
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ કાગડાપીઠ પોલીસને માહિતી મળી હતી કે, કાંકરિયા રોડ અણુવ્રત સર્કલ પાસે એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર લઇને પસાર થઈ રહ્યો છે. તેને આધારે પોલીસે તેને રોકતા તેની પાસેથી વિદેશી બનાવટી પિસ્ટલ, 10 કારતૂસ તથા છરી મળી આવી હતી. જો કે, પોલીસે પૂછપરછ કરતાં બાઈક ચોર ગેંગનો પર્દાફાશ થયો હતો. આ ગેંગ દ્વારા શહેરના પૂર્વ વિસ્તાર જેવા કે કાગડાપીઠ, મણીનગર, ઇસનપુર સહિતના વિસ્તારોમાંથી બાઈક ચોરી કરતા હતા. બાઈકની ડુપ્લિકેટ ચાવીઓ બનાવી બાઈક ચોરી કરી હતી. પોલીસે આ બાઈક ચોર ગેંગ પાસેથી 7 જેટલા બાઈક કબ્જે કર્યા છે.
આ સાથે જ 7 જેટલી ખોટી આર.સી બુક પણ મળી આવી હતી. બાઈક ચોર ગેંગનો આરોપી શૈલેષકુમાર ઉર્ફે લાલો વ્યાસ ગેરકાયદેસર હથિયાર સાથે નીકળ્યો હતો અને તેની પાસેથી જ છરી અને કારતૂસ મળી આવ્યા હતા. શૈલેશની પૂછપરછમાં સામે આવ્યું કે, તેનો મિત્ર પ્રદિપ અને ચિરાગસિંહ ત્રણેય બાઈક ચોરી કરતા હતા. ત્રણેય મિત્રો આર્થિક રીતે મુશ્કેલીમાં હોવાથી બાઈક ચોરી કરી પૈસા કમાવવા શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો. બાઈક ચોર આ ગેંગે સાત જેટલા બાઈક ચોરી બાદમાં તેને વેચીને પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેના માટે આરોપી પ્રદિપ લોટલાએ ઓનલાઇન એમેઝોન એપમાંથી ડુપ્લીકેટ આર.સી.બુક બનાવવા માટે પ્લેન ચીપ કાર્ડ મંગાવી પોતાના મોબાઇમાં પિક્સસેલ લેબ એપ્લિકેશન દ્વારા એડિટ કરી આર.સી બુક બનાવી હતી.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
હાલ તો પોલીસે ત્રણેય બાઈકચોરને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી શૈલેષ પાસેથી મળેલું ગેરકાયદેસર હથિયાર પણ તે પોતાના શોખ માટે લઈ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બાઇકચોર ગેંગ અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે, કેમ કે હજી પણ કેટલા બાઈક ચોરી કર્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.