હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના પરિવારને લઈ અનેક મહત્વની વાતો કહી હતી. પીએમ મોદીએ વડનગરમાં પસાર થયેલા નાનપણની વાતોથો લઈને પણ વાતો કહી. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે તેમની માતા, ભાઈઓ અને પરિવાર તેમના પીએમ આવાસ પર કેમ નથી રહેતો. આ ઈન્ટરવ્યૂ અંગે ન્યૂઝ18 ગુજરાતીએ પીએમ મોદીના મોટાભાઈ સોમભાઈ મોદીએ ખાસ વાત કરી હતી.
સોમભાઈએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના પ્રમાણિક્તાના ગુણ પાછળ પણ પરિવારના સંસ્કાર જવાબદાર છે. કોઈનું ખોટું કરવું નહીં એ અમારામાં નાનપણથી સંસ્કાર આપવામાં આવ્યા છે. નરેન્દ્રભાઈની જ્યારે રાજ્યના મુખ્યમંત્રીની વાતચીત ચાલી રહી હતી ત્યારે તેઓ અમદાવાદ મારા ઘરે આવી અમારા માતાજીને મળ્યા અને તેમને પગે લાગ્યા. ત્યારે ટીવીના સમાચારોના આધારે માતાએ તેમને પૂછ્યું કે આ બધું શું ચાલે છે અલ્યા? તો તેમણે કહી કે પાર્ટી આવું વિચારી રહી છે એટલે મારા માથે પણ આવી જવાબદારી આવે. ત્યારે બાએ આશીર્વાદ રૂપે જે શબ્દો કહ્યા હતા કે બેટા કોઈ લાંચ આપે તો પણ લેતો નહીં. આ અમારા પરિવાર તરફથી મળેલા સંસ્કાર છે.
સોમભાઈ મોદીએ જણાવ્યું કે, આ દેશના ભાગ્યની અંદર એવું કંઈક લખાયું છે કે દેશના આપણે કહીએ છીએ કે 'દશમો સુખ અને દશમો દુ:ખ' આ ભૂમિ ઉપર પણ એનો પ્રભાવ રહેતો હોય છે. આ દેશના કલ્યાણ માટે કોઈકને નિયુક્ત કર્યો હોય અને એ જવાબદારી નરેન્દ્રભાઈને સોંપવામાં આવી હોય એવું મને લાગે છે.
નરેન્દ્રભાઈમાં મજબૂતાઈ અને દૃઢ ગુણો પહેલાથી છે. એની ઈચ્છા હતી કે મારે તો મિલિટ્રી ઓફિસર થવું છે. અમે તેને સૈનિક સ્કૂલ બાલાછડી માટે ફોર્મ ભરીને તૈયાર કર્યું હતું પરંતુ તે સમયે અમારું સંયુક્ત કુટુંબ હતું. અમારા કાકાઓ પાસે આ વાત આવી તો તે બધાએ કહ્યું કે સૈનિક સ્કૂલમાં ન જવાય અને તેનું એપ્લીકેશન ફોર્મ ફાડી દીધું અને નરેન્દ્રભાઈને ત્યાં જતા અટકાવ્યા.
સોમભાઈ મોદીએ કહ્યું કે અમે ગરીબ પરિવારમાં ઉછર્યા છે. માતાની તબિયત સારી ન હોવાના કારણે ઘરના કામો પણ કરવા પડતાં હતા. બહારથી પાણી પણ ભરતા હતા. એટલે ભણવાનું અને સાથે ઘરકામ એ અમારા બધા ભાઈઓનું નિત્યક્રમ બની ગયું હતું.
સોમભાઈએ કહ્યું કે, બાપુજી સવારે વહેલા જતા રહે અને બપોરે જમવા આવે. અમારે પણ ઘણી વાર ટિફિન આપવા જવું પડતું. ઉનાળામાં જોરદાર તાપ પડતો હોય ત્યારે ખુલ્લા પગે જતાં એટલે પગ બળી જતાં, ક્યાંક પાણી ઢોળાયું હોય ત્યાં પગ બોળીને ઠંડા કરતા હતા.
નરેન્દ્ર મોદી હસમુખા સ્વભાવના, થોડા શરારતી અને સહજતાથી લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢે આ એમની ખાસિયત હતી. ક્યારેક અમારા ભાઈઓના ભાગે રસોઈ બનાવવાનું આવતું. નરેન્દ્રભાઈ રસોઈનું કામ પણ સંભાળતા. તેના કારણે તેમને રસોઈ બનાવવી પણ ખૂબ સારી આવડે છે. તેઓ કોઈ પર બોજારૂપ ન થાય તેવી સમજ તે યુવાન હતા ત્યારથી જ હતી.
સોમભાઈએ કહ્યું કે, નરેન્દ્રભાઈ સવારે માત્ર દૂધમાં થોડી ચા નાખી અને માતા પાસે બનાવેલો બાજરીનો રોટલો ખાઈ લેતાં અને આખા દિવસનું આ જ તેમનું ભોજન રહેતું. તેઓ પોતાના કપડાં જાતે ધોઈ લેતા. કપડા ઈસ્ત્રી કરવા માટે બે રીત અપનાવતા. એક તો લોટામાં કોલસા નાખીને તેનાથી ઈસ્ત્રી કરતાં અથવા ગાદલા નીચે ગડી વાળીને મૂકી દેતા. તેમને સ્વસ્છતાનો ખૂબ જ આગ્રહ રાખતા. સાદગી સાથે સુઘડતા એ તેમનામાં સહજતાથી દેખાતી.
વડાપ્રધાનના મોટા ભાઈએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈના મજબૂત વ્યક્તિત્વ પાછળ પરિવારના સંસ્કાર જવાબદાર છે. કોઈ પણ ખરાબ સ્થિતિમાં પણ અમારા માતા-પિતાએ નમતું નહોતું જોખ્યું. એ સ્થિતિમાંથી બહાર આવવા માટે કોઈને શરણે ગયા વગર પ્રમાણિકપણે પ્રયાસ કર્યા, એ જ સંસ્કાર અમારામાં આવ્યા છે. નરેન્દ્રભાઈમાં લિડરશીપના ગુણો હતા. તેમના મિત્રો પણ તેમની સલાહ-સૂચન લેતાં હતાં.