સંજય ટાંક, અમદાવાદ : ખાનગી શાળાઓ ફી મામલે ફરી વિવાદમાં આવી છે. આરટીઈ હેઠળ એડમીશન આપી રહેલી ખાનગી શાળાઓના સંચાલકો હવે સરકાર પાસે એફઆરસી પ્રમાણે ફી વસુલવા મક્કમ બન્યા છે. જે મામલે સરકાર નહિ માને તો કોર્ટનું શરણું લેવા કાયદા નિષ્ણાંતોની સલાહ લેવાની તૈયારી પણ શાળા સંચાલકોએ ખાનગી રાહે શરુ કરી છે.
સામાન્ય રીતે દર વર્ષે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આડોડાઈ કરતા ખાનગી સ્કૂલ સંચાલકો ફી મામલે ફરી વિવાદમાં સપડાયા છે. આરટીઈ હેઠળ જે ગરીબ બાળકના અભ્યાસ માટે સરકાર દ્વારા ખાનગી સ્કૂલને બાળક દીઠ 10 હજાર જેટલી ફી ચૂકવવામાં આવે છે. પરંતુ હવે ફી નિયમન લાગી જતાં શાળા સંચાલકોને હવે એફઆરસી પ્રમાણે ફી જોઈએ છે. જે મુદ્દે સ્કૂલ સંચાલકો સરકારને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યાં છે. ફી નીયમન પ્રમાણે ફી રેગ્યુલેટરી કમીટીએ જ જ્યારે ફીનું ધોરણ નક્કી કર્યું છે ત્યારે આરટીઈ હેઠળ બાળકોની ફી પણ સરકારે એફઆરસી પ્રમાણે જ ચુકવવી જોઈએ તેવો તર્ક સ્કૂલ સંચાલકો રજૂ કરી રહ્યાં છે.
સંચાલકોનું કહેવું છે કે સ્કૂલના ખર્ચ અને દસ્તાવેજોને ધ્યાને રાખીને જ એફઆરસી દ્વારા ફી નક્કી કરાઈ છે ત્યારે સરકારે હવે પોતે નક્કી કરેલી ફી જ શાળાઓને આપે તેવી માંગ કરી છે. જો સરકાર નહિ માને તો કાયદાકીય રીતે કેવીરીતે આગળ વધી શકાય તે માટે કાયદા નિષ્ણાતોની સલાહ શાળાના સંચાલકો લઈ રહ્યાં છે.
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓએ 25 ટકા બાળકોને પ્રવેશ આપવાનો હોય છે. જે પ્રમાણે ચાલુ વર્ષે 20 હજારથી વધુ ફોર્મ આરટીઈ હેઠળ પ્રવેશ માટે ભરાયા છે. જો કે હવે બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા મે માસથી શરુ થવાની છે ત્યારે ફી મામલે ખાનગી શાળા સંચલાકોએ વિવાદ છેડ્યો છે અને આ વિવાદ વધુ વકરે તો નવાઈ નહિ.