ગાંધીનગર: કોઇપણ રાજ્ય ત્યારે જ સુખી અને સમૃધ્ધ કહેવાય છે જ્યારે એના ગામડા સમૃદ્ધ હોય. એટલે જ પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી ગામડાની સમૃદ્ધિની ચિંતા કરતા આવ્યા છે. ગામડાની આજ સમૃદ્ધિના પીએમ મોદીના સપનાને લઇને કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની ગ્રામ પંચાયતો માટે રાષ્ટ્રીય પંચાયતી રાજ એવોર્ડની જાહેરાત કરવામા આવી છે. જેના પગલે ગાંધીનગર જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા ઉભી કરાયેલી સુવિધાઓ સહિતની કામગીરીને લઇને ડેટા એન્ટ્રીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
એવોર્ડ અંતર્ગત વિવિધ 9 થીમના આધારે તાલુકામાંથી 3, જિલ્લામાંથી 3 અને રાજ્યમાંથી 3 ગ્રામ પંચાયતની પસંદગી કરવામા આવશે. રાજ્યના પંચાયત વિભાગના અધિકારી સૂત્રો સાથે ન્યૂઝ18 ગુજરાતીની વાતચીત અનુસાર, કુલ મળીને વિજેતા બનનારી 30 ગ્રામ પંચાયતની આખા રાજ્યમાંથી ઉપરોક્ત રકમની ફાળવણી માટે પસંદગી કરવામાં આવનાર છે જેના પગલે અત્યંત સ્પર્ધાત્મક માહોલનું સર્જન થવાનું છે. ઉપરાંત સ્વચ્છતાના સંબંધમાં ગોઠવવામાં આવેલી વ્યવસ્થા, જાહેર આરોગ્ય માટે લેવામાં આવેલા પગલા, પીવાના પાણી અને ગંદા પાણીના નિકાલ માટેનું વ્યવસ્થાપન, શિક્ષણના ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરી, રસ્તા, સ્ટ્રીટ લાટ માટે આપવામાં આવેલી માળખાકીય સુવિધાઓ સહિતની બાબતોને આવરી લેવામાં આવનાર છે.
જેમાં પ્રથમ તબક્કે રાજ્યના તમામ તાલુકામાંથી 3 ગ્રામ પંચાયતોની પસંદગી કરવામાં આવશે. ત્યાર બાદ તેમાંથી જિલ્લા કક્ષાએ 3 ગ્રામ પંચાયતોની અને આખરે રાજ્ય કક્ષાએ 3 ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવશે. દરેક થીમ પર 3 ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવતા 27 પંચાયતને ઓછામાં ઓછા રૂપિયા 25 લાખની ગ્રાન્ટ મળશે. જ્યારે આખરી વિજેતા 3 પંચાયતોને અનુક્રમે રૂપિયા 50 લાખ, રૂપિયા 1 કરોડ અને રૂપિયા 1.50 કરોડની ગ્રાન્ટ નવીન માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે મળશે. આ તકે નોંધવું રહેશે કે, અધિકારીઓ દ્વારા પણ જિલ્લાની ગ્રામ પંચાયતો વિજેતા બને તેના માટે તંત્રને દોડતું કરવામાં આવ્યું છે. જેના પ્રથમ ચરણમાં ગ્રામ પંચાયતોને કામગીરી અંગે ડેટા એન્ટ્રી કરવા માટે કામે લગાડી દેવામાં આવી છે.