Parth Patel, Ahmedabad : હમણાં જ એટલે કે 29 જાન્યુઆરી, 2023 ના રોજ પંચાયત વિભાગ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પેપર લીક થઈ જવાને કારણે પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો આજે આપણે જુનિયર ક્લાર્કની પરીક્ષાનો અભ્યાસક્રમ, સિલેબસ અને કેવી રીતે તૈયારી કરશો તેના પર વાત કરીશું. જ્ઞાન એકેડેમીનાં મહેશ આજોલીયાએ વિદ્યાર્થીઓને અગત્યની ટીપ્સ આપી હતી. વાંચો તેમની સલાહ.
સામાન્ય જ્ઞાન, ગુજરાતી-અંગ્રેજી ભાષા અને વ્યાકરણ, ગાણિતીક તર્ક જેવા પ્રશ્નો પૂછાશે
સૌપ્રથમ જુનિયર ક્લાર્ક સિલેબસના સિલેબસની વાત કરીએ તો, તેમાં સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન, ગુજરાતી ભાષા અને વ્યાકરણ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ, જુનિયર ક્લાર્ક સિલેબસ શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં નોકરી માટે જરૂરી જ્ઞાન અને તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો વગેરે પ્રકારના પ્રશ્નો પૂછાશે.
જેમાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નો 50 ગુણ અને પ્રશ્નો ગુજરાતી માધ્યમમાં હશે. ગુજરાતી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો 20 ગુણ અને પ્રશ્નો ગુજરાતી માધ્યમમાં હશે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો 20 ગુણ અને પ્રશ્નો અંગ્રેજી માધ્યમમાં હશે. જુનિયર ક્લાર્ક ભરતીમાં સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો 10 ગુણ અને પ્રશ્નો ગુજરાતીમાં હશે.
રાજનીતિ અને ભારતનું બંધારણ, પંચાયતી રાજ, કરંટ અફેર્સના પ્રશ્નોમાં ખાસ ધ્યાન રાખવું
જુનિયર ક્લાર્ક પરીક્ષાના પ્રશ્નોની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો, સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ (તર્ક) ને લગતા પ્રશ્નો, ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનું ભૂગોળ અને ગુજરાતનું ભૂગોળ, રમત-ગમતને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે.
આ ઉપરાંત ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ, પંચાયતી રાજના પ્રશ્નો, ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી, ભારતીય અર્થતંત્ર અને આયોજન, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બનાવો જેવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.
વિષય મુજબ વિગતવાર કરીએ તો, ગુજરાત અને ભારતના ઈતિહાસ વિશે પ્રશ્નો પૂછાય છે. જે થોડા સરળ છે. ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસા વિશેના પ્રશ્નોમાં દરેક માહિતી શ્રેણી મુજબનો વિગતવાર અભ્યાસ અત્યંત જરૂરી છે. સાથે ગુજરાત અને ભારતના ભૂગોળ પરના પ્રશ્નો મધ્યમ જટિલતા કેટેગરીના કહી શકાય.
જેમાં ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓ, ગુજરાતની નદીઓ અને બંધો, ગુજરાતના બંદરો, ગુજરાતના અભયારણ્યો, ગુજરાતની ડેરીઓ, ભારતની નદીઓ, ભારતના રાજ્યો અને રાજધાનીઓ વગેરે જેવા વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવે છે. જ્યારે રમત-ગમત કેટેગરીમાં ક્રિકેટ, ફૂટબોલ, હોકી, ઓલિમ્પિક વગેરે જેવી રમતોમાંથી નવીનતમ પ્રશ્નો પૂછવામાં આવે છે. તેથી દરરોજ રમત-ગમતના સમાચાર અપડેટ્સ મેળવતા રહેવું જરૂરી છે.
આ ઉપરાંત ભારતીય અર્થતંત્ર અને આયોજન પર વિવિધ પ્રશ્નો પૂછાય છે. સામાન્ય વિજ્ઞાન કેટેગરીમાં સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, માહિતી અને સંચાર ટેકનોલોજીને લગતા વિવિધ પ્રશ્નો આવે છે. આ સાથે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બાબતો કે તેના વિષયો પર સવાલ પૂછતા હોય છે. જેમાં ખાસ તૈયારી કરવાની જરૂર પડે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.