Home /News /ahmedabad /સચિવાલયમાં પ્રવેશબંધી: જિજ્ઞેશ મેવાણીએ કહ્યું, દલાલોને પ્રવેશ પણ કાર્યકરો પર પ્રવેશબંધી કેમ?

સચિવાલયમાં પ્રવેશબંધી: જિજ્ઞેશ મેવાણીએ કહ્યું, દલાલોને પ્રવેશ પણ કાર્યકરો પર પ્રવેશબંધી કેમ?

ફાઇલ ફોટો- જીજ્ઞેશ મેવાણી

"અમારા ધ્યાનમાં એવા ઘણા કર્મશીલોના નામ આવ્યા છે, સરકારે એ વિચારવુ જોઇએ કે, શા માટે દલિતો અને કચડાયેલા લોકોએ છેક ગાંધીનગર સુંધી વારંવાર ધકા ખાવા પડે છે?"

ગાંધીનગર સચિવાલયમાં દલિતો અને અન્ય પછાત વર્ગના કર્મશીલો પર અઘોષિત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે એ સંદર્ભમાં વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે, “અમારા ધ્યાનમાં એવા ઘણા કર્મશીલોના નામ આવ્યા છે, કે જેમને સરકારે સચિવાલયમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે અથાવ બ્લેકલિસ્ટ કર્યા છે. આમાથી મોટાભાગના લોકો દબાયેલા-કચડાયેલા વર્ગના છે અને આ વર્ગોનાં પ્રશ્નોની રજૂઆતો લઇને ગાંધીનગર આવે છે. આ વ્યક્તિઓમાંથી કોઇ ક્રિમીનલ નથી. આમ છતા, તેમના પર પ્રતિબંધ મૂકવો એ  સરકારની માનસિક્ત છતી કરે છે અને લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે. ખરેખર તો, સરકારે એ વિચારવુ જોઇએ કે, શા માટે દલિતો અને કચડાયેલા લોકોએ છેક ગાંધીનગર સુંધી વારંવાર ધકા ખાવા પડે છે ?”


જિજ્ઞેશ મેવાણીએ વધુમાં જણાવ્યુ કે, “ઉદ્યોગપતિઓના દલાલો, વચેટિયાઓ, કટકીબાજો, ભ્રષ્ટાચારીઓ સચિવાલયમાં બેફામ આંટો મારે અને મોજથી ફરે છે અને તેમને છૂટથી પ્રવેશ મળે છે અને નિષ્ઠાવાન કાર્યકરોને સચિવાલયમાં પ્રેવશવા દેવામાં ન આવે એ ગેરબંધારણીય વાત છે. અને આ મુદ્દે અમે લડત કરીશું. ટૂંક સમયમાં જ, જેટલા લોકો પર સચિવાલયમા પ્રવેશબંધી લગાવી છે એ તમામ લોકો ભેગા થઇને સચિવાલય જઇશું.”


ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકાર પાસે એ પણ માંગણી કરી કે, “સચિવાલયમાં જે લોકો પર પ્રવેશબંધી કરવામાં આવી છે તે લોકોની યાદી બહાર પાડવામાં આવે અને આ લોકોને શા માટે પ્રવેશવા દેવામાં આવતા નથી તેના કારણો આપે”. ન્યૂઝ18 ગુજરાતીને મળેલા અહેવાલો પ્રમાણે જે લોકો પર સચિવાલયમાં પ્રવેશબંધી લાદવામાં આવી છે તેમાં માનવ અધિકારો અને દલિતોનાં હક્કો માટે લડતા કિરીટ રાઠોડ, જિજ્ઞેશ મેવાણીના સાથીદાર સુબોધ પરમાર, સફાઇ કામદારો માડે લડતા વિનુભાઇ ઝાપડિયા સહિત ઘણા કાર્યકરોનો સમાવેશ થાય છે.


જિજ્ઞેશ મેવાણીએ એવો આક્ષેપ પણ કર્યો કે, “હું ધારાસભ્ય છું એટલે મને પ્રવેશ કરવા દે છે, નહિંતર તો મને પણ આ સરકાર સચિવાલયમાં પ્રવેશવા ન દે. વિધાનસભામાં મેં દલિતો મુદ્દે વાત કરી તો વિધાનસભાની અંદર જ મારુ માઇક બંધ કરી દીધુ હતું. આ સરકાર ગરીબો-વંચિતોને વિધાનસભાની અંદર પણ બોલવા દેતી નથી અને બહારની પ્રવેશવા દેતી નથી.”


કિરીટ રાઠોડે તેમના પર લાદવામાં આવેલી આ પ્રવેશબંધી સંદર્ભે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને રજૂઆત કરી હતી. પણ કોઇ જ કાર્યવાહી થઇ નહી. એટલે 1 જૂન, 2018નાં રોજ કિરીટ રાઠોડે મુખ્યમંત્રી કાર્યાલયમાં આ વિશે માહિતી અધિકાર નીચે અરજી કરી અને માહિતી માંગી.  આ માહિતી અધિકારના કાયદા હેઠળ કરેલી અરજીમાં તેમણે વિગતો માંગી કે, સરકારના કયા નિયમો અને ઠરાવો અંતર્ગત તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ? સરકારે કેટલા લોકોને સચિવાલયમાં પ્રવેશવા માટે બ્લેકલિસ્ટ કર્યા છે ? સરકારના કયા હુકમથી તેમના પર (કિરીટ રાઠોડ) પર પ્રવેશબંધી કરવામાં આવી છે તેની નકલ આપવી? વગેરે”


દલિત કાર્યકર સુબોધ પરમારને પણ સચિવાલયમાં ‘બ્લેકલિસ્ટ’ કરાતા તેમણે પણ માહિતી અધિકાર નીચે માહિતી માંગી છે પણ તેમને પણ હજુ સુંધી સરકાર તરફથી કોઇ જવાબ મળ્યો નથી.


કિરીટ રાઠોડે કહ્યુ કે, “આ પ્રવેશબંધી વિશે તપાસ કરતા જાણવા મળ્યુ કે, એવા ઘણાય લોકો છે જેમના પર સચિવાલયમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. આમાના મોટાભાગના લોકો દલિતો અને અન્ય પછાત વર્ગો માટે કામ કરતા અને તેમના પ્રશ્નોને વાચા આપવા કાર્યોકરો છે. મેં આ અમે ગુજરાત હાઇકોર્ટને પણ પત્ર લખની ફરિયાદ કરી છે અને જે લોકો પર પ્રવેશબંધી લાદવામાં આવી છે તે તમામ લોકોએ આ પ્રવેશબંધી અંગે રજૂઆત કરવા માટે રાજ્યપાલનો સમય માંગ્યો છે”.


પોલીસ આ અંગે શું કહ્યુ હતુ?


નાયબ પોલીસ અધિક્ષક (સલામતી શાખા), સચિવાલય સંકુલ, બી.એ. ચુડાસમાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે, કોઇ વ્યક્તિને સચિવાલયમાં પ્રવેશ કરવા માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા નથી. પણ આ સંકુલમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી,કેબિનેટ મંત્રીઓ,  રાજ્યકક્ષાના મંત્રીઓ, તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ના કાર્યાલય આવેલા છે. આથી, કોઇ આત્મવિલોપ કે આમરણાંત ઉપવાસની ચિમકી આપે તો અટકાયતી પગલાનાં ભાગરૂપે તેમને અટકાવવામાં આવે છે”.


જ્યારે એમ પુછવામાં આવ્યુ કે, ઉપવાસ કે અન્ય કોઇ ચિમકી ન આપી હોય તો પણ જે-તે વ્યક્તિઓ પર પ્રવેશ કરતા રોકવામાં આવે છે ? આ સવાલના જવાબમાં બી.એ. ચુડાસમાએ જણાવ્યુ કે, “જે વ્યક્તિએ અગાઉ આત્મવિલોપન કે આમરણાંત ઉપવાસની ચિમકી આપી હોય તેવી વ્યક્તિએ પોલીસને બાંહેધરી આપવી પડે કે, તે સિચવાલયમાં પ્રવેશ કરીને ભવિષ્યમાં આવુ કરશે નહીં”.

First published:

Tags: Dalit, Jignesh Mevani, OBC