આજે રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. અસામાજિક તત્વોએ પેપર લીક કરતા પરીક્ષા રદ કરવામાં આવી છે.
રાજ્યભરમાંથી 9 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. પેપર લીક થવાને કારણે રાજ્યના 29 શહેરોમાં 9 લાખ વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યાં છે.
એડી. ડીજીપી વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ કરીને વાત જાહેર કરી છે કે, 'આજે થનારી પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. હવે ક્યારે પરીક્ષા લેવાશે તેની જાહેરાત પણ થોડા દિવસોમાં જાહેર કરી દેવામાં આવશે.'
આ અંગે ગુજરાત કોંગ્રેસના પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ' બીજેપીના શાસનમાં જ્યારે પોલીસનો પટ્ટાવાળા તરીકે સરકારી કાર્યક્રમોમાં ઉપયોગ થઇ રહ્યો છે, લોકોમાં ડરનો માહોલમાં જીવી રહ્યાં છે, ગુંડાઓ- માફીઓનું રાજ છે. તેમા પણ સરકાર દ્વારા લોકરક્ષક દળની જગ્યા ભરવાની વાત કરે ત્યારે રાજ્યોનો બેરોજગાર યુવાન લાઇનોમાં ઊભો રહીને પણ તે પદ મેળવવાની લાલસા કરે છે. 3 હજારની ભરતી માટે જ્યારે 9 લાખ બેરોજગાર યુવાનો પરીક્ષા આપવા આવે.'
તેમણે તે પણ કહ્યું કે, ' તેમાં પણ આવવા જવાનો ખર્યો, બે ત્રણ દિવસના રોજગાર પણ જતો કર્યો હોય, ખાવા પીવાનો ખર્ચ , ફોર્મનો ખર્ચો કર્યો. તેમછતાં આજે સરકારની નિષ્ફળતાને કારણે લોકરક્ષક દળની પરીક્ષા રદ્દ કરવી પડી છે જેનાથી નવ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થી છે. મને લાગે છે કે જીએસટી, નાણાંબંધી અને નોટબંધીને કારણે નાના અને મધ્ય કદના ઉદ્યોગો મૃતપાય થઇ રહ્યાં છે. વધારે યુવાનો બેરોજગાર થઇ રહ્યાં છે તેમાં પણ સરકારની મીઠી નજર તળે આ પેપર લીક થાય તેનાથી યુવાનોનું ભાવિ ડામાડોળ બન્યું છે.'