અમદાવાદ: શહેરના બાપુનગરમાં એક યુવક જાન્યુઆરી માસમાં ગુમ થયો હતો. જેની ભાળ ન મળતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. જે કેસમાં પોલીસે તપાસ કરતા મૃતકના મિત્ર અને તેની પત્નીએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થતા બંનેની સામે કાર્યવાહી કરી છે. મૃતક મોહંમદ મેરાજ ઉર્ફે માઇકલ આરોપીની પત્નિ રીઝવાના ઉર્ફે નેહાની છેડતી કરી આડા સંબંધ રાખવા દબાણ કરતો હોવાની શંકાઓ રાખી પોતાની પત્નિ સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ ઘડી આ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આરોપીની પત્નીએ મૃતકને પોતાના ઘરે બોલાવી આ રીઝવાના ઉર્ફે નેહાએ સરપ્રાઇઝ ગીફટ આપવાનું કહી મોહંમદ મેરાજની આંખો ઉપર દુપટ્ટો બાંધી દઇ ઇમરાન ઉર્ફે સુલ્તાનએ મોહંમદ મેરાજ ઉર્ફે માઈકલના પેટના ભાગે તલવાર ઘુસાડી હત્યા કરી હતી. બાદમાં માથુ ધડથી અલગ કરી લાશના ટુકડાઓ થેલાઓમાં ભરી ઓઢવમાં ફેંકી આવ્યો હતો.
ઘટનાની માહિતી એવી છે કે, બાપુનગરમાં રહેતી નસરીમબાનુ મોહંમદ મેરાજ પઠાણએ પોતાના પતિ મોહંમદ મેરાજ પઠાણ ગત તા. 22 જાન્યુઆરી, 2023 ના રોજ સવારના સાતેક વાગે પોતાના ઘરેથી હું થોડીવારમાં આવું છુ તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તે પરત ન આવતા બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા પીએસઆઇ પી.એચ. જાડેજા તપાસમાં લાગ્યા હતા. બાદમાં ગુમ થનારની માતા શકીનાબીબી પઠાણ, ભાઈ મોહંમદ ઈમરાન તથા પત્નિ નસરીમબાનુની પૂછપરછ કરી નિવેદન મેળવ્યા હતા. ત્યારે સામે આવ્યું કે, ગુમ થનાર મોહમદ મેરાજને તેના મિત્ર મોહમદ ઇમરાન ઉર્ફે સુલ્તાન સૈયદ સાથે છેલ્લા એકાદ વર્ષથી ખુબ વધુ પ્રમાણમાં સંપર્કમાં હોવાનુ જાણવા મળ્યું હતું.
મોહમદ મેરાજ આ મિત્ર ઇમરાન ઉર્ફે સુલતાનના ઘરે અવાર-નવાર જતો હતો અને અવાર-નવાર તેના ફોન પણ આવતા હતા અને જ્યારે પણ આ ઇમરાન ઉર્ફે સુલ્તાનનો ફોન આવે ત્યારે મોહંમદ મેરાજ તેને મળવા પહોંચી જતો હતો. આ ઇમરાન ઉર્ફે સુલ્તાન નામના મિત્રની પત્નિ રીઝવાના ઉર્ફે નેહા છે અને તેની આજુબાજુના માણસોથી આ નેહાનું ચારિત્ર્ય બરાબર નહી હોવાનુ જાણવા મળતા પોલીસને તે દંપતી પર વધુ શંકાઓ ગઈ હતી. મોહમદ મેરાજના ગુમ થવા પાછળ તેના મિત્ર ઇમરાન ઉર્ફે સુલ્તાન તથા તેની પત્નિ રીઝવાના ઉર્ફે નેહાનો હાથ હોવાનું પોલીસે માની લઈ તપાસ શરૂ કરી હતી.
જેમાં સામે આવ્યું કે, ઇમરાન ઉર્ફે સુલ્તાનની પત્ની રિઝવાના ઉર્ફે નેહાને આ મૃતક મોહમદ મેરાજ ઉર્ફે માઇકલ આડા સંબંધ બાબતે દબાણ કરતો હોવાનો વહેમ હોવાથી તેની દાઝ રાખતો અને મોહંમદ મેરાજના ગુમ થવામાં તેના આ મિત્ર તથા તેની પત્નિનો હાથ હોવાની હકિકત પોલીસને મળી હતી. જે હકિકત આધારે મોહંમદ ઇમરાન ઉર્ફે સુલ્તાન સૈયદને બોલાવી તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે, મોહંમદ મેરાજ ઉર્ફે માઇકલ તેનો મિત્ર હોવાથી અવાર-નવાર પોતાના ઘરે આવતો અને પત્નિ રીઝવાના ઉર્ફે નેહાની તે છેડતી કરતો હતો.
જે અંગેની પોતે દાઝ રાખી પોતાની પત્નિ રીઝવાના ઉર્ફે નેહાની મદદથી પોતાના ઘરે બોલાવી સરપ્રાઈઝ ગિફટ આપવાના બહાને વિશ્વાસમાં લઈ રીઝવાના ઉર્ફે નેહાએ મોહંમદ મેરાજની આંખો ઉપર દુપટ્ટો બાંધ્યો હતો. આ વખતે ઇમરાને મોહંમદ મેરાજ ઉર્ફે માઈકલના પેટના ભાગે તલવાર ધુસાડી આરપાર કરી દઈ મારી નાખ્યો હતો. માથું પણ ધડથી અલગ કરી માથુ કચરાના ઢગલામાં ફેકી દઇ લાશના ટુકડાઓ કરી તેને થેલાઓમાં ભરી એક સ્કુટી ઉપર મુકી ઓઢવ ફાયર બ્રિગેડ પાછળ કેનાલમાં પોતે જઇ લાશના ટુકડા ફેંકી દીધા હોવાની કબુલાત કરી હતી.
પોલીસે ઓઢવ ફાયર બ્રિગેડની પાછળના ભાગે તપાસ કરતા ગુમ થનાર મોહંમદ મેરાજ ઉર્ફે માઇકલને મારી નાખી તેની લાશના ટુકડાઓ થેલામાં ભરી ફેંકી દીધેલ તે જગ્યા પરથી મેરાજ ઉર્ફે માઇકલની લાશના કેટલાક અસ્થિઓ અધુરા હાડપીંજરના રુપમાં મળી આવ્યા હતા. જેથી પોલીસે આ પતિ પત્નીની સામે હત્યાનો ગુનો નોંધી યુવકના ગુમ થવાના કેસમાં હત્યા થઈ હોવાનું પુરવાર કરી તપાસ શરૂ કરી છે.