અમદાવાદ: શહેરમાં (Ahmedabad Crime) ફરી એક વખત નકલી પોલીસનો (Ahmedabad Police) આતંક સામે આવ્યો છે. એક મહિલા (fraud with woman) તેના ઘરેથી નીકળી નોકરી વાળી જગ્યાએ ગઈ હતી. બાદમાં એક કામ હોવાથી આ મહિલા ત્યાં ગઈ હતી અને પરત નોકરીવાળી જગ્યાએ જતી હતી. ત્યારે એક બાઈક પર શખ્સ આવ્યો હતો અને તેણે આ મહિલા જે રિક્ષામાં બેઠી હતી તે રીક્ષા ચાલકને સાઈડમાં રીક્ષા ઉભી રખાવી મહિલાને દાગીના ચેક કરવા દાગીના આપવાનું કહી તેને લાફા માર્યા હતા. મહિલાએ ગભરાઈ જતા આ દાગીના પોલીસ બનીને આવેલા શખ્સને આપ્યા હતા. બાદમાં પોલીસ સ્ટેશન જઈને દાગીના પરત આપી દઈશ તેમ કહેતા મહિલા રિક્ષામાં બેસી આગળ ગઈ હતી. પરંતુ પાછળ આ શખ્સ આવ્યો નહોતો અને મહિલાના 50, 000 ના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો. જે મામલે મહિલાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 45 વર્ષીય નંદુબહેન પરમાર તેમના પરિવાર સાથે રહે છે અને એક વ્યક્તિના ત્યાં પગ લુછણીયા બનાવવાનું કામ કરે છે. આ નંદુબહેનના પતિ પંદરેક વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. ગઈકાલે સવારે આ મહિલા તેના કામ ઉપર ગઈ હતી. બાદમાં બપોરના સુમારે તેના ભાઈની દીકરી માટે કપડાં લેવા માટે રામરાજ્ય ચાર રસ્તા પાસે ગઈ હતી. ત્યારે રબારી કોલોની ચાર રસ્તા પાસે આવેલા ટ્રાફિક સિગ્નલના થાંભલા પાસેથી રિક્ષામાં બેસી પરત તેની કામ કરવાની જગ્યાએ આવ્યા હતા.
ત્યારે અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર પાસે ઉતરવા માટે રિક્ષા ઉભી રખાવતા રિક્ષા પાછળથી એક બાઈક ઉપર શખ્સ આવ્યો હતો અને રિક્ષાવાળાને કહ્યું હતું કે, હું ક્યારનો હોર્ન વગાડું છું તું કેમ રિક્ષા ઊભી નથી રાખતો. હું પોલીસ વાળો છું તારી રિક્ષામાં બેઠેલા બહેનને ઉતરવા દેતો નહીં રીક્ષા આગળ લઈ લે તેમ કહેતા રિક્ષા ચાલકે સાઈડમાં રિક્ષા ઉભી રાખી હતી. બાદમાં બાઈક પર આવેલા વ્યક્તિએ પોલીસ હોવાની ઓળખ આપી રીક્ષા ચાલકને કહ્યું હતું કે, તું સાઈડમાં ઉભો રે મારે આ બહેન સાથે વાત કરવી છે. તેમ કહી હું પોલીસ વાળો છું અને તમે કાનમાં પહેરેલા દાગીના મારે ચેક કરવા છે તેમ કહેતા મહિલાએ હું દાગીના કેમ આપું તેમ કહેતા આ શખશે મહિલાને ગાલ ઉપર લાફો મારી દીધો હતો. બાદમાં મહિલાએ ગભરાઈ જતા દાગીના ચેક કરવા આપ્યા હતા. ત્યારે બીજા દાગીના માંગી નહીં આપે તો બીજા બે લાફા મારીશ તેમ કહી 50, 000ની મતાના દાગીના ચેક કરવા લાગ્યો હતો. બાદમાં આ શખ્શે દાગીના પોલીસ સ્ટેશન જઈને આપી દઈશ. હાલ તું જે જગ્યા પર કામ કરે છે તે જગ્યા બતાવ તેમ કહી મહિલાને રિક્ષામાં બેસી જવાનું કહ્યું હતું. બાદમાં આ મહિલા તે જે જગ્યાએ કામ કરતી હતી ત્યાં પહોંચી હતી. પરંતુ બાઈક પર પોલીસ તરીકેની ઓળખ આપનાર વ્યક્તિ આવ્યો નહોતો. જેથી આ મહિલા અમરાઇવાડી પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં ફરિયાદ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.