કેનેડામાં વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને અનેક લોકો સાથે છેતરપિંડી.
આરોપી હર્ષિલ પટેલ પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરતો હતો. જો કે સપ્ટેમ્બર 2018 થી તેણે ગુરુકુળ ખાતે ઉડાન હૉલિડેઝ ખાતે વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા હેમલ દવે સાથે મળીને આ કામ શરૂ કર્યું હતું.
અમદાવાદ : કેનેડાના વિઝા (Canada visa) અપાવવાના અને હોટલમાં ભાગીદારી કરાવી આપવાની લાલચ આપી અનેક લોકો પાસેથી લાખ્ખો રૂપિયા પડાવનાર આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) એ ધરપકડ કરી છે. આરોપી એ 100 થી વધુ લોકો પાસેથી આશરે રૂપિયા 5 કરોડ પડાવી છેતરપિંડી (Visa Fraud) આચરી છે.
કેનેડામાં વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપી હર્ષિલ પટેલની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. હર્ષિલ પટેલ અને સુનીલ શિંદે નામના બે આરોપીઓએ કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા 39 લાખ 51 હજાર પડાવ્યા હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ આ રીતે 100 થી વધુ વ્યક્તિઓ પાસેથી રૂપિયા 5 કરોડ જેટલી રકમ પડાવી છે. બાદમાં તે મુંબઈ જતો રહ્યો હતો અને જુદી-જુદી વૈભવી હોટલ તેમજ વૈભવી ફ્લેટ ભાડે રાખીને મોજ શોખ કરતો હતો.
આરોપી હર્ષિલ પટેલ પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરતો હતો. જો કે સપ્ટેમ્બર 2018 થી તેણે ગુરુકુળ ખાતે ઉડાન હૉલિડેઝ ખાતે વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા હેમલ દવે સાથે મળીને આ કામ શરૂ કર્યું હતું. જોકે આ ઓફિસમાં સુશીલ શિંદે નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો. આરોપી લોકોને કેનેડામાં વર્ક પરમિટ વિઝા અપાવવાની ખાતરી આપતો હતો. અને કેનેડામાં મહેન્દ્રભાઈ કાન્તીભાઈ પટેલ કે જે તેના કોઈ સંબંધી કે મિત્ર ન કરતા હોવા છતાં તે તેના પિતરાઈ થઈ રહ્યા હોવાની ઓળખ આપીને તેમની સબ-વે હોટલમાં ધંધામાં રોકાણ કરાવી અને ભાગીદાર બનાવવાની લાલચ આપતો હતો. ભાગીદાર બનવા થી ઝડપથી પી આર મળી જાય તેમ કહીને આરોપી હોટલના પાર્ટનરશીપ એગ્રીમેન્ટ કરી મોકલી આપતો હતો.
આરોપી સામે અગાઉ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે રૂપિયા 15 લાખની છેતરપિંડી અને નારણપુરા ખાતે રૂપિયા 3 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે. તેમ જ તેની પાસેથી મોબાઇલ લેપટોપ અને અન્ય કેટલાક દસ્તાવેજો પણ કબજે કર્યા છે. જ્યારે પોલીસે અન્ય આરોપીઓને પકડવા માટે પણ તપાસ તેજ કરી છે.