Home /News /ahmedabad /ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં સક્રિય, નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ ભાજપ-કૉંગ્રેસ પર કર્યાં પ્રકાર
ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં સક્રિય, નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ ભાજપ-કૉંગ્રેસ પર કર્યાં પ્રકાર
તસવીર: સાબિર કાબલીવાલા અને ઓવૈસી
ગુજરાતની રાજનીતિમાં હવે ઓવૈસીની પાર્ટી AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen) સક્રિય થશે. ગુજરાત AIMIMના પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાની નિમણૂક કરવામાં આવી.
અમદાવાદ: AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સાબિર કાબલીવાલાને જવાબદારી મળી છે. ન્યૂઝ 18 ગુજરાત સાથે ખાસ વાતચીત કરતા સાબિર કાબલીવાલા (Sabir Kabliwala)એ પ્રમુખ બનવાની સાથે જ ભાજપ અને કૉંગ્રેસ પક્ષ (Congress Party) પર પ્રહાર કર્યાં હતાં. કાબલીવાલાએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટીએ ભાજપની બી ટીમ તરીકે ગુજરાતમા કામ કર્યું છે. ભાજપમાં આજે કૉંગ્રેસમાંથી ગયેલા ધારાસભ્યો અને મંત્રીઓ છે. ઓવૈસી (Asaduddin Owaisi)ની પાર્ટી દલિત, મુસ્લિમ અને આદિવાસી સમાજના કામો કરવામાં માંગે છે. આથી ગુજરાતમાં બીટીપી સાથે ગંઠબંધન કર્યું છે. આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં AIMIM પાર્ટી પોતાના ઉમેદવારો ઊભા રાખશે. જેના અનુસંધાને ઓવૈસી ગુજરાતની મુલાકાતે પણ આવશે.
સાથે જ સાબિર કાબલીવાલાએ આરોપ લગાવ્યા હતા કે, કૉંગ્રેસે માત્ર મુસ્લિમ અને દલિતોનાં મત લીધા છે પરંતુ સમાજનો વિકાસ કર્યો નથી. અહેમદ પટેલના નિધન બાદ હવે કૉંગ્રેસમાં મુસ્લિમ નેતા ક્યાંય નહીં દેખાય. ગુજરાતમા ત્રીજા વિકલ્પ તરીકે AIMIM રહેશે. કૉંગ્રેસ પાર્ટી સાથે ક્યારેય ગંઠબંધન કરવામાં નહીં આવે. ભલે વિપક્ષમાં બેસવાનું થાય પરંતુ કૉંગ્રેસ સાથે ક્યારેય ગઠબંધન નહીં કરીએ.
સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટીએ ગુજરાતમાં BTP સાથે ગંઠબંધન કર્યું છે. બીટીપીને સાથે રાખીને પાર્ટી ચૂંટણી લડશે. અમારી પાર્ટી માત્ર મુસ્લિમ સમાજ જ નહીં, દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના મુદ્દા ઉઠાવશે. કૉંગ્રેસ છોડવા પાછળનું કારણ આપતા તેઓએ કહ્યું હતું કે, આનું એકમાત્ર કારણ વિશ્વાસઘાત છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, કૉંગ્રેસમાંથી નારાજ હોય તેવા સારા નેતાઓને પાર્ટીમાં લાવવામાં આવશે. આ ક્રમમાં અમુક નેતાઓએ ઓવૈસી સાથે મુલાકાત પણ કરી છે.
મહત્ત્વપૂર્ણ છે કે AIMIM હૈદરાબાદથી શરૂ થયેલી પાર્ટી છે. આજે તે બિહાર, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યમાં સક્રિય જોવા મળે છે. ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ઓવૈસીની પાર્ટી કૉંગ્રેસને ચોક્કસ મોટું નુકસાન કરશે.