'શક્તિ દળ' : ગુજરાતની રાજનીતિમાં ફરીથી કિંગમેકર બનવા શંકરસિંહના પ્રયાસો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા રાજ્યમાં યુવાનો પર થતા અન્યાય મામલે ફરીથી શક્તિદળને જીવંત કરવા જઇ રહ્યા છે.

News18 Gujarati
Updated: October 14, 2019, 11:20 AM IST
'શક્તિ દળ' : ગુજરાતની રાજનીતિમાં ફરીથી કિંગમેકર બનવા શંકરસિંહના પ્રયાસો
શંકરસિંહ વાઘેલા
News18 Gujarati
Updated: October 14, 2019, 11:20 AM IST
મયુર માકડિયા, અમદાવાદ : રાજ્યમાં યુવાનો અને બેરોજગારોના પ્રશ્નોને લઈ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરીથી રાજ્યના રાજકારણનું કેન્દ્ર બિંદુ બનવા જઈ રહ્યા છે. જો શક્તિદળની વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલા જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે તેની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષે 2003માં શંકરસિંહ વાઘેલાના આ શક્તિદળ સાથે રાજ્યના અનેક યુવાનો જોડાયા હતા, પરંતુ સમય જતાં શક્તિદળનું વિસર્જન થયું અને શંકરસિંહે પણ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. હવે શંકરસિંહ ફરીથી એનસીપી સાથે ગુજરાતની રાજનીતિના કિંગમેકર બનવા શક્તિદળને ફરીથી જીવંત કરી રહ્યા છે. જેના ભાગરૂપે રવિવારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શક્તિદળના યુવાનો સાથે સંવાદ કરતા શંકરસિંહે રાજ્યમાં વ્યાપેલી બેરોજગારી, ભ્રષ્ટાચાર અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે લડાઈ લડવા યુવાનોને આહવાન કર્યું હતું.

શક્તિદળને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર સામે અનેક મુદ્દાઓ મામલે લડાઈ લડવાની છે. તમે અહીંયા કંઈ આપવા આવ્યા છો, લેવા નહીં. આજે શાસન સામે બોલવા કોઈ તૈયાર નથી. જે બોલવા તૈયાર થાય છે તેને ચૂપ કરવી દેવામાં આવે છે. શિક્ષિત યુવાઓના ભવિષ્ય સામે સરકારે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. 12 લાખ યુવાનો પરીક્ષાની તૈયારી કરતા હતા, પરંતુ સરકારે અચાનક પરીક્ષા જ રદ કરી દીધી. ગુજરાતમાં 40 લાખ શિક્ષિત બેરોજગાર યુવાનો છે. બેરોજગારી વધી છે. મતલબ સરકારમાં કંઈક ગરબડ છે. આજે સ્વાર્થ માટે લોકો જાહેર જીવનમાં આવે છે."શંકરસિંહ વાઘેલાનું શક્તિદળ નવા જોમ અને જુસ્સા સાથે મેદાને ઉતરવાનું છે. 10 રૂપિયાના રજીસ્ટેશન ફી સાથે અમદાવાદ ખાતે 10, 164 યુવાનો શક્તિદળમાં જોડાયા છે. આગામી દિવસોમાં રાજ્યના અન્ય ત્રણ મહાનગર સુરત, રાજકોટ અને વડોદરામાં પણ આ પ્રકારે કાર્યક્રમો કરી યુવાનોને શક્તિદળમાં જોડવામાં આવશે. 40 વર્ષેથી નીચી વયના યુવા-યુવતીઓને શક્તિદળના સૈનિક બનશે. આ લોકોને નિવૃત્ત સૈનિકો દ્વારા શારીરિક, માનસિક અને બૌદ્ધિક તાલિમ આપવામાં આવશે.

હજારો કરોડ રૂપિયાના દારૂનો વેપલો ગુજરાતમાં ચાલે છે : શંકરસિંહ

દારૂ મામલે થોડા દિવસથી ચાલી રહેલી ચર્ચા અંગે શંકરસિંહે જણાવ્યું કે, "દારૂબંધી મામલે સરકારે પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા કરવી જોઈએ. ચર્ચાના અંતે જે નિર્ણય સરકાર કરે તેનો કડક અમલ કરવો જોઈએ. સરકાર ભલે ન માને પરંતુ મંદી છે. નાના દુકાનદારોને પૂછો તો ખબર પડે. ફિલ્મ વકરો કરે તે અલગ વાત છે. આ સરકાર EVM અને મેનેજમેન્ટની સરકાર છે. Howdy Modi કાર્યક્રમ પણ મેનેજ કરેલો હતો, એક કંપનીએ આ કાર્યક્રમની બધી ગોઠવણ કરી હતી. જે કંપની સાથે ભારત સરકારે કરાર કર્યા હતા તે કંપની આની સ્પોન્સર હતી."
Loading...નોંધનીય છે કે શંકરસિંહે શક્તિદળના માધ્યમથી 2022માં આવનારી વિધાનસભા ચૂંટણીની પૂર્વે તૈયારી કરી રહ્યા છે. વર્ષે 2020ના દશેરા સુધીમાં શક્તિદળ એક લાખ યુવાનો સાથે અમદાવાદમાં કૂચ કરવાનું આયોજન કરી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે શંકરસિંહ વાઘેલા શું શક્તિદળથી ફરીથી ગુજરાતની રાજનીતિમાં સશક્ત થશે?​
First published: October 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...