Home /News /ahmedabad /

અમદાવાદ: ફરી એકવાર પાંચ લોકોએ ક્રાઇમ બ્રાંચના નામે કર્યો કાંડ, વેપારીનું અપહરણ કરી પૈસા પડાવી લીધા

અમદાવાદ: ફરી એકવાર પાંચ લોકોએ ક્રાઇમ બ્રાંચના નામે કર્યો કાંડ, વેપારીનું અપહરણ કરી પૈસા પડાવી લીધા

પોલીસના હાથે ઝડપાયેલા આરોપી.

Ahmedabad kidnapping case: આ કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં રાજન પટેલ, પ્રદીપ પાટીલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ અને અમિત પટેલની ધરપકડ કરી છે.

અમદાવાદ: શહેરમાં અવારનવાર ક્રાઈમ બ્રાન્ચ (Crime branch)ના નામે કેટલાક શખ્સો લોકો પાસેથી તોડ કરતા હોવાની ઘટના બનતી રહે છે. ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચની ફજેતી થાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. કેટલાક શખ્સો એક લારી ચલાવનાર યુવક પાસે ગયા હતા અને નાના છોકરાને કામ પર રાખે છે, મોડી રાત સુધી દુકાન ચલાવે છે તેમ કહીને ગાડીમાં તેનું અપહરણ (Ahmedabad kidnapping) કરી ગયા હતા. બાદમાં યુવકને નરોડા પોલીસ સ્ટેશન (Naroda police station) તરફ લઈ જઈને કેસ ન કરવા માટે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. વેપારી પાસે આટલા પૈસા ન હોવાથી આ શખ્સો તેને એટીએમમાં લઈ ગયા હતા અને 20 હજાર રૂપિયા પડાવી લીધા હતા.

આ કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં રાજન પટેલ, પ્રદીપ પાટીલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ અને અમિત પટેલની ધરપકડ કરી છે. આરોપી રાજન પટેલ આઉટસોર્સથી પહેલા નરોડા પોલીસ સ્ટેશનમાં જ ગાડી ચલાવતો હતો અને હાલ સાઇબર ક્રાઇમમાં ગાડી ચલાવવાનું કામ કરે છે. આરોપી રાજન સાઇબર ક્રાઇમમાં ગાડી ચલાવતો હોવાથી તેણે અન્ય લોકો સાથે મળી ક્રાઇમ બ્રાન્ચનું નામ આપી આ કાંડ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: રાજકોટમાં યુવતીનો આપઘાત: દીકરીને ગંગાજળ પીવડાવવા જતા મળી આવી ચિઠ્ઠી

બનાવની વિગતે વાત કરીએ તો મૂળ રાજસ્થાનના અને હાલ નરોડામાં રહેતા ઈન્દ્રલાલ જાટ વિઠ્ઠલ પ્લાઝા ખાતે ઉમિયા પાંઉભાજી નામની લારી ધરાવી વેપાર કરે છે. ગત સાતમી તારીખના રાત્રે બારેક વાગ્યાની આસપાસ તેઓ તેમની લારી પર વેપાર ધંધો કરતા હતા. બાદમાં લારીની સાફ સફાઈ કરતા હતા ત્યારે એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાં પાંચ માણસો લારી ઉપર આવ્યા હતા અને પૂછવા લાગ્યા હતા કે આ લારી નો માલિક કોણ છે? ઈન્દ્રલાલભાઈએ પોતે જ માલિક હોવાનું જણાવતા તેમાંથી એક મજબૂત બાંધાનો યુવક કહેવા લાગ્યો હતો કે તમે અહીં કેમ નાના છોકરાઓ પાસે કામ કરાવો છો?

આ પણ વાંચો: કાફેમાં ચાલતા કપલ બોક્સમાંથી સાત યુગલ ઝડપાયા

બાદમાં બીજા યુવકે જણાવ્યું કે, અમે બધા શાહીબાગ ક્રાઇમ બ્રાંચમાંથી આવીએ છીએ. તમે મોડી રાત સુધી લારી ચાલુ રાખી છે. ગાડીમાં બેસી જાઓ. પોલીસ સ્ટેશન લઇ જવાના છે. આમ કહીને તેમને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધા હતા. આરોપીઓએ તેમનો ફોન પણ લઈ લીધો હતો. બાદમાં એક ગલીમાં લઈ જઈને તારા ઉપર કેસ કરવાનો છે, કેસ ન કરવો હોય તો ત્રણ લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું.



ઈન્દ્રલાલે પોતાની પાસે આટલા બધા પૈસા ન હોવાનું જણાવ્યું હતું. જેથી આ શખ્સોએ તારો કેસ કરવો જ પડશે તેમ કહી ગાડી નરોડા પોલીસ સ્ટેશન બાજુમાં લઈ ગયા હતા. બાદમાં આ શખ્સો તેઓને એ.ટી.એમ ખાતે લઇ ગયા હતા, ત્યાં ઈન્દ્રલાલે 20,000 રૂપિયા ઉપાડી આ શખ્સોને આપી દીધા હતા. બાદમાં આરોપીઓએ તેમને કેનાલ પાસે ઉતારી લીધા હતા અને ગાડી લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Kidnapping, અમદાવાદ, ક્રાઇમ બ્રાંન્ચ, પોલીસ

આગામી સમાચાર