અમદાવાદ: રાજ્યમાં (Gujarat) કાળઝાળ ગરમી (heatwave in Gujarat) પડી રહી છે. ત્યારે શહેરનો (Ahmedabad fire) એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શનિવારે શેલા વિસ્તારમાં આવેલા એન હાઇટના 14મા માળે એક ફ્લેટમાં આગ લાગી હતી. ફ્લેટમાં આગ ફેલાઇ જતા સોફ્ટવેર એન્જિનિયર યુવક બેડરૂમમાં ફસાઇ ગયો તો. ફાયર વિભાગની ટીમે ફ્લેટના દરવાજાનું લોક તોડીને મકાન માલિકને બહાર કાઢ્યો હતો. ફલેટમાં મેગા કોમ્પ્યુટર ઘણા સમયથી ચાલતુ હતું. જેના કારણે રૂમનું તાપમાન 70 ડિગ્રીએ પહોંચી ગયુ હતુ. જેથી ઓવરહીટીંગથી આગ લાગી હોવાનું ફાયર વિભાગનું પ્રાથમિક તારણ છે. આગ હોલવવા બિલ્ડિંગમાં લગાવાયેલી ફાયર સિસ્ટમથી વોટર સ્પ્રે કરી આગ હોલવવામાં આવી હતી.
રૂમનું તાપમાન 70 ડિગ્રી સુધી પહોંચ્યુ
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સોફ્ટવેર એન્જિનિયર હાર્દિક પટેલે ફાયર બ્રિગેડને ફોન કરતાં ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. જે બાદ બેડરૂમનો દરવાજો તોડી યુવકને બહાર કાઢ્યો હતો. આખી રાત કમ્પ્યૂટર ચાલુ રહી જતાં રૂમનું તાપમાન 70 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ. જેના કારણે ઓવરહીટ થવાથી આગ લાગી હતી.
ઓર્ચિડ હાઈટ નામના બિલ્ડિંગના 14મા માળે આવેલા બી-ટુ, 144 નંબરના ફલેટ હાર્દિક પટેલનો છે. મેગા કોમ્પ્યુટર ઉપર કામ કરતા કરતા તે સૂઈ ગયા હતા. આ સમયે ઘણા સમયથી ચાલતા મેગા કોમ્પ્યુટરમાં ઓવર હીટીંગ થવાથી સ્પાર્ક થતા ફલેટમાં આગ લાગી હતી. આગ લાગી હોવાની ખબર પડતા યુવક જાગ્યા હતા. જે સ્થળે આગ લાગી હતી ત્યાં સુધી જવામાં જોખમ હોવાનું લાગતા જ તેમણે 101 ઉપર ફાયર વિભાગને આગ અંગે જાણ કરી હતી.
ઘરવખરીને વ્યાપક નુકસાન
ફાયર વિભાગને જાણ થતાની સાથે 12 ફાયર ફાઈટર, એક મીની ફાઈટર, એક વોટર બાઉઝર સહિતના વાહન સાથે ડીવીઝનલ ફાયર ઓફિસર સહિતના અન્ય અધિકારીઓ અને જવાનો એરીયલ લેડર પ્લેટફોર્મ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. મકાન માલિક ફલેટમાં એકલા જ રહેતા હોવાથી ફલેટ અંદરથી લોક કરીને સૂતા હતા જેથી ફલેટના દરવાજાનું લોક તોડી પહેલા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. ફલેટમાં લાગેલી આગ 14 માળનું બિલ્ડિંગ હોવાથી બીજે કયાંય ફેલાય નહીં એની તકેદારી રખાઈ હતી. આગને કારણે ફલેટમાં રહેલી ઘરવખરીને વ્યાપક નુકસાન થયુ હતું. આગનું ચોકકસ કારણ જાણવા પોલીસ અને એફ.એસ.એલ.ની મદદ પણ લેવામાં આવી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર