અમદાવાદઃ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમણે આગામી 3 માર્ચથી અચોક્કસ મુદ્દત સુધી CNG નહીં વેચે તેવી જાહેરાત કરી છે. ડિલરો દ્વારા માર્જિન ન વધારતા નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં સીએનજી પંપ બંધ રાખવામાં આવશે. ત્યારે અચોક્કસ મુદ્દત સુધીની આ હડતાળથી મોટા પ્રમાણમાં વાહનચાલકોને અસર થશે. ખાસ કરીને, સીએનજી રીક્ષાચાલકોથી માંડીને તમામ વાહનચાલકો સહિત જાહેર જનતાને પણ અગવડતાનો સામનો કરવો પડશે.
કેમ અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી?
CNGના વેચાણ માટેનું ડિલર માર્જિન છેલ્લા 55 મહિનાથી વધ્યું નથી. આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા ગુજરાત રાજ્યના સીએનજી ડિલર્સની મિટિંગમાં અચોક્કસ મુદ્દત સુધી સીએનજીનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
લેખિત બાંહેધરી બાદ શરૂ કરવામાં આવશેઃ જનરલ સેક્રેટરી
આ મામલે FGPDAના જનરલ સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવ્યું હતું કે, ‘અમને જ્યાં સુધી કંપની તરફથી માર્જિન વધારાની લેખિત બાંહેધરી નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ જ રહેશે. ગુજરાતના PSU એસોશિએશન હેઠળ આવતા તમામ સીએનજી પંપ અચોક્કસ સમય સુધી બંધ રહેશે.’
PSU કંપની સિવાયના પંપ ચાલુ રહેશે
ઉલ્લેખનીય છે કે, ઇમર્જન્સી વાહનો જે સીએનજીથી ચાલે છે તે માટે પણ પીએસયુ એસોસિએશન દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. ત્યારે પીએસયુ કંપની એસોસિએશન સિવાયના તમામ સીએનજી પંપ ચાલુ રાખવામાં આવશે.
સુરતમાં એક દિવસની હડતાળ કરી હતી
સુરતમાં આ પહેલાં એકવાર આ મામલે એક દિવસની હડતાળ કરવામાં આવી હતી. એક આખો દિવસ સુરતના સીએનજી પંપ સંચાલકોએ સીએનજીનું વેચાણ બંધ રાખ્યું હતું. જો કે, ત્યારબાદ પણ કોઈ પરિણામ ન આવતા હવે સમગ્ર ગુજરાતમાં આ મામલે હડતાળ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, આ નિર્ણયથી મોટી સંખ્યામાં લોકોને અવ્યવસ્થાનો સામનો કરવો પડશે.