અમદાવાદ : પતિ પત્ની (Husband Wife Dispute) વચ્ચેના વિવાદમાં પત્નીનો પક્ષ લઇને એક યુવાન બનાવટી પોલીસ (Fake Police Officer) બની પતિના ઘરે પહોંચ્યો અને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને મકાન ખાલી કરી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ શખ્સે ફરિયાદીને ધમકી આપી અને કહ્યું હતું કે ખોટા કેસમાં ફસાવી જાનથી મારી નાખીશ, લાશ પણ નહીં મળે' જોકે, ફરિયાદીએ આ નકલી પોલીસ સામે ફરિયાદ કરતા અસલી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવની વિગતો એવી છે કે અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા હિતેશ પટેલ અને પરિવાર સામે તેમની પત્નીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે. અને તેઓ હાલ જે મકાન માં રહે છે તે ગેરકાયદેસર રીતે રહે છે તેવી કોર્ટમાં ફરિયાદ કરી હતી. જોકે, કોર્ટે આ ઈન્કવાયરી રદ્દ કરી છે. 15મી ફેબ્રુઆરીના દિવસે ફરિયાદી તેમના ઘરે હતા ત્યારે એક ભાઈ તેમના રહેણાક મકાનની વીડિયોગ્રાફી કરી રહ્યો હતો.
જોકે, ફરિયાદીએ આ બાબતે તેને પૂછતા પોતે પોલીસ હોવાની ઓળખ આપી, નિકોલ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું હતું અને એમ પણ કહ્યું હતું કે 'તમારી પત્ની એ ફરિયાદ આપેલ છે તમને આ મકાન માં રહેવાનો અધિકાર કોણે આપ્યો તેની ઇન્કવાયરી કરવાની છે.' જોકે, આ ઈસમ સિવિલ ડ્રેસ માં હોવાથી ફરિયાદીએ તેની પાસે આઇ-કાર્ડ માંગ્યું હતું. પરંતુ તેણે આઇ-કાર્ડ કે અરજી ના કોઈ કાગળો બતાવ્યા ના હતા. ફરિયાદી એ તેઓ કોર્ટનો હુકમ પણ બતાવ્યો હતો. છતાં તે મોટે મોટેથી ગંદી ગાળો બોલી ધમકી આપવા લાગ્યો હતો કે 'મકાન માંથી નીકળી જજો, ખોટા કેસ માં ફસાવી દઈશ, જાન થી મારી નાંખીશ, લાશ પણ નહિ મળે.'
જેથી ફરિયાદી એ પોલીસને બોલાવવા માટે ફોન કાઢતા જ આરોપી નીચે ભાગ્યો હતો. જોંકે સિક્યુરિટી ગાર્ડને જાણ કરતા તેને અટકાવ્યો હતો. જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પોતે રજીસ્ટરમાં ઉમેશ પટેલ અને મકાન દેખવા માટેની અરજી કરી હતી. બાદ માં તે ફરિયાદી ન પત્ની કે જે થોડે દૂર ઍક્ટિવા લઇને ઊભી હતી તેની પાછળ બેસીને જતો રહ્યો હતો.
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ શખ્સ ઉમેશ કથીરીયા છે. જે એક્સિસ બેંકમાં નોકરી કરે છે. જોકે, ચોથી માર્ચે ફરી ફ્લેટ પાસે આવી ફરિયાદીની માતા સાથે માથાકૂટ કરતા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. હાલમાં પોલીસ એ આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.