Home /News /ahmedabad /અમદાવાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, શહેરકોટડા પોલીસમાં નોંધાઈ વધુ એક ફરિયાદ
અમદાવાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, શહેરકોટડા પોલીસમાં નોંધાઈ વધુ એક ફરિયાદ
અમદાવાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી
Ahmedabad news: રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવતા પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં રહેતા પઠાણી ઉઘરાણીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરકોટડા પોલીસે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવતા પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં પણ હજી કેટલાક વ્યાજખોરો છે કે સુધરવાનું નામ નથી લઇ રહ્યા. વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત પણ આવ્યો છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો શહેરના બાપુનગર વિસ્તામાં સામે આવ્યો છે. માત્ર 5 હજાર વ્યાજે લીધા હતાં જેની સામે 35 હજાર ચુકવ્યા હોવા છતાં વ્યાજખોરો દ્વારા વધુ રૂપિયાની માંગણી કરીને ધાક ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે.
અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત
અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં રહેતા અને છુટક વેપારનો ધંધો કરતાં હરનીશકુમાર સંઘવીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, આજથી છ મહીના પહેલા તેઓને પૈસાની જરૂરીયાત હોવાથી તેમણે વસ્ત્રાલ વિસ્તારમાં રેહતા અમિતસિંહ ઉર્ફે બાબા ઠાકુર ચૌહાણ પાસેથી 5 હજાર વ્યાજે લીધા હતાં. જે દરરોજના 500 લેખે 35 હજાર ચુકવી દીધા હતાં. છતાં અમીતસિંહ ચૌહાણ અવાર નવાર ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરીને હેરાન પરેશાન કરતો હતો.
ફરિયાદીનો આરોપ છે કે, ગત 2જી ઓક્ટોમ્બરના દિવસે રાત્રિના સાડા નવ વાગ્યાની આસપાસ આરોપી તેના ઘરે આવ્યો હતો અને કહ્યું હતુ કે, મે તને જે 5 હજાર આપ્યા છે તે પૈસાનું હજુ વ્યાજ બાકી છે, જો તે પૈસા તથા તેનું વ્યાજ નહીં આપે તો તારા ટાંટીયા ભાંગી નાંખીશ. તને અહીંથી ઉઠાવી જઈશ. તેવી ધમકી આપવા લાગ્યો હતો. જો કે, આરોપી માથાભારે હોવાથી ફરિયાદી ગભરાઇ ગયા હતાં. અને દશેરા પછી પૈસા આપી દેવાનું કહેતા આરોપી ત્યાંથી જતો રહ્યાં હતો. પરંતુ આ સમગ્ર મામલાની જાણ પોલીસને કરતાં પોલીસ એ આરોપી વિરુધ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
વ્યાજખોરોનો ત્રાસ દિવસે દિવસે વધવા લાગ્યો છે, લોકો અવાર નવાર વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાત કરી રહ્યા છે, પોલીસ પણ આ મામલે તપાસ કરી કાર્યવાહી કરી રહી છે. પરંતુ વ્યાજખોરોમાં જાણે કાયદાની જરા પણ બિક રહી નથી અને ખૂલ્લેઆમ વ્યાજે પૈસા આપી મનફાવે તેમ ઉઘરાણી કરી રહ્યા છે. આ મામલે પણ પોલીસે હાલ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.