અમદાવાદ: શોર્ટકટથી રૂપિયા કમાવવાની લાલચમાં લોકો હદ પાર કરી જતા હોય છે. જેના અનેક કિસ્સા સામાજમાં બની રહ્યા છે. અસલાલી પોલીસના સંકજામાં એક એવો ગઠીયો આવી ગયો છે. જેણે ખેડુતોની જમીનમાં બોગસ બાનાખત તૈયાર કરીને તોડબાજીનો ધંધો શરુ કર્યો હતો. ખેડુતોની જમીનનો બોગસ બાનાખત તૈયાર કરે અને બાદમાં કોર્ટ દીવાની દાવા કરીને ખેડુત અને જમીન ખરીદનાર પાસે લાખો કરોડો રૂપિયાનો તોડ કરતી આ ટોળકી પહેલી વખત પોલીસ સામે આવી છે. જેને લઈ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેર, જિલ્લો, ગાંધીનગર અને મહેસાણાની જમીનના ભાવ આસમાને પહોંચતા ગઠિયાઓએ જમીનના સોદાઓમાં લીટીગેશન ઊભા કરી તોડબાજીનો ધંધો શરૂ કર્યો હતો. જેને લઈ એસઆઇટી અને સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદો વધવા લાગી હતી. જેની તપાસ કરતા અસલાલી પોલીસે મૂળ સાણંદના રહેવાસી ઘનશ્યામભાઈ સોલંકીની ધરપકડ કરી છે. જે ખેડૂત માલિકોની જમીનના ટાઈટલ મેળવી, બનાવટી સહીઓ કરી ખોટા વાઉચર બનાવી જમીન પર પોતાનો હક રજૂ કરતા હતા.
જમીન માલિકના નામના વાઉચર બનાવી કોર્ટમાં ખોટા રેકોર્ડના આધારે હક દર્શાવવાના અને તોડ કરવાના ગુનામાં માસ્ટરમાઈન્ડ તરીકે નીરલ ઝવેરી નામના એક આરોપીનું નામ સામે આવ્યું છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. અસલાલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં 15 વીઘા જમીન કે જેની કુલ કિંમત કરોડો રૂપિયાની થાય છે. તેવી જમીન પચાવી લેવા આરોપીઓએ જમીન માલિકને 15 લાખ રૂપિયા આપ્યા હોવાનો બનાવટી વાઉચર બનાવી જમીન પર કબજો કર્યો હતો. પોલીસે ઘનશ્યામની ધરપકડ કરી તપાસ કરતા અલગ-અલગ 17 જમીન માલિકોની 25 જમીનો ઉપર ખોટા લીટીગેશન ઉભા કર્યા હતા. જેની પોલીસ તપાસ કરી રહી છે. જે અંગે વધુ ફરિયાદો પણ દાખલ થશે.
કરોડો રૂપિયાની કિંમતની જમીનો પર કબ્જો કરી તોડ કરનાર ટોળકીના માત્ર એક સાગરિતની ધરપકડ થતા ભુમાફિયાઓમાં ફાફડાટ ફેલાયો છે. ત્યારે આ ગેંગના મુખ્ય આરોપી નીરલ ઝવેરીની ધરપકડ બાદ અન્ય સંખ્યાબંધ ભોગ બનનાર સામે આવશે. જેમની માલિકીની જમીન ટાઈટલ ક્લિયર કરવા આરોપીઓ લાખો કરોડો રૂપિયા પડાવતા હતા.