Home /News /ahmedabad /Exclusive Interview: હિમસ્ખલનમાંથી બચી ગયેલા ગુજરાતીએ કહ્યુ ‘...નહીંતર હું પણ તેમાં હોત’, વાંચો આખી કહાણી
Exclusive Interview: હિમસ્ખલનમાંથી બચી ગયેલા ગુજરાતીએ કહ્યુ ‘...નહીંતર હું પણ તેમાં હોત’, વાંચો આખી કહાણી
ઉત્તરાખંડ હિમસ્ખલન અંગે ગુજરાતી યુવક સાથે એક્સક્લૂઝિવ વાતચીત
Exclusive Interview: થોડાં દિવસ પહેલાં જ ઉત્તરાખંડમાં હિમસ્ખલનની ઘટના બની હતી ત્યારે ચાર ગુજરાતીઓ પણ તેમાં સામેલ હતા. તેમાંથી ત્રણ યુવાનો દ્રૌપદી કા દંડા-2 શિખર સર કરવા ગયા હતા. ત્યારે જ હિમસ્ખલનની ઘટના બની હતી. આવો જાણીએ ગુજરાતી યુવાનના શબ્દોમાં સમગ્ર કહાણી...
અમદાવાદઃ ‘અમારા ટ્રેનિંગ કેમ્પનો આ છેલ્લો જ દિવસ હતો અને છેલ્લે દિવસે જ આ દુર્ઘટના બની.’ આ શબ્દો છે ઉત્તરાખંડ હિમસ્ખલનની ઘટનાના સાક્ષી કલ્પેશ બારૈયાના. નેહરુ પર્વતારોહણ સંસ્થામાંથી એડવાન્સ કોર્સમાં સામેલ કલ્પેશ બારૈયાએ News18 Gujarati સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી અને આ હિમસ્ખલનની ભયાનક ઘટના વિશે જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં થયેલા હિમસ્ખલનમાં અત્યાર સુધીમાં તમામ 29 લોકોના મૃતદેહ મળી આવ્યાં છે.
‘...નહીંતર હું પણ તેમાં હોત’
તેઓ કહે છે કે, ‘અમે ચાર વાગ્યાની આસપાસ દ્રૌપદી કા દંડા પિક સમિટને સર કરવા માટે નીકળ્યા હતા. આખા કેમ્પમાં અમે કુલ 40 જણાં આ સમિટ સર કરવા જઈ રહ્યા હતા. લગભગ 300 મીટર જેવું અંતર બાકી હશે. ત્યારે મને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. ત્યારે મેં અમારા સરને વાત કરી અને તેમણે મને પાછો જવાની મંજૂરી આપી. એટલે હું બચી ગયો. નહીંતર હું પણ તેમાં હોત.’
ઉત્તરાખંડ હિમસ્ખલનની કુદરતી આફતમાં મૃત્યુ પામેલો ભાવનગરનો અર્જુનસિંહ ગોહિલ.
ત્રણ ગુજરાતીઓ માઉન્ટેયરિંગ માટે ગયા હતા
કુલ્પેશ કહે છે કે, ‘હું અડધેથી નીકળ્યો ત્યારે 7 વાગ્યાની આસપાસ કેમ્પમાં પાછો પહોંચ્યો હતો. ત્યાં પહોંચીને મેં અડધો કલાક જેટલો આરામ કર્યો હતો. એટલામાં જ ઉપરથી સમાચાર આવ્યા કે, એવેલાન્ચ (હિમસ્ખલન)ની ઘટના બની છે. તેમાં ગયેલા 39 લોકો ફસાઈ ગયા છે. અમે ગુજરાતમાંથી ટોટલ ચાર જણાં ગયા હતા. તેમાંથી મારા સહિત ત્રણ જણાં માઉન્ટેયરિંગ કરવા ગયા હતા. મને પેટમાં દુખતા હું પાછો ફર્યો ત્યારે અન્ય બે ગુજરાતીઓ ગયા હતા. તેમાંથી એક બચી ગયો છે અને એક યુવાનનું મોત નીપજ્યું છે.’
જે જગ્યાએ ઉત્તરાખંડમાં હિમસ્ખલન થયું તે જગ્યાની તસવીર
અમારો ટ્રેનિંગનો છેલ્લો દિવસ હતો
અમારા 28 દિવસના કેમ્પનો આ છેલ્લો દિવસ હતો. ટ્રેનિંગ લગભગ પૂરી થઈ ગઈ હતી તેમ જ કહેવાય. અંતિમ અમારે દ્રૌપદી કા દંડા શિખર સર કરવા માટે જવાનું હતું. અમારા ફિલ્ડ વર્કનો આ અંતિમ પડાવ હતો. આ સર થાય એટલે કેમ્પ પૂરો થાત પણ અંતિમ દિવસે જ આ ઘટના બની. તેમાંથી અત્યાર સુધીમાં તમામ 29 લોકોની ડેડબોડી મળી છે. તેમાં એક ગુજરાતના ભાવનગરનો વતની પણ સામેલ છે. મૃતદેહમાંથી 11 જેટલા મૃતદેહ હાલ ઉત્તરકાશી લાવવામાં આવ્યા છે. બાકીના હજુ ઉપર જ છે. વાતાવરણ ખરાબ હોવાથી તે મૃતદેહો લાવી શકાયા નથી. તે તમામ ત્યાંના લોકલ રહેવાસી લોકોનાં છે.’
નેહરુ પર્વતારોહણ સંસ્થામાં હાલ માઉન્ટેયરિંગનો એડવાન્સ કોર્ષ નંબર 172 ચાલુ છે. તે અંગતર્ગત આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. ટોટલ 28 દિવસનો કેમ્પ હોય છે. માઉન્ટેયરિંગના બેઝિક કેમ્પથી શરૂઆત થાય છે. તેમાં અમે જેમાં ગયા હતા તે એડવાન્સ કેમ્પ હતો. અમારી બેઝિક ટ્રેનિંગ પૂરી થઈ ગઈ હતી.
સાત દિવસ અગાઉ ગયા મંગળવારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ખૂબ જ હૃદયદ્રાવક ઘટના બની હતી. તેમાં નેહરુ પર્વતારોહણ સંસ્થા (NIM)માં ભણવા ગયેલા પર્વતારોહકો અને તેમના ઇન્સ્ટ્રક્ટર ઉત્તરકાશીમાં આવેલા દ્રૌપદી કા દંડા -2 નામના શિખરનું આરોહણ કરવા ગયા હતા. ત્યારે હિમપ્રપાત થયો હતો, જેમાં 29 લોકો ગુમ થયા હતા.
એવેલેન્ચ એટલે શું?
એવેલેન્ચ (Avalanche) એટલે ‘હિમપ્રપાત’. ઢોળાવવાળી જગ્યા પર અચાનક મોટા પ્રમાણમાં બરફ વહે તેને ‘હિમપ્રપાત’ અથવા ‘હિમસ્ખલન’ કહેવામાં આવે છે. શરૂઆતમાં થોડો બરફ નીચે તરફ જાય છે પણ જેમ જેમ નીચે જાય છે તેમ તેમ ઝડપ વધી જાય છે અને બરફનો જથ્થો પણ વધે છે. હિમસ્ખલન થવાના ઘણાં કારણો છે. ઢોળાવવાળી જગ્યાએ બરફનું પ્રમાણ એટલું વધી જાય છે કે, તે ધસી પડવાની તૈયારીમાં હોય છે. તેવામાં તેના પર જો વધુ બરફ પડે તો તે નીચેની તરફ ધસી જાય છે. ક્યારેક સ્કી કરતા લોકો અને જાનવરોને કારણે પણ હિમપ્રપાત થતો હોય છે. બોમ્બ વિસ્ફોટ અને ભૂકંપને લીધે પણ હિમપ્રપાત થાય છે.