Ahmedabad: ગંગોત્રી ટ્રસ્ટનાં ઉપક્રમે ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાનનું આગામી 10 ડિસેમ્બર 2022નાં રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રસિધ્ધ નારીવાદી લેખક અને સામાજિક ઈતિહાસકાર વી. ગીતા દ્વારા ‘દ્રવિડ અને જુદાં? સ્ત્રી લેખકોનું શું કહેવું છે’ વિશે વ્યાખ્યાન આપવાના છે.
અમદાવાદ: ગંગોત્રી ટ્રસ્ટનાં ઉપક્રમે ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાનનું આગામી 10 ડિસેમ્બર 2022નાં રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રસિધ્ધ નારીવાદી લેખક અને સામાજિક ઈતિહાસકાર વી. ગીતા દ્વારા ‘દ્રવિડ અને જુદાં? સ્ત્રી લેખકોનું શું કહેવું છે’ વિશે વ્યાખ્યાન આપવાના છે. આ કાર્યક્રમ અંગે જાણવતાં ગંગોત્રી ટ્રસ્ટનાં ટ્રસ્ટી સુશ્રી સ્વાતિ જોશીએ જણાવ્યું હતું કે, ‘ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાં ચેન્નાઈ સ્થિત પ્રસિધ્ધ નારીવાદી લેખક અને સામાજિક ઈતિહાસકાર વી. ગીતા દ્વારા ‘દ્રવિડ અને જુદાં ? સ્ત્રી લેખકોનું શું કહેવું છે’ વિષય પર વકતવ્ય આપવામાં આવશે. ’
વી. ગીતા લેખક, અનુવાદક અને તારા બુક્સના પ્રકાશક છે
વી. ગીતાએ તમિળમાં તેમજ અંગ્રેજીમાં સ્ત્રીઓ, શ્રમ, જાતિવાદ, નાગરિક અધિકાર અને શિક્ષણ પર લખ્યું છે. તેઓ લેખક, અનુવાદક અને તારા બુક્સના પ્રકાશક છે. તેમના પ્રકાશિત લખાણોમાં ભીમરાવ રામજી આંબેડકર એન્ડ ધ ક્વેશ્યન ઓફ સોશિયાલિઝમ ઈન ઈન્ડિયા, અનડુઈન્ગ ઈમ્પ્યુનિટી: સ્પીચ આફટર સેકસ્યુઅલ વાયોલન્સ અને એસ. વી. રાજદુરાઈ સાથે ટુવર્ડસ એ નોન બ્રાહ્મિન મિલેનીયમ: ફ્રોમ આયોથી થાસ ટુ પેરિયારનો સમાવેશ થાય છે.
વી.ગીતા વિશે અને આ વ્યાખ્યાન વિશે જણાવતાં ગંગોત્રી ટ્રસ્ટનાં ટ્રસ્ટી સ્વાતિ જોશીએ ન્યુઝ18 સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘સ્ત્રી લેખક અને સ્ત્રી એક્ટિવિસ્ટ કર્મશીલ બંને ભેગા થતાં હોય છે ત્યારે એ વાત જુદી રીતે કહેવાતી હોય છે. કારણ કે તે કેવળ એકેડમિક શૈક્ષણિક ચર્ચા નથી હોતી પરંતુ એ વિચારો હોય છે જેને કેવી રીતે જીવનમાં ઉતારવાના અને કેવી રીતે એને અનુસરવાના અને એમાંથી સમાજને કેવી રીતે બદલાવાનો એ બધું જ એ વિચારોમાં હોય છે. આ વ્યાખ્યાન કેવળ વૈચારિક વ્યાખ્યાન નથી પરંતુ એકશન એટલે કે કાર્ય સાથે સંકળાયેલાં છે. એટલે કેવી રીતે વિચારીએ તો સમાજમાં બદલાવ લાવી શકીએ એ આશય આ વ્યાખ્યાયનને યોજવાનો છે.
આ સાથે વધુમાં તેમણે જણાવ્યું કે, વી.ગીતાએ ઘણું કામ કર્યું છે. તમિલનાડુમાં જાતિવાદ અને સ્ત્રીઓ વિશે તેમણે ઘણું કર્યું છે. તેઓ દ્રવિડિયન મુવમેન્ટને નજીકથી જાણે છે. એમની પાસેથી ખરેખર ઘણું જાણવા મળશે. 20મી સદીમાં જાતિવાદ વિરોધી એક આંદોલન હતું. તેમાં જાતિવાદ મુક્ત સમાજ અને ભારત કેવી રીતે થઈ શકે. ભારતને એમાં કેટલાં અંશે સફળતા મળી છે. બહારનાં લોકો સાઉથ ઈન્ડિયા કે દ્રવિડિયન સંસ્કૃત્તિ કે રાજકીય વિચારધારાને અલગ રીતે જુએ છે. આપણને થાય કે બધું દ્રવિડિયન અલગ છે પરંતુ કેવી રીતે અલગ છે. અને કયાં પ્રશ્નો સમાન છે. તે વિશે વી.ગીતા બરોબર જાણે છે. સમાજમાંથી અસમાનતા દુર કરવી, સ્ત્રીઓ અને દલિતો આદિ મુળ નિવાસી એટલે કે આદિ દ્રવિડોને સમાન અધિકારો મળે એવાં સમાજની રચના કેવી રીતે કરવી. તે બધાં જ સવાલ આજે જરુરી છે. એને સમજવા માટે આવા વિદ્વાનો અને એક્ટિવિસ્ટ આવે એ મહત્વનુ છે.
ઉમાશંકર જોશી ભાઈ હંમેશાં એવું કહેતા ગુજરાતીમાં હું લખતો ભારતીય લેખક છું. જાતિવાદ ક્યારે જાય, જ્યારે સ્ત્રીઓને સમાનતા મળતી હોય છે. જાતિવાદ અને સ્ત્રીઓની વાત સમાન છે. સ્ત્રીઓ પર હિંસા-જુલમ થાય છે એ આખા દેશનો પ્રશ્ન છે. દેશમાં અડધી સંખ્યા સ્ત્રીઓની છે ત્યારે આ વ્યાખ્યાન દરેક સ્ત્રીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહેશે. ઉમાશંકર જોશી વ્યાખ્યાયન અંતર્ગત વી.ગીતાનું વ્યાખ્યાન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનાં એચ.ટી પારેખ કન્વેન્શન હોલમાં સાંજે 6-00 કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં બધા વિના મુલ્યે આવી શકે છે.