અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ઉથલ પાથલ બાદ હવે સ્થિતિ સામાન્ય બની ગઈ છે. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)શપથ લઈ લીધા અને ત્યારબાદ રાજ્યના નવા બનેલા મંત્રીઓએ પણ શપથ લઈ લીધા અને સૌ મંત્રીઓ કામે પણ લાગી ગયા છે. પણ રાજ્યમાં સૌથી મોટો પડકાર હોય તો તે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)સામે છે. આ પડકાર ખાનગી શાળાઓમાં (Private schools)અભ્યાસ કરતા બાળકોની 25 ટકા ફી માફીનો (School fees)છે. અને હવે એ સવાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કે શું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી 25 ટકા ફી માફી કરાવી શકશે.
રાજ્યમાં કોરોના કાળમાં સૌથી વધુ અસર જો કોઈ ક્ષેત્રમાં થઈ છે તો તે શિક્ષણ છે. છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી વિધાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે. ઓનલાઇન શિક્ષણ કોઈ અસરકારક વિકલ્પ બન્યો નથી. એ જ કારણ છે કે વર્ષ 2020માં શાળાઓમાં ફી માફીનો મુદ્દો જોરશોરથી ચગ્યો હતો. એટલે સુધી કે વાલીઓ શાળાના સંચાલકો સામે વિરોધ પર ઉતરી આવ્યા હતા અને વાલીઓના વિરોધ બાદ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે ખાનગી શાળાઓને 25 ટકા ફી માફી આપવા માટેના આદેશ કર્યા હતા. જોકે આ વખતે પણ વર્ષ બદલાતા કોરોનાની બીજી લહેર આવી અને શાળાઓમાં શિક્ષણ બંધ રહ્યું હતું અને ફરી શાળાઓમાં ફી માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો.
એક ઇન્ટરવ્યુમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બીજો આદેશ ના થાય ત્યાં સુધી 25 ટકા ફી માફી આપવી પડશે તેવું જણાવ્યું હતું. જેના પગલે વાલીઓમાં ફરી એકવાર ફી માફી મળશે તેવી આશા જન્મી છે. જોકે ત્યારબાદ જ્યારે પણ ભુપેન્દ્રસિંહ ચુડાસમા જાહેર કાર્યક્રમોમાં આવ્યા ત્યારે 25 ટકા ફી માફીનો નિર્ણય યોગ્ય સમયે લેવાશે તેવું જણાવી હજુ સુધી 25 ટકા ફી માફીનો મુદ્દો જીવંત રાખ્યો હતો. જોકે અદ્ધવચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામુ આપતા આખું મંત્રી મંડળ વિખેરાયું અને હવે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે નવા મંત્રી મંડળની રચના થઈ ચૂકી છે. જેમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી શિક્ષણ મંત્રી બન્યા હતા. ત્યારે હવે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સામે વાલીઓને ફી માફી અપાવવાનો મોટો પડકાર છે.
કારણ કે હાલમાં કોરોનાના કેસ ઘટતા ધોરણ 6થી ધોરણ 12ના ઓફલાઇન વર્ગો તબક્કાવાર શરૂ થઈ ગયા છે. જોકે ધોરણ 1થી 5ના વર્ગો હજુ શરૂ થયા નથી. ત્યારે શું શિક્ષણ મંત્રી શાળાની ફીમાં 25 ટકા માફી અપાવી શકશે કે કેમ તે સૌથી મોટો ચર્ચાનો મુદ્દો છે. મહત્વનું છે કે આગામી વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે જીતુ વાઘાણી પાસે વાલીઓને અપેક્ષા વધુ છે. તેવામાં વાલીઓની આ માંગને નવા શિક્ષણ મંત્રી સંતોષી શકશે કે કેમ તે જોવું રહ્યું.