Home /News /ahmedabad /ઇકોનોમિક સ્ક્વોડ ક્રાઈમમાંથી આવ્યા હોવાનું કહી ઠગો ગાડી સહિત પૈસા લઈ ફરાર, અમદાવાદમાં બની ઘટના
ઇકોનોમિક સ્ક્વોડ ક્રાઈમમાંથી આવ્યા હોવાનું કહી ઠગો ગાડી સહિત પૈસા લઈ ફરાર, અમદાવાદમાં બની ઘટના
અમદાવાદમાં બની ઘટના
Robbery Case: અમદાવાદમાં એક આધેડ વ્યક્તિ સવારે રોડ પર ગાડી પાર્ક કરીને બેઠા હતા ત્યારે ચારેક લોકો આવ્યા અને ઇકોનોમિક સ્ક્વોડ ક્રાઇમમાંથી આવ્યા હોવાનું કહી ગાડી તપાસવાના નામે ગાડી અને અન્ય વસ્તુઓ મળી કુલ 16 લાખના મતા ચોરી ફરાર થઈ ગયા હતા.
અમદાવાદ: અમદાવાદમાં એક આધેડ વ્યક્તિ સવારે રોડ પર ગાડી પાર્ક કરીને બેઠા હતા ત્યારે ચારેક લોકો આવ્યા અને ઇકોનોમિક સ્ક્વોડ ક્રાઇમમાંથી આવ્યા હોવાનું કહી ગાડી તપાસવાના નામે ગાડી અને અન્ય વસ્તુઓ મળી કુલ 16 લાખના મતા ચોરી ફરાર થઈ ગયા હતા. જેથી આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આ ઘટનાને લઈને આસપાસની દુકાનો સહિતની જગ્યાઓ પરના સીસીટીવી ફૂટેજ તપાસી નકલી પોલીસ બનીને આવી ચોરી કરતા લોકોની શોધખોળ શરૂ કરી છે.
અજાણ્યા ચાર લોકો ગાડીને પૈસા લઈને ફરાર થઈ ગયા
વાડજ ખાતે રહેતા વિરેન્દ્ર સિંગ તેમના પરિવાર સાથે રહે છે અને કોમ્યુનિકેશન કંપની ધરાવી વ્યાપાર કરે છે. ગઈકાલે સવારે તેઓ તેમની ઇનોવા ગાડી લઈને ઘરેથી નીકળ્યા હતા બાદમાં તેમના એડવોકેટને ફી આપવા માટે સેટેલાઈટ સેન્ટર વસ્ત્રાપુર ગયા હતા. એડવોકેટને ફીના રૂપિયા તેમની ઓફિસમાં આપવા જવાનું હોવાથી તેઓએ વસ્ત્રાપુર સ્વામિનારાયણ મંદિરના પાછળના ગેટ પાસે ગાડી પાર્ક કરી હતી. બાદમાં તેઓ ગાડીમાં બેસી એડવોકેટને ફોન કરતા હતા તે દરમિયાન અજાણ્યા ચાર લોકો ગાડીની ફરતે ઉભા હતા.
આ દરમિયાન ચાર લોકોમાંથી એક શખ્સે ગાડીનો કાચ ખખડાવતા વિરેન્દ્ર ભાઈએ તેમની સાથે વાત કરતા તે શખ્સે ઇકોનોમિક સ્ક્વોડ ક્રાઈમમાંથી આવેલ છું તેમ કહી ગાડી ચેક કરવાનું કહ્યું હતું. આ શખ્સનું નામ પૂછતાં તેણે તેનું નામ ભરત દેસાઈ હોવાનું જણાવ્યું હતું. વિરેન્દ્ર ભાઈએ આ શખ્સ પાસે આઈકાર્ડ માગતા તેણે તેમને સાઈડમાં આવવાનું કહેતા તેઓ સાઈડમાં તેમની પાસે ગયા હતા. ત્યારે અન્ય ત્રણ શખ્સોમાંથી બે શખશો ગાડીમાં બેસી ગાડી ચોરી કરી નાસી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, તે બાદ અન્ય એક શખ્સ પણ બાઇક લઈને આવી ભરત દેસાઈને બાઈક ઉપર બેસાડી ફરાર થઈ ગયો હતો. આરોપીઓ ગાડી ફોન સહિત 16.85 લાખની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરમાં આવી રીતે ખોટી ઓળખાણ આપીને નકલી પોલીસ બનીને લોકોને લૂંટતી ટોળકીને પકડી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.