Ahmedabad Metro Parking Problem: અમદાવાદમાં મેટ્રો દોડતી થયા બાદ પાર્કિંગની સમસ્યા સર્જાતા તંત્રમાં દોડધામ મચી છે, 17 જગ્યાઓ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ ધરાઈ છે. મેટ્રોમાં બેસવા આવતા લોકોનો ધસારો થયા બાદ પાર્કિંગની સમસ્યા ધ્યાને આવતા તંત્ર દોડતું થયું છે.
અમદાવાદ: અમદાલાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું ખુબ જ ઉતાવળમાં ઉદ્ઘાટન તો કરી દેવામાં આવ્યું છે. પરંતુ આખરે મેટ્રો ટ્રેન દોડતી થઈ અને તેમાં બેસવા માટે લોકો અધિરા થઈને જઈ પણ રહ્યા છે. લોકો અત્યારે રજાના દિવસોમાં મેટ્રોમાં બેસવા માટે જવા લાગ્યા છે. પરંતુ મેટ્રોમાં બેસવા આવતા લોકોનો ધસારો થયા બાદ પાર્કિંગની સમસ્યા ધ્યાને આવતા તંત્ર દોડતું થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મેટ્રો રુટ સ્ટેશનના 17 સ્ટેશનો નીચે પાર્કિંગની વ્યવસ્થા કરવા તાત્કાલિક અસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.
મેટ્રો સ્ટેશન પર સર્જાઈ પાર્કિંગની સમસ્યા
આમ, તો શહેરના મેટ્રો રેલ પ્રોજેકટનો વધુ એક ફેઝનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. મેટ્રો શરુ થતાં જ અભુતપુર્વ પ્રતિસાદ મેટ્રોની સવારીમાં જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો મેટ્રોમાં બેસવા માટે ધસારો લગાવ્યો છે. પરંતુ તંત્રની આયોજનની અણઆવડત મેટ્રો શરુ થયા બાદ સામે આવી છે. મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગની સમસ્યા સામે આવતા તંત્ર પણ દોડતું થયું છે. મેટ્રોની સવારી કરવા મોટી સંખ્યામાં મેટ્રો સ્ટેશનો સુધી તો પહોચી રહ્યાં છે પરંતુ જે લોકો પોતાના ઘરેથી વાહનો લઈને મેટ્રો સ્ટેશન પર પહોંચે તેઓએ વાહન ક્યાં પાર્ક કરવા તે સૌથી મોટી સમસ્યા હાલ ઉભી થઈ છે.
આ સમસ્યા પગલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પાર્કિંગની સમસ્યાને ઉકેલવા દોડતુ થયું છે. અમદાવાદમાં અગાઉ વસ્ત્રાલથી ખોખરા સુધીનો ફેઝ તૈયાર કરી શરુ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે વાસણા એપીએમસીથી મોટેરા સુધીના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને પણ શરુ કરવામાં આવ્યો છે. અને જે રીતે લોકો મેટ્રોની સવારી કરવા માટે પોડા પડી કરી રહ્યાં છે તેને જોતા હવે મેટ્રો સ્ટેશનો પર વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરવી તાતી જરુરીયાત બની છે.
કુલ 17 જગ્યાઓ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ
આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું છે કે, 'શહેરમાં મેટ્રોનું પરિવહન જે રીતે વધી રહ્યું છે. તેના માટે મેટ્રો સ્ટેશનની નજીકમાં જે પાર્કિગની જગ્યાઓ નિશ્ચિત કરી છે તે જગ્યાઓ માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે. કુલ 17 જગ્યાઓ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.' બીજીતરફ કોર્પોરેશનના વિપક્ષના નેતા શેહજાદખાન પઠાણે આરોપ લગાવ્યો છે કે, 'મેટ્રોના બીજા ફેઝનું ઉદઘાટન થયું છે, મોટા મોટા અધિકારીઓ હજારો કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરે છે. પણ કોઈના ધ્યાને પાર્કિંગની વ્યવસ્થા કરવાનું ધ્યાને નથી પણ શરમજનક વાત છે.
ન્યુઝ 18 ગુજરાતીએ આ મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યુ હતુ
મહત્વનું છે કે, મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ઉદઘાટન થાય તે પહેલા ન્યુઝ 18 ગુજરાતીએ પણ ટ્રેન શરુ થાય બાદ પાર્કિંગની સમસ્યા સર્જાશે તેવો અહેવાલ પ્રસારીત કરી મુદ્દો તંત્રના ધ્યાને લાવવાનો પ્રયાસ કર્યો હતો. છતાં તંત્રએ આ મામલે આંખ આડા કાન કરતા આખરે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરુ થતાં પાર્કિંગની સમસ્યા સર્જાઈ અને હવે પાર્કિંગની વ્યવસ્થા કરવા તંત્રમાં દોડધામ મચી છે.