અમદાવાદ : પેટ્રોલ ડીઝલ (petrol diesel price hike) અને સીએનજીના (CNG price hike) ભાવ વધી રહ્યા છે.ત્યારે સીએનજીના ભાવ વધતા રીક્ષા ચાલકોએ લેખિતમાં રજુઆત કરી ભાવ વધારો પાછો ખેંચવા માટે વિરોધ કર્યો છે. તેમ છતાં પણ ભાવ વધારો થતો રહ્યો.જેને લઈને રીક્ષા ચાલકો હડતાળનો માર્ગ અપનાવ્યો છે અને 15 એપ્રિલના અમદાવાદમાં રીક્ષા બંધ રાખવા માટે અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનને કોલ આપ્યો છે. અમદાવાદમાં 2 લાખ રીક્ષા છે અને સ્વંયભુ હડતાળમાં (rickshaw strike) જોડાવવા અપીલ કરી છે.
અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, રીક્ષા ચાલકોની માંગ છે કે, સીએનજીમાં થયેલો તોતીંગ ભાવ વધારો પાછો ખેંચો, સીએનજીને જીએસટીમાં લાવો, રીક્ષાચાલકોને સીએનજીમાં સરકાર સબસીડી આપો, ૨ીક્ષા ભાડામાં સત્વરે ભાડું વધારો આપો, રીક્ષા ચાલકો ઉપર પોલીસ દમન બંધ કરો.
સહિતના મુદાને લઈ અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા રજુઆત કરવામાં આવી હતી. પરંતુ રીક્ષા ચાલકોની માંગણીને નજર અંદાજ કરતા રીક્ષા ચાલકો રોષે ભરાયા છે. અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા 15 એપ્રિલના હડતાળનો કોલ આપ્યો છે અને રીક્ષા ચાલકોને સ્વયંભૂ હડતાળમાં જોડાવવા અપીલ કરી છે.
15 એપ્રિલના રીક્ષા ચાલકની હડતાળના કોલમાં અત્યાર સુધીમાં 11 રીક્ષા એસોસિએશન દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિ, અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન, ગુજરાત ઓટો રીક્ષા ડ્રાઇવર્સ એકશન કમિટી, ઓટો રીક્ષા વેલફેર એસોસિએશન અમદાવાદ, અમદાવાદ ઓટો રીક્ષા ચાલક સંધર્ષ સમિતિ, અતુલ શકિત રીક્ષા ચાલક યુનિયન, ગુજરાત રાજ્ય ઓટો રીક્ષા ચાલક સંધ અમદાવાદ, અમદાવાદ એ૨પોર્ટ રીક્ષાચાલક યુનિયન, અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન ( ખોખરા ),ઓટો રીક્ષા ડ્રાઇવર સુરક્ષા સમિતિ, મણીનગર રીક્ષા ડ્રાઇવર એસોસિએશન ( એકશન કમિટી ) અને અમદાવાદ ઓટો રીક્ષા ડ્રાઇવર સિટી યુનિયન દ્વારા સમર્થન જાહેર કર્યું છે.