Home /News /ahmedabad /દારૂ પીને આવેલા પુત્રએ માતા પાસે પૈસા માંગ્યા, પૈસા ના આપતા કળયુગી પુત્રનું કારસ્તાન
દારૂ પીને આવેલા પુત્રએ માતા પાસે પૈસા માંગ્યા, પૈસા ના આપતા કળયુગી પુત્રનું કારસ્તાન
દારૂના નશામાં ધૂત પુત્ર
Ahmedabad Latest News: મા માટે અનેક કહેવતો છે, પરંતુ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક એવો બનાવ સામે આવ્યો છે કે જેણે આ કહેવતોને લાંછન લગાવ્યું છે. એક પુત્રએ વ્યસનની ટેવ ના કારણે માતાને જ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
અમદાવાદ: મા માટે અનેક કહેવતો છે, ‘મા તે મા બીજા બધા વગડાના વા’ અને ‘ગોળ વિના સુનો કંસાર મા વિના સૂનો સંસાર’ પરંતુ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક એવો બનાવ સામે આવ્યો છે કે જેણે આ કહેવતોને લાંછન લગાવ્યું છે. એક પુત્રએ વ્યસનની ટેવ ના કારણે માતાને જ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે.
માતાએ કરી પુત્ર સામે ફરિયાદ
શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા એક મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમનો દીકરો દારૂ પીને રખડે છે. કોઈ કામ ધંધો કરતો નથી. તેમજ તેઓને હેરાન પરેશાન કરે છે. જેથી તેમણે ચારેક વર્ષ પહેલા ન્યૂઝ પેપરમાં જાહેરાત આપીને તેમનો પુત્ર તેમના કહ્યામાં નથી તેથી તેની સાથે કોઈએ આર્થિક વ્યવહાર ન કરવો તે અંગે પ્રસિધ્ધિ કરી હતી. તેમનો પુત્ર અવારનવાર દારૂના નશા કરીને ઘરે આવીને તેઓને હેરાન પરેશાન કરે છે અને કોઈ પણ ચીજ વસ્તુ લઈને જતો રહે છે.
છેલ્લા એક વર્ષથી ઘરમાંથી થોડા થોડા રૂપિયા તેમજ ઘરમાં રહેલા તાંબા પીતળના આશરે દસેક હજારના વાસણો ચોરી કરીને લઈ ગયેલ છે. અવાર નવાર પૈસાની માંગણી કરતો હતો અને જો પૈસા ન આપે તો ફરિયાદી અને તેમના પતિને ગંદી ગાળો બોલીને ગડદા પાટુ માર પણ મારવા લાગતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. જેથી છેલ્લા ચાર વર્ષથી તેને ઘરમાં પણ આવવા દેતા ન હતા જોકે તેઓની જાણ બહાર આજુબાજુના મકાનની દિવાલ કૂદીને ઘરમાં આવી જતો અને કોઈપણ વસ્તુ મળે તેની ચોરી કરી ને જતો રહેતો હતો એટલું જ નહીં પાણીના ટાંકાને ઢાંકવાનો લોખંડનું ઢાંકણું પણ તેણે ચોરી કર્યું હતું.
પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી
27મી માર્ચના સાંજે 5:00 વાગ્યાની આસપાસ ફરિયાદી અને તેમના પતિ ઘરે હાજર હતા તે દરમિયાન તેમનો પુત્ર દારૂ પીને ઘરે આવ્યો હતો અને પૈસાની માંગણી કરવા લાગ્યો હતો. જો કે પૈસા આપવાની ના પાડતા તે ફરિયાદીને માર મારવા લાગ્યો હતો અને ફરિયાદીએ કાનમાં પહેરેલ સોનાની કડી બળજબરીથી કાઢવા લાગેલ. જો કે મહિલાએ બુમાબૂમ કરતા તેને બે ત્રણ લાફા મારી દીધા હતા. તેને દારૂ પીવાની ટેવ હોવાથી તે કોઈનાથી ડરતો ન હતો. પોલીસથી પણ ડરતો ન હતો. આખરે કંટાળીને મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.