અમદાવાદ: કોસ્ટગાર્ડ (Gujarat Coastgaurd police) અને ગુજરાત ATSને (Gujarat ATS) ફરીથી મોટા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. 400 કરોડનું અંદાજે 77 કિલો ડ્રગ્સ પકડાયું છે. પાકિસ્તાની બોટ (Pakistani boat) અલ હુસૈનીમાં ડ્રગ્સ લાવવામાં આવતુ હતુ. બોટ સાથે છ પાકિસ્તાનીઓ પણ પકડાયા છે. મધદરિયેથી મોટી માત્રામાં લવાતું ડ્રગ્સ પકડાતા મોટું ઓપરેશન પાર પડ્યુ છે.
ગુજરાતના દરિયા કિનારાના ડ્રગ્સ નેટવર્ક પર પોલીસ-કોસ્ટગાર્ડનુ મોટું ઓપરેશન સામે આવ્યું છે. પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાં ડ્રગ્સ લાવવામાં ડ્રગ્સ લાવતા છ પાકિસ્તાનીઓ ઝડપાયા છે. હવે આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ રહી છે કે, આ ડ્રગ્સ ક્યાં અને કોને આપવા માટે લાવવામાં આવતું હતુ.
નવેમ્બરમાં પણ ઝડપાયું હતુ ડ્રગ્સ
નવેમ્બરની શરૂઆતમાં, ગુજરાત ATS એ મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી રૂ. 720 કરોડનું હેરોઈન જપ્ત કર્યું હતું. ATSએ મોરબી જિલ્લામાંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને 600 કરોડની કિંમતનું 120 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આ પછી, અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને દેવભૂમિ દ્વારકાના નવાદરામાં પટેલિયાના ઘરેથી 120 કરોડની કિંમતનું 24 કિલો હેરોઈન મળી આવ્યું હતું.
આ કેસમાં એટીએસે અત્યાર સુધીમાં નાઈજિરિયન મૂળના નાગરિક સહિત કુલ 11 લોકોની ધરપકડ કરી હતી. બીજી તરફ, ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં, કસ્ટમ વિભાગના અધિકારીઓએ રવિવારે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક મહિલાની ધરપકડ કરી હતી અને તેના કબજામાંથી બે કિલોથી વધુ હેરોઇન જપ્ત કર્યું હતું.
The @IndiaCoastGuard in a joint Ops with ATS #Gujarat has apprehended one Pak Fishing Boat "Al Huseini" with 06 crew in Indian🇮🇳 waters carrying 77 kgs #heroin worth approx 400 crs
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ મોડસ ઓપરેન્ડી મારફત દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સને ઘુસાડવામાં આવે છે. જે જમીનમાર્ગે ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, તે પશ્ચિમી દેશો સુધી પણ પહોંચાડવામાં આવે છે.
ગુજરાત પોલીસ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે પાકિસ્તાનથી નજીક હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતના દરિયાકાંઠાનો લેન્ડિંગ પોઇન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હેરોઇનની દાણચોરીની પાકિસ્તાન અને ઈરાનની મોડસ ઓપરેન્ડી ધ્યાને આવી છે. જેમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ IMBL પર હેરોઇન ભારતીય મળતિયાઓને પહોંચાડાય છે. જે લોકો ડ્રગ્ઝને અન્ય જગ્યાએ પહોંચાડે છે. ગુજરાત પોલીસનો દાવો છે કે, આવા પ્રયત્નોને નિષ્ફળ કરવામાં તેઓ સફળ રહયા છે. પહેલા ડ્ર્ગ્સના કેસમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ પહોંચાડવાની વધેલી ઘટનાઓ પાછળ ભૌગોલિક અને રાજકીય કારણો જવાબદાર છે.