જીએમડીસી ગ્રાઉન્ડ ફરી બનશે રાજકીય 'સમરાંગણ' ?

બંને પાટીદાર છે, બંને આક્રમક છે, બંને પાસે જમીની તાકાત છે, બંને ક્રાઉડ-પુલર છે.

News18 Gujarati
Updated: April 16, 2018, 7:41 PM IST
જીએમડીસી ગ્રાઉન્ડ ફરી બનશે રાજકીય 'સમરાંગણ' ?
બંને પાટીદાર છે, બંને આક્રમક છે, બંને પાસે જમીની તાકાત છે, બંને ક્રાઉડ-પુલર છે.
News18 Gujarati
Updated: April 16, 2018, 7:41 PM IST
અમદાવાદ :

આવતીકાલથી વીએચપીના નિષ્કાસિત નેતા ડૉ.પ્રવીણ તોગડીયા આમરણ ઉપવાસ ઉપર ઉતારવાના છે. હિન્દુઓના હિત, રામમંદિર નિર્માણ અને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે તોગડીયા આ ઉપવાસ ઉપર બેસવાના છે. તોગડીયા ઉપવાસ કરે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ તેમણે ઉપવાસનું જે સ્થળ પસંદ કર્યું છે,તે રસપ્રદ છે. આ સ્થળ છે : અમદાવાનું જીએમડીસી ગ્રાઉન્ડ !

25 ઓગસ્ટ, 2015નું વર્ષ ગુજરાતના પોલિટિકલ આકાઓને યાદ હશે જ. પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા અહીં કરવામાં આવેલી રેલીએ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ લાવી દીધો હતો. આ સમય પછી માનો ગુજરાતનું રાજકારણ જંપીને બેઠું નથી ! અનામતના મામલે હાર્દિક પાટીદાર યુવાઓનો આદર્શ બની ગયો છે તેમાં કોઈ બેમત નથી. સામે પક્ષે 'દૂધના દાઝેલા" ડૉ.પ્રવીણ તોગડિયાએ ક્યારની છાશ ફૂંકી-ફૂંકીને પીવાની શરુ કરી દીધી છે. તોગડીયા ભેદી રીતે ગુમ થયા ત્યારથી જ સ્પષ્ટ થઇ ગયું હતું કે વિહિપની આવનારી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ડૉ.તોગડિયાનો ખેલ પડી દેશે ! ભેદી રીતે ગુમ અને ત્યાર બાદ હોસ્પિટલના બિછાનેથી મળી આવેલા ડૉ. તોગડિયાએ ક્રાઇમ બ્રાન્ચના વડા જે કે ભટ્ટ સામે બળાપો કાઢતા આડકતરી રીતે મોદી સામે નિશાન તાકતાં કહેલું કે, "આ લોકો તેમનું એન્કાઉન્ટર કરાવી નાખશે'

જીવના 'એન્કાઉન્ટર'થી બચી ગયેલા તોગડિયાનું આખરે 'રાજકીય એન્કાઉન્ટર' થઇ જ ગયું ! વડાપ્રધાન મોદીથી મોહભંગ થયેલા તોગડીયાને આજે ‘રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ’ના હોદેદારોને પણ મળ્યા હતા. જો કે આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી તેવું ચર્ચાયુ. વાત જે હોય તે પણ 'મોદી-શાહ' હવે "લાર્જર ધેન લાઈફ" થઇ ગયા છે, તે વાસ્તવિકતા છે. આ બંનેની સામે તેમને બનાવનારા સંગઠનો ચાહે તે "રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ" હોય કે "વિશ્વ હિન્દૂ પરિષદ" હોય હવે ટૂંકા પડી રહ્યા છે. વિહિપના નેતા હતા ત્યાં સુધી સંઘ પરિવાર તોગડિયાની સાથે હતો, આજે પરિસ્થિતિ "સાથે નહિ સામેની" થઇ ગઈ છે ! મોદી સામે પડેલા ચાહે તે અડવાણી હોય, ગોવિંદાચાર્ય હોય, સંજય જોશી હોય કે અન્ય કોઈ દિગ્ગજ નેતા હોય, ખોવાઈ ગયા છે.

જો કે આ નેતાઓ ખોવાયા એ સમય અલગ હતો. હવે 2019ની લોકસભાની ચૂંટણી નજદીક છે. હાર્દિક પટેલ અને પાટીદાર અનામતનો મુદ્દો ખાસ કરીને ગુજરાતમાં, કઠુઆ-ઉન્નવ બળાત્કાર કેસ, મોંઘવારી, નોટબંધી, જીએસટી, નિષ્ફળ વિદેશનીતિ, પાકિસ્તાન સાથેની સરહદે પ્રતિદિન અકાળે મરી રહેલા આપણા જવાનો, ખેડૂતોની દારુણ-દર્દનાક સ્થિતિ, દલિતો ઉપર વધી રહેલા અત્યાચારના કિસ્સાઓ, વધતી અસહિષ્ણુતા, અઢળક ભ્રષ્ટાચાર અને બેફામ બનેલા બીજેપીના રાજકીય ગુંડાઓ સહિતના સંખ્યાબંધ મામલે સરકાર નિષ્ફળ રહી છે, તે અંગે પ્રજા અજાણ નથી જ !

આ ઓછું હોય તેમ ડૉ. તોગડિયાએ વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા જણાવ્યું હતું કે, "નરેન્દ્ર મોદીની પોલીસે 300 હિંદુઓને મારી નાખ્યા હતા. તેમણે ગૌરક્ષકને હત્યારા ગણાવ્યા, કાશ્મીરમાં સેના પર પથ્થરમારો કરનાર 9 હજાર લોકો સામે કેસ પાછા ખેંચવામાં આવ્યા. નરેન્દ્ર મોદીએ જો હિન્દુનો સાથે નહિ લે તો અમારો સાથ તેમની સાથે રહેશે જે પક્ષ હિન્દૂઓની સાથે હશે."

તોગડિયાએ સ્પષ્ટ કર્યું કે પાછલા છ માસથી તેમના ઉપર "રામમંદિર"ના નિર્માણનો મુદ્દો બંધ કરવા ઉપર દબાણ લાવવામાં આવી રહ્યું છે. સંઘ અને વિહિપના કાર્યકર્તાઓના અવાજ બંધ કરવામાં આવી રહ્યા હોઈ; તેમણે આ ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે.

ડૉ.તોગડિયાનું વજન યુવા પાટીદાર નેતા હાર્દિક જાણે છે. બંને પાટીદાર છે, બંને આક્રમક છે, બંને પાસે જમીની તાકાત છે, બંને ક્રાઉડ-પુલર છે. હાર્દિક યુવાઓનો આદર્શ છે, તો તોગડીયા હિન્દૂ સમાજનું જબરદસ્ત પ્રતિનિધિત્વ કરે છે. તોગડીયા હવે જયારે આવતીકાલે જીએમડીસી ખાતેથી જ ઉપવાસ આરંભી રહ્યા છે, ત્યારે હાર્દિક પણ તેમની સાથે જોડાઈને "દુશ્મન કા દુશ્મન દોસ્ત"ના દાવે ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે રાજકારણ માં નવા મોરચા ખોલે તો નવાઈ પામવા જેવું નથી. હાર્દિક પાટીદારોનું ‘આર્થિક અને સામાજિક’ તો તોગડીયા રામમંદિર અને હિન્દુઓનું ‘રાજકીય’ કાર્ડ ખેલીને નવી સોગઠીઓ મંડાશે. આ પૂર્વે હાર્દિક અને તોગડીયા એકબીજાની "નજદીકીયાં" સાબિત કરી ચુક્યા છે : તે ચાહે ટ્વિટરના માધ્યમથી હાર્દિકનું તોગડિયાને સમર્થન  હોય કે હાર્દિકની બહેનના લગ્નમાં હાજરી આપીને ડૉ.તોગડિયાએ દર્શાવેલી હાર્દિક પ્રત્યેની કૃતજ્ઞતા હોય !

આ બંને સાથે મળશે તો આગામી દિવસો ગુજરાત અને કેન્દ્ર સરકાર માટે માથાના દુખાવરૂપ બનશે તેમાં બેમત નથી !

 

 
First published: April 16, 2018
વધુ વાંચો
अगली ख़बर