આજે ડૉ. જીવરાજ મહેતાનો આત્મા કકળી ઉઠશે : આ તો હોસ્પિટલ કે 'ટાર્ગેટ એચિવ' કરવાનું સ્થળ !

તમે પેનલ ડોક્ટર્સ તરીકે તમને આપેલા હક્કોનો પૂરતો ઉપયોગ કરતા નથી અને વધારે સંખ્યામાં દર્દીઓને એડમિટ કરતા નથી

News18 Gujarati
Updated: December 7, 2018, 3:15 PM IST
આજે ડૉ. જીવરાજ મહેતાનો આત્મા કકળી ઉઠશે : આ તો હોસ્પિટલ કે 'ટાર્ગેટ એચિવ' કરવાનું સ્થળ !
તમે પેનલ ડોક્ટર્સ તરીકે તમને આપેલા હક્કોનો પૂરતો ઉપયોગ કરતા નથી અને વધારે સંખ્યામાં દર્દીઓને એડમિટ કરતા નથી
News18 Gujarati
Updated: December 7, 2018, 3:15 PM IST
ન્યૂઝ18 ગુજરાતી :

ચોંકશો નહિ. તમે જે વાંચી રહ્યા છો, તે સાચું જ છે ! શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી "ડૉ. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન' સંચાલિત હોસ્પિટલના માનદ નિયામકે તાજેતરમાં આ હોસ્પિટલમાં આવતા પેનલ ડોક્ટર્સ માટે એક વિચિત્ર ફતવો જારી કર્યો।

આ ફતવો જાણે ડોક્ટર્સ કોઈ કોર્પોરેટ કંપનીના મુલાજિમ હોય તેવા સુરનો છે. આ હોસ્પિટલના માનદ નિયામક ડૉ. રમેશ પંચાલે પેનલ ડોક્ટર્સને જારી કરેલા આ પત્રનો મતલબ સીધો એવો જ છે કે, " તમારા ડેટાને તપાસતા માલુમ પડે છે કે તમે પેનલ ડોક્ટર્સ તરીકે તમને આપેલા હક્કોનો પૂરતો ઉપયોગ કરતા નથી અને વધારે સંખ્યામાં દર્દીઓને એડમિટ કરતા નથી ! યાદ રહે, દર્દીઓના ઇન્ડોર એડમિશનના મામલે અમે ત્રૈમાસિક સમીક્ષા કરી રહ્યા છીએ અને જો તેમાં ઉચિત સુધારો નહિ જણાય તો મેનેજમેન્ટને તમને 'ટર્મિનેટ' કરવાનો પૂરતો અધિકાર છે."ભાઈ, જબરું કહેવાય આ તો? આ પ્રકારના ફતવા શું રતુભાઇ અદાણી અને ડૉ. જીવરાજ મહેતાના સ્વપ્નોને સાકારિત કરશે? આ પત્ર એ બાબતનો સૂચક છે કે, પેનલ ડોક્ટરોએ દર્દીઓને દાખલ કરવાની સંખ્યા વધારવી, ભલે પછી તેની જરૂરત ન પણ હોય ? આ તો હોસ્પિટલ કે કોઈ ઉત્પાદન બનાવતું કારખાનું?

હા, કંપનીના મુખ્ય કારોબારી અધિકારી તેમના ઉત્પાદ- લક્ષ્યાંકો વધારવા કે તેને પહોંચી વળવા  તેની પ્રોડક્ટ, સપ્લાય, સેલ્સ, ડિસ્ટ્રીબ્યુશન ટીમને ટાર્ગેટ આપે તે સમજી શકાય અને તેમ કરવામાં નિષ્ફળ નીવડે તો તેને તગેડી પણ મુકાય !પરંતુ ડૉ.પંચાલ સાહેબ આ તો હોસ્પિટલ છે અને તમે સમાજના ગરીબ-નબળા વર્ગોને સારી, સસ્તી અને સુવિધાયુક્ત આરોગ્ય-વિષયક સેવાઓ મળે તે ઉદેશથી કાર્યરત છો. તબીબી-આરોગ્ય વિષયક સેવાઓનું મોટા પાયે ખાનગીકરણ થઇ ચૂક્યું છે અને સુપર-મલ્ટી સ્પેશિયાલિટી ખાનગી હોસ્પીટલોનો રાફડો ફાટ્યો છે; તેવા સંજોગોમાં આ પ્રકારની હોસ્પિટલની જવાબદારી તો અનેકગણી વધી જાય છે, તેવું તમને નથી લાગતું ?

આ ડોક્ટરો જો તમારા દબાણને વશ કે ટાર્ગેટ પુરા કરવા દર્દીઓને બેફામ થઈને દાખલ કરવા લાગશે તો બિચારો સામાન્ય માણસ જશે ક્યાં ?

આ મામલે હોસ્પિટલનું સત્તાવાર નિવેદન જાણવા માટે ડૉ. પંચાલની પ્રતિક્રિયા જાણવા માટે News18Gujarati.com' દ્વારા  'Director@jivrajhealthcare.org ' પર ઈ-મેલ કરવામાં આવ્યો છે, જો કે આ લખાઈ છે ત્યાં સુધી તેમનો કોઈ પ્રતિભાવ પ્રાપ્ત થયો નથી.

પંચાલ સાહેબ, અમદાવાદ શહેરમાં વસતા ઘણા પ્રતિષ્ઠાવંત લોકો આ હોસ્પિટલના ટ્રસ્ટી છે, શું તેમને આ ખબર છે ? શું આ લોકોએ ગરીબ દર્દીઓ માટે આપેલા દાનની રકમ ખૂટી પડી ?

વિચારજો, ક્યાંક થોડા લક્ષ્યાંકો હાંસલ કરવામાં સામાન્ય પ્રજાજનોનું અહિત ન થઇ જાય !
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर