Home /News /ahmedabad /યુએસએ, કેનેડા, રશિયાના ડોક્ટર્સ જટિલ સર્જરીનો અભ્યાસ કરવા સિવિલ આવ્યા
યુએસએ, કેનેડા, રશિયાના ડોક્ટર્સ જટિલ સર્જરીનો અભ્યાસ કરવા સિવિલ આવ્યા
યુએસએ, કેનેડા, સ્પેન, બેલેઝિયમ, ઉઝબેકિસ્તાન, રશિયા, કતાર અને ગાનાથી ડોક્ટર્સ સિવિલ આવ્યા છે
Ahmedabad News: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જરીનો અભ્યાસ કરવા 10 દેશમાંથી ડોક્ટરો આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિદેશથી આવેલા ડૉક્ટરોનું સ્વાગત કરવામાં આવ્યું.
અમદાવાદ: ડોકટર બનવા માટે વિદેશ અભ્યાસ કરવા જાય છે, પરંતુ સમય બદલાયો અને હવે વિદેશથી ડોક્ટરો ડોલર ખર્ચીને અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યા છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જરીનો અભ્યાસ કરવા 10 દેશમાંથી ડોક્ટરો આવ્યા છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિદેશથી આવેલા ડૉક્ટરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ડોક્ટર્સ 7 દિવસ સુધી સર્જરીનું શિક્ષણ મેળવશે. જેમાં બે દિવસ વર્કશોપ અને 5 દિવસ જટિલ સર્જરી થશે.
યુએસએ, કેનેડા, રશિયાથી ડોક્ટર્સ સિવિલ આવ્યા
યુએસએ, કેનેડા, સ્પેન, બેલેઝિયમ, ઉઝબેકિસ્તાન, રશિયા, કતાર અને ગાનાથી ડોક્ટર્સ સિવિલ આવ્યા છે. બ્લેડર એકસ્ટ્રોફી સર્જરી શીખવા વિદેશી ડોકટર આવ્યા છે. સિવિલ સુપરિટેન્ડેન્ટ ડોકટર રાકેશ જોષી અને તેમની ટીમ શિક્ષણ આપશે. 14 રાજ્યો અને 5 દેશમાંથી બ્લેડર એકસ્ટ્રોફી પીડિત બાળકો સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. જેમની જટિલ સર્જરી કરવામાં આવશે. વિદેશથી આવેલા ડોક્ટરો સર્જરીનો અભ્યાસ કરશે અને પોતાના દેશમાં સેન્ટર બનાવશે. જેના કારણે પીડિત બાળકોને પોતાના દેશમાં સારવાર મળી શકે.
દેશ-વિદેશમાંથી દર્દી બ્લેડર એકસ્ટ્રોફીની સર્જરી કરાવવા સિવિલ આવે છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડોકટર રાકેશ જોષીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, ગર્વની વાત છે કે વિદેશથી ડોક્ટરો અભ્યાસ કરવા સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બ્લેડર એકસ્ટ્રોફી સેન્ટર છે. જેના કારણે દેશ વિદેશમાંથી બ્લેડર એકસ્ટ્રોફીની સર્જરી કરાવવા સિવિલ હોસ્પિટલ આવે છે. બાળકોને જન્મજાત પેશાબની કોથળી બહાર હોય છે, ઇન્દ્રી ખુલી હોય છે. એવા બાળકોની સર્જરી કરી પીડામાંથી મુક્ત કરાય છે. આ ખૂબ જટિલ ઓપરેશન હોય છે. 35થી 40 દિવસ દર્દીએ હોસ્પિટલમાં રહેવું પડે છે. વિદેશમાં આ સર્જરી કરે તો લાખો ડોલર ખર્ચ કરવો પડે છે. જે સિવિલ હોસ્પિટલ ફ્રીમાં સારવાર આપવામાં આવે છે. અત્યારે પણ 14 રાજ્ય અને 5 દેશમાંથી બાળકો સારવાર લેવા માટે આવ્યા છે. ગ્લોબલ લેવલ પર અમદાવાદ સિવિલ હોસ્પિટલ બ્લેડર એકસ્ટ્રોફી સેન્ટરનું નામ છે. જેના કારણે વિદેશથી ડોક્ટરો અભ્યાસ કરવા માટે સિવિલ આવે છે.