Home /News /ahmedabad /Ahmedabad: આવી રીતે તમે ઘરે બેસીને ક્રિકેટ મેચ લાઇવ જુઓ છો, આવું હોય છે કેમેરાનું સેટઅપ
Ahmedabad: આવી રીતે તમે ઘરે બેસીને ક્રિકેટ મેચ લાઇવ જુઓ છો, આવું હોય છે કેમેરાનું સેટઅપ
ઘણીવાર ખેલાડીઓને પણ બોલ કઈ દિશામાં ગયો એની ખબર હોતી નથી
અમદાવાદમાં ટેસ્ટ મેચ રમાઇ રહી છે. લોકો ઘરે બેસીને ક્રિકેટ મેચ લાઇવ નિહાળે છે. એક એક સેકન્ડનું ક્વરેજ જોવા મળતું હોય છે. આ કેમેરાની કમાલ અને કેમેરા ટીમની મહેનતના કારણે શક્ય બને છે.
Parth Patel, Ahmedabad: એક સમય હતો કે જ્યારે સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ રમાતી ત્યારે તેનો રોમાંચ રેડિયોના માધ્યમથી માત્ર કોમેન્ટ્રી જ આપણને સાભળવા મળતી હતી. કોમેન્ટેટર જે રીતે ખેલાડી અને મેચનું વર્ણન કરતા એ રીતે આપણે તેની અનૂભૂતિ કરતા હતાં. પરંતુ આજના આધુનિક ટેક્નોલોજીના જમાનામાં બધું મોબાઈલ ફોન અને ટીવીમાં દેખાવા લાગ્યું છે.
ઘણીવાર ખેલાડીઓને પણ બોલ કઈ દિશામાં ગયો એની ખબર હોતી નથી
ક્રિકેટ પ્રેમીઓને કોમેન્ટ્રીનો નહીં પણ ફોર અને સિક્સર માટે સનનન કરતા જઈ રહેલા બોલને ધ્યાનથી જોવામાં, દર્શકોની ચીચીયારીઓ અને ગ્લેમરસ ચહેરા પર ફરતા કેમેરાના એક એક એંગલથી જોવામાં લોકોને વધુ રસ પડે છે. આજે ટેસ્ટ મેચથી લઈને IPL જેવી ટૂર્નામેન્ટ પણ આપણે સ્ટેડિયમની તુલનાએ ઘરે બેઠા બેઠા ખૂબ જ સારી રીતે માણી શકીએ છીએ. આ પાછળ સૌથી મોટો જો કોઈનો રોલ હોય તો એ છે કેમેરાનો.
કેટલીક વાર એવું બને છે કે, ફિલ્ડ પરના ખેલાડીઓને પણ એ બોલ કઈ દિશામાં ગયો એની ખબર હોતી નથી. કયારે તો બેટસમેનને પણ ખબર હોતી નથી. આવા સમયે કેમેરામેન એ બોલ કઈ દિશામાં ગયો તે કોઈ પણ ભૂલ વગર કેમેરા દ્વારા બતાવતા હોય છે.
સ્ટેડિયમમાં કેમેરાનું સેટ અપ કેવી રીતે કરવામાં આવે છે?
કેમેરાની ટીમે જણાવ્યું કે, જ્યારે કોઈ પણ જગ્યાએ મેચ થવાની હોય તો એ સ્થળે 100 થી પણ વધુ લોકોની ટીમ 3-4 દિવસ પહેલાં સ્થળે પહોંચી જાય છે. ત્યાં પહોંચીને એન્જિનિયર અને એવીએસની ટીમ એમની રીતે કામગીરી શરૂ કરે છે. પ્રોડક્શન મેનેજર અને ડાયરેક્ટર પણ દરેક વસ્તુની ચકાસણી કરે છે. આ સાથે એક ટીમ એવી પણ હોય છે, જે કોમેન્ટ્રીને એ મેચને લગતાં જૂના રેકોર્ડો અંગેની કામગીરી કરે છે.
મેદાન પર પહોંચી ટીમ પહેલા શું કરે ?
સૌથી પહેલાં ટીમ ગ્રાઉન્ડમાં જઈને ફાઈબર ઓપ્ટીકલ વાયરનું સેટ અપ કરે છે. જેમાં આખા ગ્રાઉન્ડમાં વપરાતા તમામ કેમેરાને બ્રોડકાસ્ટ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવે છે. પછી તેનું ટેસ્ટીંગ કરવામાં આવે છે.
આ આખી કામગીરી કરવામાં લગભગ એકાદ બે દિવસનો સમય લાગતો હોય છે. આ ટેસ્ટીંગ દરમિયાન જો કોઈ ફોલ્ટ આવે તો આખી પ્રોસેસ ફરીથી કરવામાં આવે છે. મેચ પૂરી થયા પછી પણ કેમેરા અને તેના સેટ અપને પેક કરતા 3 થી 4 કલાક લાગતા હોય છે.
ક્રિકેટ ફોર્મેટ મુજબ કેમેરા સેટ કરવામાં આવે છે
સામાન્ય રીતે ક્રિકેટના ફોર્મેટના આધારે કેટલા કેમેરા સેટ કરવા તે નક્કી કરવામાં આવે છે. રણજી ટ્રોફી જેવી મેચ હોય તો તેમાં 12-13 કેમેરા, વન ડે કે ટેસ્ટ મેચ હોય તો તેમાં 34 જેટલા કેમેરા અને IPL જેવી ટૂર્નામેન્ટમાં 36 કે તેથી વધુ કેમેરા લગાવવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, 2021 માં દુબઈમાં રમાયેલી IPLની ફાઈનલ મેચમાં 5 D ટેક્નોલોજીના કવરેજમાં 136 કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સ્ટેડિયમમાં મેચ રમાતી હોય ત્યારે તેનું કવરેજ કેમેરાથી સીધું જ BCR માં જાય છે. આ સમયે જો કોઈ વિકેટ પડે કે પછી કોઈ બેટ્સમેન સિક્સ મારે જેવી કોઈ ઘટના બને ત્યારે ડાયરેક્ટર સાથેની ટીમ તેના પર ખાસ નજર રાખતી હોય છે. આ માટે ગ્રીન, ઓરેન્જ જેવા કેમેરાના નામ પણ રાખવામાં આવે છે. જેના થકી EVS ને ઓપરેટ કરતી ટીમ તે એન્ગલને કેપ્ચર કરે છે.
દરેક વ્યક્તિ ઉપર કેમેરાનું ફોક્સ હોય છે
મેચમાં સિક્સ, વિકેટ, હાર કે જીત થતી હોય ત્યારે તરત જ તમને સ્ક્રીન ઉપર બતાવવા અને મેચ શરૂ થવાની હોય ત્યારે જ ઓડિયન્સમાં બેઠેલા લોકો પર નજર રાખવામાં આવતી હોય છે. જેમાં કોણ, ક્યાં બેઠું છે, લોકોના હાથમાં કેવા બેનર છે, સેલિબ્રિટી અને ખેલાડીઓના ફેમિલીમાં કોણ છે. જ્યારે એ પ્રકારની કોઈ ઘટના બને એટલે તરત જ સ્ક્રીન પર બતાવવામાં આવે છે. આમ ટેક્નોલોજીના કારણે આ પ્રોસેસ સેકન્ડોમાં થઈ જાય છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.