દર અઠવાડિયે ટ્રસ્ટના સભ્યો દ્વારા ખીચડી ખવડાવવાનો નિશ્ચય કર્યો
અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર દર્દીનાં સગાને ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા મફતમાં મસાલા ખીચડી આપવામાં આવે છે. આ સેવા કરતા સરફરાજભાઇ કાસમભાઇ મન્સુરીને માતા-પિતા લાડમાં નરસિંહ મહેતા કહી બોલાવે છે.
Parth Patel, Ahmedabad: અમદાવાદના ચામુંડાબ્રિજ પાસે આવેલી જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર ખાતે છેલ્લાં 4 વર્ષથી ઓફિસર મેડિકલ કેમ્પ પદનો કાર્યભાર સંભાળતા સરફરાજ કાસમભાઈ મન્સુરીએ પોતાના ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલની બહાર પેશન્ટ અને એમના સગાઓ માટે મફતમાં મસાલા ખીચડીનું વિતરણ શરૂ કર્યું છે.
દર અઠવાડિયે ટ્રસ્ટના સભ્યો દ્વારા ખીચડી ખવડાવવાનો નિશ્ચય કર્યો
આ કાર્ય ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા હવે કાયમ માટે દર અઠવાડિયે ચાલુ રાખવામાં આવશે. જેના માટે આ પ્રોગ્રામમાં ઉમંગ સેવા ટ્રસ્ટના સભ્યો મંથનભાઈ, અજીતભાઈ, જગદીશભાઈ, સુરેશભાઈ, રાકેશભાઈ, દીપકભાઈ, કંચનબેન, મુકેશભાઈ, સંજયભાઈ હાજર રહીને દર્દીઓના સગાને ખીચડી ખવડાવવાનો નિશ્ચય કર્યો છે.
ઉમંગ સેવા ટ્રસ્ટના પ્રમુખ સરફરાજ મન્સુરીએ જણાવ્યું હતું કે, સમાજમાં પ્રસરેલી વ્યસનની બદીની ભયાનકતા લોકોને સમજાવી તેમાંથી મુક્ત કરવા જનજાગૃતિ લાવવાનું કામ ઉમંગ સેવા ટ્રસ્ટ કરે છે. આ સાથે વ્યસનમુક્તિ કેન્દ્ર સ્થાપવાનો ઉદ્દેશ એ છે કે જ્યાં વ્યસનના બંધાણીને 15-20 દિવસ રાખી નિદાન કરી વ્યસનમાંથી મુક્તિ અપાવવાનો પ્રયાસ કરાશે.
15-20 દિવસ નિદાન કેમ્પમાં રાખી વ્યસનમુક્ત કરાશે
અત્યારે હાલમાં અમદાવાદના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલની બહાર રહેતા પેશન્ટના સગાઓ માટે અમારા ટ્રસ્ટ દ્વારા નવી સેવા શરૂ કરી છે. જેમાં પેશન્ટના સગાઓને ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા મફતમાં મસાલા ખીચડીનું વિતરણ શરૂ કર્યું છે. તેના માટે અમારા ટ્રસ્ટના સભ્યો દ્વારા જે ભંડોળ મળે તેનો ઉપયોગ સમાજસેવાના કાર્યમાં વાપરીએ છીએ.
આ ઉપરાંત અન્ય લોકો મદદ કરી શકે તે માટે કોઈની વર્ષગાંઠ, તિથી કે તહેવાર નિમિત્તે લોકો સેવા કરી શકે તે પ્રકારનું આયોજન કર્યું છે. આ સાથે ટ્રસ્ટ દ્વારા ચાલતા વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રદર્શન યોજવા, સ્કૂલ-કોલેજમાં લેક્ચર યોજવા, વ્યસનમુક્તિ કેમ્પ યોજવા, મેડિકલ કેમ્પ કરવા, કેન્સરથી પીડિત બાળકોને મદદ કરવી એ ઉમંગ સેવા ટ્રસ્ટનો મુખ્ય ધ્યેય છે.
માતા-પિતા લાડમાં નરસિંહ મહેતા કહે છે
હું ગુજરાત વિદ્યાપીઠમાં ધોરણ-5 થી ભણ્યા હોવાથી સામાન્યતઃ સફાઇના ગુણ અને ગાંધીજીના વિચારોને પચાવ્યા છે. તેથી મારી નસે નસમાં સમર્પણની ભાવના દોડી રહી છે. તેમાં પણ સીડબ્લ્યુની ડિગ્રી ગાંધી સંસ્થામાંથી મેળવી છે. એકંદરે કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી કે મને ગાંધી વિચારો ગળથુથીમાં મળ્યા છે.
સતત સેવાકીય કાર્યોમાં ગળાડૂબ રહેતો હોવાથી મારા માતા-પિતા મને લાડમાં નરસિંહ મહેતા કહે છે. પરિવાર મારું બળ છે અને ગરીબ તથા જરૂરિયાતવાળા માનવીને મદદ કરવી તે મારો ધ્યેય છે. ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં અંદાજે હજારો માણસોને વ્યસનમુક્ત કર્યા છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.