Home /News /ahmedabad /Ahmedabad: એ કાપ્યો છે! આકાશ ડાયમન્ડ, પેરાફોઈલ જેવા મહાકાય પતંગોથી રંગાયું; અદ્ભુત નજારો

Ahmedabad: એ કાપ્યો છે! આકાશ ડાયમન્ડ, પેરાફોઈલ જેવા મહાકાય પતંગોથી રંગાયું; અદ્ભુત નજારો

G20 દેશોના પતંગરસિકો પતંગોત્સવમાં સામેલ થયા

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ વખતે G20 ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં દેશ-વિદેશના અનેક પતંગરસિકો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે અમદાવાદ આવ્યા છે.

Parth Patel, Ahmedabad: ગુજરાતની સાંસ્કૃતિક ઓળખમાં ગરબા ઉપરાંત પતંગ કલ્ચરની પણ આગવી ભૂમિકા છે. ગુજરાતમાં દર વર્ષે યોજાતા કાઈટ ફેસ્ટિવલમાં પોતાની પતંગકલાનો પરિચય કરાવતા દેશ-વિદેશના પ્રોફેશનલ કાઈટ ફ્લાયર્સનાં ધાડાં ગુજરાતમાં ઊતરી ચૂક્યાં છે અને પોતાની સાથે ચિત્ર-વિચિત્ર આકારની ગંજાવર પતંગો લઈ આવ્યા છે.


આ પતંગબાજો પ્રોફેશનલ કાઇટ ફ્લાયર્સ છે. એટલે કે પતંગ ઉડાડવાના ફેસ્ટિવલોમાં તેમને બાકાયદા આમંત્રિત કરવામાં આવતા હોય છે. પતંગ ઉડાડવા માટે તેમને હજારો રૂપિયા અને ફાઇવ સ્ટાર હોટલોમાં ઉતારા પણ મળતા હોય છે. જેમ કઠપૂતળીઓ નચાવે તેમ આકાશમાં પતંગ ઉડાડવાની કળામાં તેમણે કારકિર્દી બનાવી છે. આ કળા જ તેમને દુનિયાભરમાં ફરવાની તક પણ આપી રહી છે.


પતંગ મહોત્સવમાં પતંગરસિકો અલગ અલગ પ્રકારની પતંગો લઈને પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ વખતે ડાયમન્ડ કાઈટ, પેરાફોઈલ કાઈટ, સેલ્યુલર કાઈટ, ડેલ્ટા કાઈટ, રોક્કાકુ કાઈટ, સ્ટંટ કાઈટ, પાવર કાઈટ વગેરે પ્રકારની કાઈટ્સ આકાશ માં જોવા મળી રહી છે. આ પતંગો દેખાવમાં વિચિત્ર અને સુંદર, વિશાળકાય કદવાળા અને ઊંચી કિંમતના છે. જેની કિંમત આશરે 50 હજારથી લઈને 3 લાખ સુધીની છે.


ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ વખતે G20 ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં દેશ-વિદેશના અનેક પતંગરસિકો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે અમદાવાદ આવ્યા છે. આ સાથે G20 દેશોના પતંગરસિકો પણ આ પતંગોત્સવમાં સામેલ થયા છે. જેનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસનમંત્રી મુળૂ બેરા દ્વારા 8મી જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું.


મકરસંક્રાંતિએ ઉત્તરી ગોળાર્ધમાં સૂર્યનું આગમન થાય છે. ત્યારે આ દિવસે ખાસ સૂર્યનમસ્કારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના પ્રથમ દિવસે પણ ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન તમામ પતંગરસિકો G20 ના લોગો પ્રિન્ટ કરેલા ટી-શર્ટ અને ટોપી પહેરીને એક અનોખી પરેડનું પ્રદર્શન કરતા નજરે ચડે છે.


મહોત્સવમાં આવનારા લોકો વન અર્થ, વન ફેમિલિ, વન ફ્યુચર (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય)ની થીમ સાથે G20 ના લોગોવાળા એક વિશેષ ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગોત્સ વમાં G20 નો લોગો પ્રિન્ટ કરેલી પતંગો પણ આકાશમાં ઊડતી જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં પતંગનો ભાતીગળ ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન ઊભું કરવામાં આવ્યું છે. પતંગો બનાવવા અને ઉડાવવા માટેની એક વર્કશોપ પણ આયોજિત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન મુલાકાતીઓ માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે.


ડિસેમ્બર 2022 થી ભારતે G20 ની અધ્યક્ષતા સંભાળી છે. જેથી ભારતભરમાં G20 નો અર્થ શું છે. તેની સમજણ વધારવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. ધ ગ્રુપ ઓફ 20 (G20) આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોહ માટેનું મુખ્ય મંચ છે. તે તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતમાં 1 ડિસેમ્બર, 2022 થી 30 નવેમ્બર, 2023 સુધી G20 ની અધ્યક્ષતા કરવાનું છે. આ દરમિયાન સમગ્ર ભારતમાં 200 થી વધુ બેઠકો અને કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. જેમાંથી ગુજરાતમાં આગામી મહિનાઓમાં આવી 15 બેઠકોનું આયોજન કરવામાં આવશે.
First published:

Tags: Ahmedabad news, Local News, Makarsankranti, Uttrayan