ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીને 182 બેઠકોમાંથી 156 બેઠકો પર બમ્પર જીત મળ્યા બાદ ફરીથી ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ સંગઠન સક્રિય થઈ ગયું છે. પ્રજા દ્વારા આપવામાં આવેલા બમ્પર મેન્ડેડને ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારતાંની સાથે જ હવે પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કમર કસી લીધી છે. ત્યારે 19 ડિસેમ્બરે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમમાં રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરોના પ્રમુખો સાથે બેઠક બોલાવવામાં આવી છે.
દરેક કામની સમીક્ષા કરવામાં આવશે
ભારતીય જનતા પાર્ટીના આ 33 જિલ્લા અને આઠ મહાનગરોના જિલ્લા-શહેર પ્રમુખ સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવશે. તેમાં આગામી દિવસોમાં જુદા જુદા જિલ્લાઓમાં અટકેલા વિકાસના કાર્યો અને અન્ય વહીવટી પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ ચૂંટણી દરમિયાન જિલ્લા ભાજપ અને શહેર ભાજપની તેવા પ્રકારની સ્થિતિ રહી અને કયા કાર્યકરોએ સક્રિય રીતે કામગીરી કરી તો કયા કાર્યકરોએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું તેની પણ સમીક્ષા કરવામાં આવશે.
વિવિધ કાર્યક્રમોની ડિઝાઈન આપવામાં આવશે
આ બેઠકમાં ચર્ચા કરવામાં આવતા તમામ મુદ્દાઓ જે છે તે નોંધવામાં આવશે અને ત્યારબાદ સાંજે ભારતીય જનતા પાર્ટીની સંકલન બેઠક મળશે. જેની અંદર મુખ્યમંત્રી તેમના મંત્રીઓ અને પ્રદેશ ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે. જેમાં જુદા જુદા જિલ્લાઓ અને મહાનગરોના વિકાસ કાર્યોની પ્રાથમિકતા અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે પણ તેનો રોડ મેપ તૈયાર કરી પાર્ટી દ્વારા જુદા જુદા કાર્યક્રમો ડિઝાઇન કરવામાં આવશે. આ કાર્યક્રમો ડિઝાઇન થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં જુદા જુદા કાર્યક્રમોનો પણ પ્રારંભ કરશે. આ સાથે જ નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યો સાથે પ્રદેશ ભાજપ અને જિલ્લા તેમજ શહેર ભાજપનું સંકલન યોગ્ય રીતે થાય તે માટેની પણ સુચના આ બેઠકમાં આપવામાં આવશે.