Home /News /ahmedabad /અમદાવાદ: પોલીસના પાપે કતલ કરનારાઓની હિંમત વધી, જાહેર રોડ પરથી ગાયનું માથું અને પગ મળ્યાં
અમદાવાદ: પોલીસના પાપે કતલ કરનારાઓની હિંમત વધી, જાહેર રોડ પરથી ગાયનું માથું અને પગ મળ્યાં
ગાયના અવશેષ મળતા રોષ
Ahmedabad News: વીએચપીના ગુજરાત પ્રાંત પ્રવકતા દક્ષેશભાઈ મહેતાએ વિધર્મીઓ દ્વારા 370ની કલમ હટાવવાનો આજનો દિવસ અને શ્રાવણ માસ હોવાથી આ કૃત્ય કર્યું હોવાનો આરોપ લગાવી પોલીસ પર આક્ષેપ કર્યા હતા.
અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસ (Shrawan Month)માં પશુના અવશેષ મળી આવતા ઇસનપુર વિસ્તારમાં રહેતા લોકો રોષે ભરાયા છે. લોકોનો આક્ષેપ છે કે અહીં જ પોલીસનો પોઇન્ટ (Police point) હોવા છતાંય કતલ કરનારાઓ અહીંથી કાપેલા પશુઓ લઈ જતા હોય છે. આજે સવારે ગોવિંદવાડીમાંથી ગાયના પગ અને માથું મળી આવતા લોકોએ પોલીસ અને તંત્ર પર આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો. આ ઘટના બનતા ઇસનપુર પોલીસ (Isanpur police)નો સ્ટાફ તો આવી ગયો હતો પણ વિધર્મીઓને જાણે કે છાવરવાના હોય તેમ પીઆઇ કક્ષાના અધિકારીઓ કલાકો બાદ સ્થળ પર આવ્યા હતા. લોકોના ટોળા વિખેરાઈ ગયા બાદ માત્ર દેખાડા કરવા અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા. હાલ પ્રાથમિક તપાસમાં આ અવશેષ ગાયના હોવાનું જણાય આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ અને 370ની કલમ દૂર કરવાના દિવસે આ ઘટના બનતા હિન્દુ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બીજી તરફ સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે પગલા લેવા પણ સ્થાનિક લોકોએ માંગ કરી છે.
શહેરના ઇસનપુરના ગોવિંદવાડીના બે તરફના રોડ પર ગાયોના અવશેષ મળી આવતા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. લોકોએ પહેલા ગાયના અવશેષને ઢાંકી દીધા હતા અને બાદમાં પ્રશાસન અને પોલીસ પર આક્ષેપ કર્યા હતા. સ્થાનિક પોલીસનો અહીં પોઇન્ટ હોવા છતાંય આ ઘટના બનતા લોકોએ આરોપ લગાવવાનું શરૂ કર્યું હતું. અહીં આવેલી એક સોસાયટી પાસેથી કપાયેલી હાલતમાં પશુનું માથું મળ્યું તો બીજી બાજુ મહાદેવના મંદિર સામે પગ મળી આવ્યા હતા.
લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો
વહેલી સવારે આ ઘટના બનતા જ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ગાયોની કતલ કરનાર તત્વને ઝડપથી પાડી ગાયોની કતલ બંઘ થાય તેવી માંગ કરવામાં આવી હતી. શ્રાવણ માસમાં વિધર્મીઓ દ્વારા આ કૃત્યને અંજામ અપાતા સ્થાનિક રહીશ સૌરભભાઈ વ્યાસે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વીએચપીના ગુજરાત પ્રાંત પ્રવકતા દક્ષેશભાઈ મહેતાએ વિધર્મીઓ દ્વારા 370ની કલમ હટાવવાનો આજનો દિવસ અને શ્રાવણ માસ હોવાથી આ કૃત્ય કર્યું હોવાનો આરોપ લગાવી પોલીસ પર આક્ષેપ કર્યા હતા.
સીસીટીવીમાં જોવા મળ્યો શખ્સ
ઘટનાને પગલે લોકોએ રસ્તા બંધ કરી વિરોધ દર્શાવ્યો અને શ્રી રામના નારા અને ધૂન શરૂ કરતાં પોલીસે લોકોને શાંત રહેવા અપીલ કરી હતી. બીજી તરફ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજમાં દેખાતા એક્ટિવા ચાલક સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા હતા. આ મામલે જે ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી મિલાપ પટેલે જણાવ્યું કે, આ ઘટનાને લઈને ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી આરોપી સુધી પહોંચવા પ્રયાસ હાથ ધરાયા છે.
પોલીસનો તર્ક
એક્ટિવા ચાલક મિલત નગરથી આ પશુના અવશેષ લઈ વટવા તરફ જતા વાહન ડગમગ થતા તે ડરી ગયો હતો અને અવશેષ પડી ગયા હોવાનું પોલીસ માની રહી છે. પવિત્ર શ્રાવણ માસમાં આ ઘટના બનતા લોકોએ પોલીસ અને સરકાર સામે આક્ષેપ કર્યા અને વિરોધ દર્શાવ્યો છે ત્યારે આ કૃત્ય કરનાર આગામી કેટલા સમયમાં પકડાય છે તે જોવું રહેશે.