Home /News /ahmedabad /અમદાવાદ: 'તમે નકલી પોલીસ છો,' અસલી પોલીસને નકલી કહી યુવક-યુવતીએ કર્યો ઝઘડો

અમદાવાદ: 'તમે નકલી પોલીસ છો,' અસલી પોલીસને નકલી કહી યુવક-યુવતીએ કર્યો ઝઘડો

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

ચાલુ કારે મોબાઇલ પર વાત કરતા મહિલા ટ્રાફિક પોલીસે યુવકની કાર અટકાવી હતી, લાઇસન્સ માંગતા યુવકે પોલીસ પાસે ઓળખપત્ર માંગ્યું હતું.

અમદાવાદ: કોરોનાની મહામારી (Corona pandemic) દરમિયાન સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન (Corona guideline)નું પાલન કરવાથી પોલીસની કામગીરીને લોકો જાણે ત્રાસના સ્વરૂપમાં જોઈ રહ્યા છે. જોકે, હવે તો ટ્રાફિક પોલીસ (Traffic police)ની કામગીરીને પણ લોકો જાણે કે હેરાનગતિના સ્વરૂપમાં જોતા હોય તેવું લાગી રહ્યું છે. આવો વધુ એક બનાવ શહેરના નવરંગપુરા વિસ્તાર (Navrangpura area)માં જોવા મળ્યો છે.

બી ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા મહિલા પોલીસ જવાન નિશાબેન સોલંકી ગઇકાલે સ્ટેડિયમ પાંચ રસ્તા પર પોતાની ફરજ પર હાજર હતા તે દરમિયાન બપોરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ સરદાર પટેલના બાવલા તરફથી સ્ટેડિયમ પાંચ રસ્તા તરફ એક કાર ચાલક ચાલુ કારે મોબાઇલ પર વાત કરતો આવી રહ્યો હતો. જેથી પોલીસે તેને અટકાવી કાર સાઇડમાં લેવડાવી તેની પાસે લાઇસન્સ માંગ્યું હતું.

આ પણ વાંચો: 

>> સ્ટૉક 20-20 (19 ફેબ્રુઆરી): કમાણી માટેના 20 શેર, ફ્રી હીટ શેર્સ પણ છે શામેલ
>> સરકારી સબસિડીનો લાભ લેવા માંગતા SBI ગ્રાહકોએ બેંક ખાતા સાથે આધાર લિંક કરવું ફરજિયાત
>> RailTel IPO: અંતિમ દિવસ સુધી 42.4 ગણો ભરાયો, ગ્રે માર્કેટમાં ભાવ ગગડતા ચિંતા

લાઇસન્સ માંગતા જ કાર ચાલકે પોલીસ પાસે તેમનું ઓળખપત્ર માંગ્યું હતું. પોલીસે પોતાનું ઓળખપત્ર બતાવ્યું હોવા છતાં 'તમે નકલી પોલીસ છો' તેમ કહીને આ શખ્સે પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને ગાડીમાંથી નીચે ઉતરી ગયો હતો. યુવક પોલીસ સાથે ગેરવર્તણૂંક કરવા લાગ્યો હતો. જ્યારે ગાડીમાં બેઠેલી મહિલા પણ પોલીસ પાસે આઇકાર્ડની માંગણી કરી નીચે ઉતરી બોલાચાલી કરવા લાગી હતી.

જે બાદમાં ટ્રાફિક પોલીસે કંટ્રોલ રૂમમાં ફોન કરતા અન્ય પોલીસ સ્ટાફ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. પોલીસ સ્ટાફ બંનેને પોલીસ સ્ટેશન લાવી હતી. અહીં પૂછપરછમાં યુવકનું નામ સંદીપ જૈન અને મહિલાનું નામ સ્વીટી જૈન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંને સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન માસ્ક કે અન્ય નિયમ તોડવા બદલ દંડ માંગવાની કાર્યવાહી દરમિયાન સામાન્ય લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ સમયાંતરે બનતા રહે છે.
First published:

Tags: Couple, અમદાવાદ, ગુનો, ટ્રાફિક પોલીસ, પોલીસ