કોરોનાનો આ નવો વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ છે. તેનું નામ BA.5.1.7 છે
Corona new variant in Ahmedabad: નિષ્ણાતોએ સાવચેતી રાખવાની સાથે કહ્યુ છે કે, હવે માસ્ક પહેરવાનું બંધ ન કરવું જોઈએ અને જો કોઈ લક્ષણો દેખાય તો તરત જ આઈસોલેટ થઈ જવું જોઈએ.
અમદાવાદ : ગુજરાતમાં માંડ માંડ લોકો પહેલા જેવી દિનચર્યામાં સેટ થઇ રહ્યા હતા ત્યારે કોરોનાના નવા વેરિઅન્ટે ચિંતા વધારી છે. અમદાવાદમાં દેશનો સૌપ્રથમ ઓમિક્રોન BF.7નો કેસ નોંધાયો છે. આ સમાચારની સાથે જ લોકોમાં ફરીથી ફફડાટ શરૂ થયો છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ડ્રાઇવ ઇન વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ નવા સબ વેરિયન્ટના રડારમાં આવી ગયા છે. જોકે, દર્દીને દાખલ કરવાની જરૂર પડી નથી, તેમજ તેમની કોઈ વિદેશ હિસ્ટ્રી પણ સામે આવી નથી. સાવચેતીના ભાગરૂપે AMC દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા 10 લોકોની પણ તપાસ કરાવી છે. 15 જુલાઈએ દર્દીના સેમ્પલ ગાંધીનગરમાં આવેલા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. GBRC દ્વારા જીનોમ સિકવંસિંગ કરવામાં આવતા ઓમિક્રોન વેરિયન્ટનાં નવા સબ વેરિયન્ટ BF.7 હોવાની જાણ સોમવારે AMC ને કરવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે, રિપોર્ટ્સ અનુસાર, કોરોનાનો આ નવો વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ છે. તેનું નામ BA.5.1.7 છે અને આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે. નવા વેરિઅન્ટ બાદ, સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવાની સલાહ આપી છે, કારણ કે BF.7 અને BA.5.1.7 વેરિઅન્ટને ચીનમાં કોવિડ-19ના કેસમાં ઉછાળાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનના નવા પેટા વેરિઅન્ટ્સ BA.5.1.7 અને BF.7, અત્યંત ચેપી તરીકે જાણીતા છે અને હવે તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યા છે.
નિષ્ણાતોએ સાવચેતી રાખવાની સાથે કહ્યુ છે કે, હવે માસ્ક પહેરવાનું બંધ ન કરવું જોઈએ અને જો કોઈ લક્ષણો દેખાય તો તરત જ આઈસોલેટ થઈ જવું જોઈએ. બે અભ્યાસો સૂચવે છે કે BF.7 વેરિઅન્ટ અન્ય ઓમિક્રોન સબ-વેરિઅન્ટ કરતાં અગાઉની રસી અને એન્ટિબોડીઝમાં ટકી શકે છે અને તેથી વધુ ચેપી હોવાનું માનવામાં આવે છે. જોકે નિષ્ણાતો પાસે આના લક્ષણો અંગે કોઈ માહિતી મળી નથી.