Home /News /ahmedabad /ચાઇનીઝ વેરિઅન્ટથી ગભરાશો નહીં! ઓમિક્રોન BF 7 વેરિયન્ટનો હાલ ગુજરાતમાં એક પણ એક્ટિવ કેસ નથી
ચાઇનીઝ વેરિઅન્ટથી ગભરાશો નહીં! ઓમિક્રોન BF 7 વેરિયન્ટનો હાલ ગુજરાતમાં એક પણ એક્ટિવ કેસ નથી
આઇસોલેશન બાદ ત્રણેવ દર્દીઓ સ્વસ્થ છે.
Omicron BF 7 in Gujarat: ત્રણેય દર્દીના ઓમિક્રોન વેરિયન્ટના BF7 વેરિયન્ટના રિપોર્ટ પણ પોઝિટિવ જણાઇ આવ્યા છતા તેઓ હોમ આઇસોલેશનમાં જ સામાન્ય સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે.
અમદાવાદ: ચીનમાં વધતા કોરોનાના કહેરના કારણે ભારત પણ સતર્ક થઇ ગયું છે. જેના કારણે ગુજરાતમાં પણ ચિંતા વધી રહી છે. જોકે, ગુજરાતમાં હાલ ચિંતાની વાત નથી પરંતુ સાવચેતી જરૂરી છે. ગુજરાતમાં પણ કોરોનાને કારણે રાજ્ય સરકારે બેઠક બોલાવી હતી પરંતુ નિયંત્રણ માટે કોઇ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી. ગુજરાતમાં ચાઇનીઝ વેરિઅન્ટનાં ત્રણ કેસ નોંધાયા હતા જે એકથી ત્રણ મહિના જૂના છે. આઇસોલેશન બાદ ત્રણેવ દર્દીઓ સ્વસ્થ છે.
દર્દીને કફ અને તાવની ફરિયાદ
આરોગ્ય વિભાગે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઇ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદના 60 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ પોઝિટિવ આવતા તેનું સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર ખાતેની જી.એસ.આર.બી. સરકારી ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો રિપોર્ટ 20 સપ્ટેમ્બરના રોજ પોઝીટીવ આવ્યો હતો. આ પુરૂષ દર્દીને કફ અને તાવની ફરિયાદ હતી. આ દર્દી હોમઆઇસોલેશનમાં જ સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયું હતુ.
વડોદરાનાં વૃદ્ધા થયા હતા કોવિડ પોઝિટિવ
અમદાવાદ ઉપરાંત વડોદરાના 61 વર્ષનાં મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીનું તેનું જીનોમ સિકવન્સીંગ સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું હતુ. જેનો રિપોર્ટ 19 નવેમ્બરના રોજ પોઝિટિવ જણાઇ આવ્યો હતો. આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવીને સ્વસ્થ થયું હતુ.
અમદાવાદના 57 વર્ષનાં પુરુષ દર્દીને 11મી નવેમ્બરના રોજ કોવિડ પોઝિટિવ આવતા તેનું પણ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ ટેસ્ટીંગ માટે લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો 20મી ડિસેમ્બરના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં જ સંપૂર્ણપણે સ્વસ્થ થયું હતુ.
આ ત્રણેય દર્દીના ઓમિક્રોન વેરિયન્ટના BF7 વેરિયન્ટના રિપોર્ટ પણ પોઝિટિવ જણાઇ આવ્યા છતા તેઓ હોમ આઇસોલેશનમાં જ સામાન્ય સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે. જેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી ચોક્કસથી રાખવાની જરૂર છે.