ફરી એકવાર કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. ચીન સહિત અન્ય દેશમાં કોરોના કેસમાં ધરખમ વધારો થયો છે. ભારત સરકાર દ્વારા કોરોના પગલે અગમચેતીના ભાગ રૂપે પગલાઓ લેવાની શરૂઆત થઇ છે. તેમજ સરકાર દ્વારા કોવિડ ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ બુસ્ટર ડોઝ ખુટી પડ્યા છે . છેલ્લા બે થી ત્રણ દિવસથી કોરોના વેકિસન માટે બુસ્ટર ડોઝ અર્બન હેલ્થ સેન્ટર પર ઉપલબ્ધ નથી. ડોઝ લેવા જનાર લોકોએ સેન્ટર પરથી પરત જવું પડી રહ્યું છે.
અમદાવાદમાં કોવિડ ટેસ્ટની સંખ્યા વધી
એએમસી મેડિકલ હેલ્થ ઓફિસર ડો ભાવિન સોલંકીએ જણાવ્યુ હતું કે સરકાર દ્વારા કોવિડ ગાઇડ લાઇન જાહેર કરાઇ છે . અમદાવાદ શહેરમાં કોવિડ ટેસ્ટની સંખ્યા વધારવામા આવી છે. તેમજ છેલ્લા એક સપ્તાહ થી બુસ્ટર ડોઝ લેવાની સંખ્યામાં ખુબ મોટો વધારો થયો છે. હાલ અમદાવાદ મહાનગર પાલિકા પાસે બુસ્ટર ડોઝ ઉપલ્બધ નથી.
કોરોના પહેલા ડોઝ લેવાની સંખ્યા ઓછી હતી. માત્ર રોજના ૩૦૦ થી વધુ બુસ્ટર ડોઝ અપાતા હતા. પરંતુ કોરોના દહેશત વચ્ચે ડોઝની સંખ્યામાં ૧૦૦ ટકા વધારો થયો હતો અને એક જ દિવસમાં ૨ થી ૩ હજાર લોકો બુસ્ટર ડોઝ મેળવી રહ્યા હતા. પરંતુ આજે બુસ્ટર ડોઝ અર્બન હેલ્થ સેન્ટર પર ઉપલબ્ધ નથી. સરકાર તરફથી કોઇ નવા બુસ્ટર ડોઝ મોકલવામા આવ્યા નથી. એએમસી દ્વારા સરકાર સમક્ષ બુસ્ટર ડોઝ માટે માંગણી કરાઇ છે.
80 ટકા લોકો બુસ્ટર ડોઝ મેળવાનો બાકી
વધુમાં ડો. ભાવિન સોલંકીએ જણાવ્યુ હતું કે, અમદાવાદ શહેરમાં અત્યાર સુધી ૧૦ લાખ લોકોએ બુસ્ટર ડોઝ મેળવ્યો છે. શહેરમાં કુલ ૪૫ લાખથી વધુ લોકો બુસ્ટર ડોઝ લેવા માટે અપેક્ષિત છે. તેથી માત્ર ૨૦ ટકા લોકોએ જ બુસ્ટર ડોઝ મેળવ્યો છે. 80 ટકા લોકો બુસ્ટર ડોઝ મેળવાનો બાકી છે.
થલતેજ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો ચેતન ચૌહાણ જણાવ્યુ હતું કે સેન્ટર પર બુસ્ટર ડોઝની ડિમાન્ડ વધી છે. તેમજ કોવિડ ટેસ્ટ માટે પણ સંખ્યા વધી છે. હાલ ડોઝ ન હોવાથી આવનાર વ્યક્તિ રજીસ્ટ્રશન કરવામાં આવી રહ્યું છે. જેથી ડોઝ ઉપલબ્ધ થતા પહેલા આ વ્યક્તિ ઓને પ્રાધાન્ય અપાશે.