શિક્ષણ વિભાગે ‘દિવાસ્વપ્ન’ ફિલ્મ બતાવવા માટે દરેક શાળાને આદેશ કર્યો હતો.
Divyasavpna Movie: ફિલ્મ ‘દિવાસ્વપ્ન’ બતાવવા માટે શાળા સંચાલક મંડળ અને શિક્ષણ વિભાગ આમનેસામને આવી ગયો છે. આ મામલે શાળા સંચાલક બોર્ડે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે.
અમદાવાદઃ રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાતી ફિલ્મ ‘દિવાસ્વપ્ન’ બતાવવા માટે આદેશ કરાયો હતો. જો કે, હાલમાં આ ફિલ્મ બતાવવા મામલે શાળાના સંચાલકો અને શિક્ષણ અધિકારીઓ આમનેસામને આવી ગયા છે. સંચાલક મંડળે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, રાજ્યના વિવિધ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ દ્વારા આ ફિલ્મ બતાવવા માટે સ્કૂલોને આગ્રહ કરવામાં આવી રહ્યો છે. જેથી સંચાલક મંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખી જે સ્કૂલો ફિલ્મ બતાવવા માટે ખર્ચ કરી શકે તેમ નથી તેમને ખાસ ગ્રાન્ટ આપવા રજૂઆત કરી છે.
વિદ્યાર્થીઓને ફિલ્મ બતાવવા આદેશ આપ્યો હતો
ગુજરાતી ફિલ્મ ‘દિવાસ્વપ્ન’ ટાઈટલ લેખક ગિજુભાઈ બધેકાની પુસ્તક ‘દિવાસ્વપ્ન’ પરથી રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શિક્ષણમાં વર્તમાન સમયની સમસ્યાઓને અનુરુપ મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં ભાર વિનાના ભણતરની સાથે સાથે એક શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં શું રોલ હોય છે અને તે તેના જીવનમાં શું પરિવર્તન લાવી શકે છે તે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી શિક્ષણ વિભાગ દ્વારા આ રાજ્યની સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને આ ફિલ્મ બતાવવા આદેશ કરાયો હતો. જો કે હવે આ મામલે વિવાદ થયો છે.
રાજ્યના શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે, ‘ગુજરાતી ફિલ્મ ‘દિવાસ્વપ્ન’ વિદ્યાર્થીઓને દેખાડવા માટે આદેશ કરાયો છે. આ આદેશને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીઓ ફિલ્મ બતાવવા માટે આગ્રહ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને નજીકના થિયેટરમાં લઈ જવા કે પ્રોજેક્ટર અથવા અન્ય સાધનોની સગવડ કરવી તથા આ ફિલ્મ માટે 100 રૂપિયા સુધીનો ખર્ચ પણ થઈ શકે છે. આવા સંજોગોમાં રાજ્યના પછાત અને છેવાડાના ગામના વિદ્યાર્થીઓ કે સંચાલકો આ ખર્ચ કરી શકે તેમ નથી, જેથી આ બાબતે પુન: વિચારણા થવી જોઈએ.’
‘અધિકારીએ ફિલ્મ બતાવવાનો આગ્રહ ન કરવો’
આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ‘ફિલ્મ બતાવવામાં અમને કોઈ જ વાંધો નથી, પરંતુ જે સ્કૂલો ફિલ્મ બતાવવા માટે ખર્ચો કરી શકે તેમ નથી તે સ્કૂલોને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ ગ્રાન્ટ આપી જોઈએ અથવા તો ફિલ્મ બતાવવા માટે કોઈપણ અધિકારીએ આગ્રહ ન કરવો જોઈએ.’