Ahmedabad ATM fraud: કમિશને અવલોકન કર્યું કે લેખિત ફરિયાદ હોવા છતાં BOI દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ATMના CCTV ફૂટેજ મેળવવાની પણ તસ્દી લીધી ન હતી.
અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એડિશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને (Ahmedabad District Additional Consumer Dispute Redressal Commission) બેંક ઓફ ઈન્ડિયા (BOI) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને અમદાવાદના રહેવાસીને સંયુક્ત રીતે રૂ. 14,000 ચૂકવવા આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે ફરિયાદીનું BOIમાં ખાતું છે અને મુંબઈમાં એસબીઆઈના એટીએમ દ્વારા તેની સાથે ફ્રોડ થયું હતું. ઓગસ્ટ 2014થી અમદાવાદના કેશવનગરમાં રહેતા પાર્થ શાહનું BOIની પાલડી શાખામાં બચત ખાતું છે. મધરાત બાદ મુંબઈના ડોકયાર્ડ વિસ્તારમાં એસબીઆઈના એટીએમ દ્વારા તેમના ખાતામાંથી 14,000 રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.
અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે શાહ તે સમયે અમદાવાદમાં હોવાથી અને ડેબિટ કાર્ડ પાસે હોવા છતાં રૂપિયા ઉપડી ગયા, તે જોઈને દંગ રહી ગયા હતા. તેમણે ડેબિટ કાર્ડની વિગતો પણ કોઈની સાથે શેર કરી ન હતી. તેથી તેમણે બેંકને રિફંડ માટે પત્ર લખ્યો, પરંતુ બેંક તરફથી કોઈ ઉત્તર ન મળતાં શાહે BOI અને SBI સામે અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી.
BOIના વકીલે લેખિત રજૂઆતમાં દલીલ કરી હતી કે SBIના ATM દ્વારા કંઈક ખોટું થયું છે અને તેથી તેની જવાબદારી SBIની છે. વકીલે એવી પણ દલીલ કરી કે આ કેસમાં પોલીસ તપાસ ચાલી રહી હોવાથી અને છેતરપિંડી માટે કોણ જવાબદાર છે તે હજુ સ્પષ્ટ નથી, તેથી ફરિયાદ રદ કરવી જોઈએ.
એસબીઆઈના વકીલોએ દલીલ કરી કે જે એટીએમ દ્વારા ટ્રાન્ઝેક્શન થયું હતું તે મુંબઈમાં છે, તેથી કમિશન કાર્યવાહી હાથ ધરી શકે નહીં. વધુમાં ખાતું BOI પાસે હતું, તેથી તે તેમની જવાબદારી છે.
કમિશને અવલોકન કર્યું કે લેખિત ફરિયાદ હોવા છતાં BOI દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ATMના CCTV ફૂટેજ મેળવવાની પણ તસ્દી લીધી ન હતી. બચત ખાતામાં રહેલા નાણાંની જવાબદારી BOIની હતી અને બેંકના IT વિભાગ પાસેના ડેટાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
એસબીઆઈની વાત કરીએ તો કમિશને જણાવ્યું હતું કે છેતરપિંડીના દિવસે એક વ્યક્તિ મધ્યરાત્રિ પછી એસબીઆઈના એટીએમમાં પ્રવેશ્યો હતો, એ વ્યક્તિએ તેમાં 30થી 40 મિનિટ વિતાવી અને 11 ટ્રાન્ઝેક્શન્સ કર્યા, છતાં એક પણ સુરક્ષા કર્મચારીએ એટીએમમાં પ્રવેશવાની તસ્દી લીધી ન હતી.
અમદાવાદ જ્યુડીશ્યલ કમિશને BOI અને SBIને સંયુક્ત રીતે જવાબદાર ઠેરવ્યા હતા અને તેમને 7% વ્યાજ સાથે રૂ. 14,000ની રકમ ખર્ચ પેટે રૂ. 3000 અને હેરાનગતિ માટે વધારાના રૂ. 3000 ફરિયાદીને ચૂકવવાનો આદેશ આપ્યો હતો.